Atmadharma magazine - Ank 010-011
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 29

background image
ક્રમબધ્ધ પયય
જગતમાં છ દ્રવ્યો છે. તે દરેકમાં અનંત ગુણો પોત પોતાના નિત્ય છે;
દરેક સમયે સમયે તે ગુણોની અવસ્થા બદલે છે, જે જે અવસ્થા થાય છે તે
દરેક ક્રમબદ્ધ જ આવે છે. પછી થવાની અવસ્થા પહેલાંં થઈ જતી નથી કે
પહેલાંં થવાની જે અવસ્થા તે પાછળ થાય એમ ક્રમબધ્ધ અવસ્થામાં ફેર
પડતો નથી.
દા. ત. માટીમાંથી ઘડો થાય તેમાં ક્રમબદ્ધ અવસ્થાઓ જ આવે છે.
પ્રથમ તે માટીને પિંડરૂપ કરવા (બરાબર ચીકાશરૂપ કરવા) તેને ધોકાવતી
છૂંદે છે, પછી તેને ચાક ઉપર ચડાવીને ઘડા આકારે બનાવે છે; તેમાં કુંભાર
પહેલાંં માટીને ચાક ઉપર ચડાવે અને પછી તેને ધોકાવતી છૂંદે એમ કદી
બનતું નથી. તેમ આત્મામાં પણ દરેક અવસ્થા ક્રમબદ્ધ જ થાય છે, તેના
ક્રમમાં ભંગ પાડવા કોઈ સમર્થ નથી. તેની કેવળ અને મોક્ષ પર્યાયો પણ
ક્રમબદ્ધ જ પ્રગટે છે, તેમાં સમયમાત્રનો ફેર પાડવા કોઈ સમર્થ નથી.
હવે સહેજે નીચેનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે:– જો વસ્તુની બધી
પર્યાયો ક્રમબદ્ધ જ આવે છે અને આત્માને કેવળ તથા મોક્ષ પણ ક્રમબદ્ધ જ
આવે છે–તેમાં ફેર પડવાનો જ નથી તો પછી તેમાં પુરુષાર્થ ક્યાં રહ્યો?
તેનો ખુલાસો નીચે પ્રમાણે છે:–
વસ્તુની ક્રમબદ્ધ અવસ્થામાં તો ફેર પડવાનો જ નથી. પણ “વસ્તુની
પર્યાય ક્રમબદ્ધ જ થાય છે” એવી શ્રદ્ધા કરવામાં જ અનંતો પુરુષાર્થ આવી
જાય છે.
ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થતાં પોતાની પર્યાય ઊઘડવા માટે કોઈ પર
ઉપર લક્ષ રહેશે નહીં, તેથી કોઈ પર ઉપર રાગદ્વેષનું કારણ નહીં રહે.
“મારી શુદ્ધ પર્યાય ક્યારે ઉઘડશે” એવો આકુળતાનો વિકલ્પ પણ રહેશે
નહીં, તેથી ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા તો જે નજીક મુક્તિગામી હોય તે જ જીવ
નક્કી કરી શકે, તેથી ક્રમબદ્ધ પર્યાય નક્કી કરવામાં અનંતો પુરુષાર્થ આવે
છે. ક્રમબદ્ધ પર્યાયમાં વીતરાગતા છે.
ક્રમબદ્ધ પર્યાયનો નિશ્ચય થયા પછી પર દ્રવ્યની ગમે તેવી અનુકૂળ
કે પ્રતિકૂળ અવસ્થા થાય તો પણ તેમાં રાગદ્વેષ થાય નહીં. (અનુકૂળ–
પ્રતિકૂળપણું જગતની દ્રષ્ટિએ છે, વસ્તુમાં અનુકૂળ–પ્રતિકૂળપણું નથી.)
ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય? કે પરદ્રવ્યમાં થતી
અવસ્થા ગમે તેવી થાય તેમાં “આ આમ કેમ થયું? આમ થયું હોત તો મને
ઠીક” એ વગેરે વિચારો–વિકલ્પ–રાગદ્વેષ થાય જ નહીં. એને (ક્રમબદ્ધ
પર્યાય નક્કી કરનારને) શ્રદ્ધા છે કે આ દ્રવ્યની આ વખતે આ પ્રમાણે
અવસ્થા ક્રમબદ્ધ થવાની હતી, તે જ મુજબ થાય છે, તો પછી તેમાં રાગ કે
દ્વેષ કેમ કરે? માત્ર જે વસ્તુની જે સમયે જે જાતની અવસ્થા થાય તેનું જ્ઞાન
જ કરે.
આ રીતે ક્રમબદ્ધ અવસ્થાનો નિર્ણય તે પોતે જ વીતરાગતા છે, અને
તે નિર્ણય કરવામાં જ અનંતો પુરુષાર્થ છે.