Atmadharma magazine - Ank 010-011
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 29

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૭૯ :
પોતાના ગુણનું ખૂન કરી રહ્યા છે, અને તેનું નામ ભાવ મરણ છે. એ રીતે બીજો જીવ બચે કે મરે પણ જે
જીવે મારી નાંખવાનો ભાવ કર્યો તેણે પોતાની હિંસા તો કરી જ છે.
નાનાભાઈ–તમારી વાત સમજાણી. તમે જે દાખલો આપ્યો તે તો અશુભ ભાવનો આપ્યો. પણ સમજ્યા
વગરના પ્રતિક્રમણ કરનારે તો કોઈ જીવને મારવાનો ભાવ કર્યો નથી. તેનું શું?
મોટાભાઈ––કોઈ જીવ પોતે બીજાને લાભ–નુકસાન કરી શકતો નથી, પણ પોતાના ભાવમાં ઘાલમેલ કરી
શકે છે એમ બતાવવા ઉપરનો દાખલો આપ્યો હતો. જેમ એક જીવ બીજાનું ભૂંડું કરી શકતો નથી તેમ બીજાનું
ભલું પણ કરી શકતો નથી. તે બીજા જીવોને દુઃખ ન દેવાનો ભાવ કરે તો તે શુભ ભાવ છે, અને અગવડ
આપવાનો ભાવ કરે તો તે અશુભ ભાવ છે. શુભાશુભ ભાવ મારા છે, તે કરવા જેવા છે, એવી જે જીવની
મજબૂત પકડ છે તે સંસારનું મૂળિયું છે, અને તે છેદવામાં ન આવે ત્યાં સુધી સંસાર ઊભો રહે છે. પોતાનું યથાર્થ
સ્વરૂપ સમજ્યા વિના તે ટળે નહીં. તે મૂળિયાને શાસ્ત્રીય પરીભાષામાં મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વ તેજ સંસાર
છે–તેજ પરિગ્રહ છે. અને તેમાંથી પાછું ફરવું તે મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે.
નાનાભાઈ–તમારું કહેવું હું સમજ્યો–તમે એમ કહેવા માગો છો કે:– (૧) એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ
કરી શકે નહીં અને તેથી લાભ નુકસાન કરી શકે નહીં. જીવ અને અજીવ પણ વસ્તુઓ છે તેથી જીવ પુદ્ગલનું કે
બીજા જીવનું કાંઈ કરી શકે નહીં, પુદ્ગલ જીવને કાંઈ લાભ નુકસાન કરી શકે નહીં.
(૨) એ પ્રમાણે માન્યતા થતાં જગતના અનંતા પદાર્થો ઉપરનું પોતાનું સ્વામીત્વ જીવ ઊંધાઈથી માનતો
તે ટળી જાય છે.
(૩) દરેક જીવ પોતાને જ પોતાના ભાવથી લાભ નુકસાન કરી શકે.
(૪) જો પોતાનું સ્વરૂપ સમજે તો પોતાને લાભ થાય. અને સાચી સમજણ કરવી તેને તમે ‘મિથ્યાત્વનું
પ્રતિક્રમણ’ કહો છો. આ વાત બરાબર છે?
મોટાભાઈ–હા, તમે કહ્યું તે બરાબર છે, પણ પોતાનું સ્વરૂપ સમજવું એમ કહેવાથી સ્વરૂપ સમજાય નહીં;
માટે તેનો ઉપાય જાણવો જોઈએ.
નાનાભાઈ–એ વાત ખરી છે. તે માટે શું ઉપાય છે તે સમજાવો.
મોટાભાઈ––પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. આત્મા ત્રિકાળી
અખંડ શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર ધ્રુવ રૂપ છે. માત્ર તેની વર્તમાન વર્તતી અવસ્થામાં ક્ષણે ક્ષણે તે નવો વિકાર
કરે છે. તે તરફ લક્ષ ગૌણ કરી ત્રિકાળી–ધ્રુવ–ચૈતન્ય સ્વરૂપ તરફ લક્ષ આપે તો સમ્યગ્દર્શન પ્રગટે છે, અને
સમ્યગ્દર્શનનું પ્રગટ કરવું તે મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે; માટે આ સંબંધે વિચાર કરી–સત્યાસત્યનો નિર્ણય કરી
સમ્યગ્દર્શન પ્રગટ કરવું.
નાનાભાઈ–પ્રતિક્રમણનો પાઠ કેટલાક બોલે છે તેમાં નીચે પ્રમાણે બોલતાં સાંભળ્‌યું છે:– ‘મિથ્યાત્વનું
પડિકમણું–અવ્રતનું પડિકમણું–કષાયનું પડિકમણું–– ‘પ્રમાદનું પડિકમણું’ તો પહેલાંં મિથ્યાત્વનું પડિકમણું ન
કરીએ અને બીજાં કરીએ તો કેમ?
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવ શંકતા, અપાત્ર અંતર જ્યોત.
(શ્રીમદ્ રાજચંદ્ર)
જેની મતિમાં અલ્પતા છે, જ્ઞાનમાં વિવેક નથી, મોહ ઉદ્યોત એટલે પર ઉપર જેનું વજન છે, અનંત પૂર્ણ
તાકાતરૂપે હું છું તેનો વિશ્વાસ નથી, કાળ, ક્ષેત્ર ને કર્મ નડે છે એમ પર ઉપર નાખે છે, તેને ભવની શંકા થાય છે.
‘મારા પુરુષાર્થથી હું સ્વતંત્ર આત્મતત્ત્વનો મોક્ષ મેળવી શકું છું’ તેની શ્રદ્ધા ન આવે, રાગ તોડવો તે મારા
હાથની વાત છે એમ જેને બેસે નહિ તે અપાત્ર અંતર જ્યોત છે.
હું આત્મતત્ત્વ એક ક્ષણમાં અનંત પુરુષાર્થ કરી અનંતકાળની મૂંઝવણ તોડનાર છું, કારણ કે હું અનંત
વીર્યની મૂર્તિ છું, એમ જેને બેસે તેને અનંત સંસાર હોતો નથી. (સમયસારજી ગાથા ૩૩ના પ્રવચનમાંથી)