• જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ: •
લેખક: – રામજીભાઈ માણેકચંદ દોશી
‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ:’ ઘણું ટૂંકું સૂત્ર છે. પણ આ નાના સૂત્રમાં ગંભીર મર્મ રહેલ છે, તે મર્મની જેને
ખબર નથી તે અર્થ કરવામાં ભૂલ કરે એ સ્વાભાવિક છે.
આ સૂત્ર સંસ્કૃત ભાષામાં છે. એટલે જેઓ માગધી ભાષાના મૂળ સૂત્રને જ માત્ર માને અને તે સિવાય
બીજા કોઈને તીર્થંકર પ્રણિત ન માને તેને તો આ સૂત્ર સાથે કાંઈ સંબંધ હોવો જોઈએ નહીં, છતાં કેટલાકો તથા
બીજાઓ આ સૂત્ર પોતાની માન્યતાને પોષે છે–ટેકો આપે છે એમ માની લઈ પોતાને અનુકૂળ અર્થ કરે છે. તે
અર્થ શું કહે છે અને તે બરાબર છે કે કેમ તે અહીં વિચારીએ.
કેટલાકો કહે છે કે–આત્માનું જ્ઞાન અને જડ (શરીર) ની ક્રિયાથી મોક્ષ થાય, તેના ટેકામાં એવી દલીલ
કરે છે કે–આ સૂત્ર દ્વિવચનમાં છે માટે આત્માનું જ્ઞાન અને શરીરની ક્રિયા એમ બે ન લઈએ તો દ્વિવચન આવે
નહીં; માટે વ્યાકરણ દ્રષ્ટિએ એવો જ અર્થ થાય.
આ સૂત્ર દ્વિવચનમાં છે એ ખરૂં છે, પણ તેથી શરીરની ક્રિયા એવો અર્થ થાય નહીં. તેનાં કારણો નીચે
પ્રમાણે છે.
વ્યાકરણ દ્રષ્ટિએ અર્થ ખોટો
૧––શરીર એક દ્રવ્ય નથી, પણ અનંત પુદ્ગલ દ્રવ્યોનું બનેલું છે; તેથી એક આત્મા અને અનંત પુદ્ગલ
દ્રવ્યો (શરીર) ની ક્રિયા હોવાથી અનંત દ્રવ્યોની ક્રિયા અનંતી થાય. એટલે મોક્ષ તે એક આત્માના જ્ઞાન અને
અનંત પુદ્ગલોની જે અનંતી ક્રિયા એક સમયે થાય છે તેનાથી થાય એવો અર્થ થાય. એ સૂત્રમાં તો દ્વિવચન છે
અને બહુવચન નથી. માટે તે અર્થ વ્યાકરણ દ્રષ્ટિએ ખોટો ઠરે છે.
૨––શરીરનું કાર્ય જ્યારે થાય છે ત્યારે જડકર્મોનું પણ કાર્ય થાય છે. જડકર્મના ઉદયને અને શરીરને ક્રિયાનો
સંબંધ છે. તેથી જો જીવના આત્મજ્ઞાનથી અને શરીરની ક્રિયાથી મોક્ષ થતો હોય તો ખરી રીતે એમ કહેવું જોઈએ કે
જીવના આત્મજ્ઞાન, અનંત કર્મની ક્રિયા અને શરીરની ક્રિયા એમ ત્રણથી મોક્ષ થાય. શરીર અનંત દ્રવ્યોરૂપ છે, અને
જડ કર્મ પણ અનંત દ્રવ્યો છે, છતાં દરેકને એક એક દ્રવ્ય લઈએ તો પણ ત્રણ થયા, એટલે પણ ઉપરનો અર્થ
વ્યાકરણ દ્રષ્ટિએ ખોટો ઠરે છે. ત્રણ થાય ત્યાં સંસ્કૃતમાં દ્વિવચન આવતું નથી, પણ બહુવચન આવે છે.
(૩) દરેક જીવ એક છે. શરીર અનંત દ્રવ્યોનો પિંડ છે. શરીરના એક પિંડની સ્થૂળદ્રષ્ટિએ પણ એક ક્રિયા
હોતી નથી, જેમ જીવ ધ્યાનમાં હોય ત્યારે શરીરની અવસ્થાની ક્રિયા વિચારીએ તો પગ વગેરે બેસવાના આકારે
છે, કેડ ઉપરના ભાગની ક્રિયા તેનાથી જુદી એટલે ટટ્ટાર ઊભી છે અને હાથની સ્થિતિ વળી તેથી પણ જુદી હોય
છે. મુખની સ્થિતિ ટટ્ટાર કે નમેલી પણ હોય છે. એ રીતે જુદા જુદા અવયવોની ક્રિયા જુદી જુદી છે, પણ સૂત્રમાં
તો દ્વિવચન છે; અને આ તો બે કરતાં વધારે ક્રિયા થઈ એ રીતે પણ વ્યાકરણ દ્રષ્ટિએ તે અર્થ ખોટો ઠરે છે.
(૪) કેટલાક જીવોને ઘાણીમાં ઘાલીને દુષ્ટો પીલે છે, અને જ્ઞાની સામ્યભાવ રાખી મોક્ષ પ્રાપ્ત કરે છે; હવે
અહીં ઘાણીમાં પીલાવાના કાર્યમાં શરીરના અવયવોની ક્રિયાઓ જુદી જુદી થાય એટલે પણ ત્યાં ‘ભ્યામ્’
દ્વિવચન બતાવનારો શબ્દ ન જોઈએ, પણ બહુવચન બતાવનારો શબ્દ જોઈએ. એ રીતે પણ અર્થ ખોટો ઠરે છે.
સિદ્ધાંતિક દ્રષ્ટિએ તે અર્થ ખોટો છે.
(૧) દરેક જીવ એક ચૈતન્ય દ્રવ્ય છે. મોક્ષ જીવની પૂર્ણ પવિત્ર અવસ્થા છે. મોક્ષ એટલે વિકારી
અવસ્થાથી મુક્ત થવું, જીવ પોતે પોતા વડે પોતામાં વિકાર કરે છે, એટલે પોતે પોતાવડે પોતામાંથી વિકાર ટાળે
તો ટળી શકે, જીવ જો જડનું કાંઈ કાર્ય કરે તો જીવ જડ થઈ જાય. જો શરીર જીવનું કાર્ય કરે તો શરીર પુદ્ગલ
અનંત દ્રવ્યો મટી એક ચૈતન્ય દ્રવ્ય થઈ જાય. એમ દ્રવ્યોનો લોપ થવા લાગે તો જીવનો પણ લોપ થઈ જાય.
એટલે જીવનું આત્મજ્ઞાન અને શરીરની ક્રિયાવડે મોક્ષ થાય એમ માનવું તે એકલી ભ્રમણા છે.
(૨) જીવમાં પુદ્ગલ વ્યાપતું નથી. પુદ્ગલમાં જીવ વ્યાપતો નથી. ત્યારે પુદ્ગલ જે પોતામાં વ્યાપે છે
અને જીવમાં વ્યાપતું નથી એવા અનંતા પુદ્ગલો પોતાની ક્રિયાથી આત્માને શી રીતે મોક્ષમાં લઈ જાય? લઈ
જઈ શકે નહીં એ સ્પષ્ટ છે.