Atmadharma magazine - Ank 013
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
તમારી નકલ પાંચ ને વંચાવો
: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૯ :
અને પરિપૂર્ણ છે. દરેક આત્મા પણ શુદ્ધ સિદ્ધ ભગવાન સમાન પરિપૂર્ણ છે; આમ જે સ્વભાવની સ્વતંત્રતા
ઉપર–શુદ્ધતા ઉપર દ્રષ્ટિ કરીને પરભાવને ટાળે છે તેને અનંતદર્શન–જ્ઞાનાદિ સ્વચતુષ્ટય પ્રગટે છે.
૮–આજના મંગળ પ્રભાત બાબત શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:–
‘રાત્રિ વ્યતીત થઈ, પ્રભાત થયું; દ્રવ્ય નિદ્રાથી જાગૃત થયા હવે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરો’ મોહ
અંધકાર ટાળી સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ ફેલાવો.
૯–આજના મંગળ પ્રભાત બાબત શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે:– જેમ પરમાં ઊંધી માન્યતાથી સુખનો
ભરોસો કર્યો છે તેમ પોતામાં અનંતજ્ઞાન દર્શન ભર્યા છે તેની શ્રદ્ધા કરે તો ચૈતન્ય નિરર્ગલ (જેમાં કોઈ જાતનો
મેલ નથી, આગળીયો નથી, વિઘ્ન નથી.) એવા વિલસતા (વિકાસરૂપ) ચૈતન્ય સ્વભાવનું ખીલવું અર્થાત્
વિકસવું થાય છે. તે ચૈતન્ય જ્યોતરૂપ સુમંગળ ખીલ્યું તે ખીલ્યું–તે કદી પણ અસ્ત થવાનું નથી એવા સાદિ
અનંત મંગળ પ્રભાતને (કેવળજ્ઞાનને) જ્ઞાનીઓ બેસતું વર્ષ અથવા ‘સુમંગળ પ્રભાત’ કહે છે.
અનંતજ્ઞાનનું પ્રગટવું એટલે કે જેનો પ્રકાશ અનંત છે એવા કેવળજ્ઞાનનું પ્રગટવું તે જ સુપ્રભાત છે.
૧૦–શ્રી પદ્મનંદી આચાર્ય સુપ્રભાતનું વર્ણન કરતાં કહે છે કે:– જેમ રાત્રિનો અંત આવતાં અંધકારનો
નાશ થઈ પ્રભાતનો પ્રકાશ પ્રગટે છે તેમ આત્મામાં રાગ–દ્વેષ–મોહરૂપી અનાદિના અંધકારનો ચૈતન્ય સ્વભાવ
વડે અંત આવે છે. હું ચૈતન્યમૂર્તિ ઝળહળતી પૂર્ણ પ્રકાશમાન સ્વ–પર પ્રકાશક જ્ઞાનજ્યોત છું એવી શ્રદ્ધાના જોરે
એકાગ્રતામાં વધતાં વધતાં છેવટ પૂર્ણ કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત ઉદય પામે છે, તે કેવળજ્ઞાનના ઝળહળતા
પ્રકાશમાં અજ્ઞાનરૂપી કોઈપણ અંધકાર કે કર્મના આવરણ એક ક્ષણમાત્ર રહી શકતા નથી–નાશ જ થઈ જાય છે.
(પદ્મનંદી પંચવિંશતિકા પાનું ૪૪૨)



૧૧–ઉપર કહ્યું તેવા સુપ્રભાતની પ્રાપ્તિ અર્થે વંદના:–
અનંત વીર્યના વિઘ્નરૂપ વીર્યાવરણ કર્મનો નાશ કરવાથી જેને અનંતવીર્ય પ્રગટ્યું છે, અને
ચારિત્રમોહનીય આદિ આવરણોનો નાશ કરતાં જેને અનંતદર્શન, અનંતજ્ઞાન અને અનંતઆનંદરૂપ ચક્ષુઓ
ઊઘડી ગયાં છે અર્થાત્ જેઓ કર્મના આવરણોને ભેદીને–નાશ કરીને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાતના સંપૂર્ણ પ્રકાશને
પામ્યા છે તે ભગવંતોને તેવા પ્રકાશની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરૂં છું; સુપ્રભાતના સુપ્રકાશની પ્રાપ્તિ અર્થે (જ્યાં
સુધી તેવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી) ફરી ફરી નમસ્કાર કરૂં છું.
વીર ભગવાનની મુક્તિ (સિદ્ધપદની પ્રાપ્તિ) અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન એક જ સમયે થયા હતા. જગત
કહે ‘ભગવાન નિર્વાણ પામ્યા’ જ્યારે જ્ઞાનીઓ કહે ‘ભગવાન જીવન પામ્યા’ કેમકે સિદ્ધદશા એ જ જીવન છે.
૧૨–સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રાપ્તિ અર્થે વંદના જેમ પ્રભાતનો પ્રકાશ થતાં રાત્રિના અંધકારનો
સંપૂર્ણ નાશ થાય છે, અને નિદ્રિત પ્રાણીઓના નિદ્રા ત્યાગીને બે ચક્ષુઓ ખૂલી જાય છે તેમ–જ્ઞાનાવરણીય અને
દર્શનાવરણીય એવા જે બે કર્મો છે તે કર્મોરૂપી મોહનિદ્રાને ટાળીને જે જ્ઞાનીઓ–મહાત્મા પુરુષો સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનરૂપી બે ચક્ષુઓ ખોલીને સ્વભાવમાં જાગૃત થયા છે એવા જે મુનિશ્વરો–જ્ઞાની મહાત્માઓ તેઓને તેવા
પદની પ્રાપ્તિ અર્થે નમસ્કાર! જ્યાં સુધી તે પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ફરી ફરી અનંતવાર નમસ્કાર હો!
૧૩–શ્રી આનંદઘનજી પોતાના જ આત્માને વંદન કરીને ધન્ય કહે છે–
અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે
અમિત ફળ દાતારની, જેથી ભેટ થઈ તૂજ રે!
અહો અહો!... (અમિત=અમર્યાદિત, બેહદ)
૧૪– શ્રીમદ્ રાજચંદ્ર પોતાને વંદન કરતાં કહે છે કે:–
‘અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે ‘શ્રી રાયચંદ’ તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર. ’ મારા
આત્માને શું કહું? મારા આત્માને તો બસ! નમસ્કાર હો, વંદન હો, વિનય હો.