Atmadharma magazine - Ank 010-011
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 29

background image
: ૧૮૪ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
અધર્મ દ્રવ્ય:– એ પણ ધર્માસ્તિ દ્રવ્યની માફક ચૌદ બ્રહ્માંડમાં વ્યાપેલું અરૂપી, અજીવ સર્વજ્ઞ ભગવાને
જોયેલું દ્રવ્ય છે, તે અચેતન છે કાંઈ જાણતું નથી, તથા જ્ઞાન બધું જાણે છે, માટે જિનદેવ કહે છે કે:– જ્ઞાન અને
અધર્મ દ્રવ્ય ત્રિકાળ જુદાં છે.
ધર્મ અને અધર્મ બન્ને વસ્તુ સર્વજ્ઞના જ્ઞાનમાં ત્રિકાળી સિદ્ધ થઈ ગયેલ છે. તે તારા જ્ઞાનમાં આવે ત્યારે
તે તારા જ્ઞાનની જ અવસ્થા છે, ધર્મ કે અધર્મ દ્રવ્યને કારણે તારું જ્ઞાન નથી.
કાળ દ્રવ્ય:– આ અજીવ અરૂપી અનંતગુણનો પિંડ વસ્તુ છે; કાળાણુ લોકાકાશના એકેક પ્રદેશે એકેક
રહેલાં છે, તે અસંખ્યાતા કાળાણુઓ છે, અચેતન છે, તે તદ્ન જાણતાં નથી અને જ્ઞાન બધું જાણે છે, માટે જ્ઞાન
જુદું છે અને કાળ દ્રવ્ય જુદું છે.
કેટલાક કાળ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય એમ માનનારા છે. કાળ સ્થિતિ તારા પુરુષાર્થથી પાકે છે. તું
પુરુષાર્થ કર તો કાળસ્થિતિ પાકેલી જ પડી છે. જેમ ચોખાની ગુણ ભરી હોય ત્યારે ‘આ ચોખા ક્યારે પાકશે?’
એમ કોઈ પૂછે નહીં, પણ તપેલામાં નાખીને ચૂલા ઉપર મૂકયા હોય ત્યારપછી ‘હવે કેટલી વાર લાગશે?’ એ
જોવાનું રહે; તેમ આત્માના સ્વભાવની શ્રદ્ધા કરે, જ્ઞાન કરે તો ત્યારપછી સ્થિરતા કરતાં કેટલો વખત લાગશે તે
જોવાનું રહે. પણ જ્ઞાનના સ્વ સામર્થ્યની પ્રતીત ન કરતાં કાળ નડે એ લાવ્યો ક્યાંથી? કાળ આત્માના
સ્વભાવમાં છે જ નહીં. કાળને યાદ કરવાનું સામર્થ્ય તારા જ્ઞાનનું છે, કાળદ્રવ્ય જગતની ત્રિકાળી અચેતન વસ્તુ
છે, અને આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, કાળદ્રવ્યથી જ્ઞાન થયું નથી. કાળ અને જ્ઞાન બન્ને જુદાં છે એમ શ્રી
જિનદેવે કહ્યું છે.
દરેક વસ્તુ પોતાના કારણે પલટે છે, ત્યારે કાળ તો નિમિત્ત છે–માત્ર હાજર છે. કાળ મને નુકસાન કરે
એમ માનનાર આત્માના સ્વ–પર પ્રકાશક જ્ઞાનગુણની પ્રતીત કરતો નથી. સ્વભાવનું ભાન તે જ મોક્ષ છે, અને
સ્વભાવને પરાધીન માન્યો તે જ સંસાર છે.
‘મારે કેટલો કાળ બાકી હશે!’ એવી કલ્પના વખતે પણ જ્ઞાનનું જ સામર્થ્ય આવ્યું છે. ‘સર્વજ્ઞ ભગવાને
મારો કેટલો કાળ જોયો હશે?’ એમ કલ્પ્યું ત્યાં શું કર્યું? તે સાંભળ! :–
એક તો સર્વજ્ઞના જ્ઞાનની સ્વ–પર પ્રકાશક શક્તિ તારા જ્ઞાનમાં યાદ કરી છે, તે તારા જ્ઞાનની તને
પ્રતીતિ નથી તેથી તને એમ થાય છે કે ‘ભગવાને મારો કાળ ઘણો જોયો હશે તો?’ એમ પર ઉપર લક્ષ જાય છે,
ત્યાં તારા જ્ઞાનમાં તેં કાળને, સર્વજ્ઞને અને તારી પર્યાયના સામર્થ્યને યાદ કર્યાં છે.
પ્રભુ! તારી પ્રભુતા સમયે સમયે તારી પર્યાયમાં જ ભરી છે. તારી પર્યાયનું સ્વ–પર પ્રકાશકપણાનું
સામર્થ્ય છે તે સામર્થ્ય ન માનતાં જ્ઞેય સાથે એકત્વ બુદ્ધિ માને છે તે બંધમાર્ગ છે. જ્ઞેયને કારણે નુકસાન માન્યું
તો તેં તારા જ્ઞાનનું સામર્થ્ય માન્યું નથી. જ્ઞેયને કારણે રાગદ્વેષ માન્યાં તેને રાગ–દ્વેષ થયા વિના રહેશે નહીં. જેવી
જેની માન્યતા તેને અનુસરીને જ વર્તન થાય છે.
મારા જ્ઞાનની સ્વાધીન પર્યાયને કોઈ રોકવા સમર્થ નથી. ‘ભગવાન સર્વજ્ઞ છે, તેમને ભવ નથી, રાગ–વિકાર
નથી’. એમ સર્વજ્ઞના સ્વરૂપનો જે જ્ઞાને નિર્ણય કર્યો, તેને મારામાં ભવ છે કે રાગદ્વેષ છે, એમ આવ્યું ક્યાંથી?
‘સર્વજ્ઞને ભવનો અભાવ છે, રાગદ્વેષનો અભાવ છે. ત્રણકાળ, ત્રણલોકને એક સમયમાં જાણે છે’ અને
મારું સ્વરૂપ પણ સર્વજ્ઞ સમાન જ છે. એમ મારા જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કર્યો તો તેમાં પણ ભવ નથી,
રાગદ્વેષ નથી એવો મારો સ્વભાવ છે, એમ પોતાના જ્ઞાનની પ્રતીતિ ન આવતાં જે જ્ઞેય ઉપર ઢોળી દે છે, તેને
પોતાના સ્વ–પર પ્રકાશક સ્વભાવની પ્રતીતિ નથી.
આકાશ:– ઉપર દેખાય છે તે આકાશ દ્રવ્ય નથી, પણ જડની અવસ્થા છે. આકાશ અનંત છે, અરૂપી,
અજીવ દ્રવ્ય છે. આવું આકાશનું જ્ઞાન તે તારા જ્ઞાનની સ્વત: પર્યાય તેટલી, તેવડી અને તેવી જ છે. જે જ્ઞાન
એક પર્યાયમાં અનંતુ જાણે, તો તે જ્ઞાનનું સામર્થ્ય કેટલું? એમ પોતાના જ્ઞાનનું માહાત્મ્ય આવવું જોઈએ.
આકાશ દ્રવ્યને કારણે તારું જ્ઞાન નથી, તારો જ્ઞાન સ્વભાવ જુદો છે; અને આકાશ દ્રવ્ય જુદું છે. એમ શ્રી
જિનદેવે કહ્યું છે.
પરિષહ–બાહ્ય સંયોગમાં સમભાવ રાખીને શુદ્ધ ભાવમાં વધતા જવું તે જ પરિષહ છે, અને તે વખતનો
બાહ્ય સંયોગ ‘પરિષહ નિમિત્ત’ છે; આ રીતે ઉપસર્ગ કે પરિષહ બહારમાં નથી પણ પોતાના ભાવમાં છે.