: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧ :
ભગવંતનું સ્વરૂપ છે એવું જ તારું સ્વરૂપ છે, એવા તારા સ્વરૂપની ઓળખાણ કરીને તેમાં જ ઠરી જા–એ
મોક્ષ છે. તારું સ્વરૂપ તો ક્યારેય પણ ઊણું–અધૂરૂં છે જ નહીં, પણ તને તારા સ્વરૂપની ખબર નથી તેથી
તને તારા સ્વરૂપના આનંદનો અનુભવ પ્રગટ નથી, માટે જ જ્ઞાનીઓ તને તારા સ્વરૂપની ઓળખાણ
કરવાનું કહે છે.
તું તારા સ્વરૂપથી છો, પરના સ્વરૂપથી તું નથી. પર સ્વરૂપને તારું સ્વરૂપ માનીને હે જીવ! અનાદિથી તું
સંસારમાં રખડી રહ્યો છો. સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું જ્ઞાયક છો. જાણવા સિવાય તારું સ્વરૂપ નથી, રાગ–દ્વેષ
તારું સ્વરૂપ નથી, પણ તું રાગ–દ્વેષનો જ્ઞાતા જ છો; શરીરમાં રોગ આવે તેનો તું જાણનાર જ છો, શરીર તારું
છે જ નહીં. ત્રણકાળ ત્રણલોકની પ્રતિકૂળતા આવે તો તેનો પણ તું જાણનાર જ છો, તારા જ્ઞાયક સ્વભાવને કોઈ
રોકી શકવા સમર્થ નથી. આવા તારા જ્ઞાયક સ્વભાવને જાણ અને તેમાં ઠર તો તને દુઃખ રહેશે નહીં–અને તારા
સ્વરૂપનું અપૂર્વ સુખ તારા અનુભવમાં આવશે. તારા અપૂર્વ આત્મીક સુખ પાસે ઈન્દ્રપદ કે ચક્રવર્તીનું રાજ્ય
સડેલાં તરણાં સમાન છે, તારું સ્વરૂપ તો આનંદની લહેરોથી ઊછાળા મારી રહ્યું છે, એ આનંદ દરેક ક્ષણે
તારામાં જ ભર્યો છે તેને ભોગવ, પરને ભોગવવાની ઈચ્છા મૂકી દે!
હે ભવ્ય! હે વત્સ! તું તને પોતાને ઘોર દુઃખરૂપી સંસાર સમુદ્ર વિષે ન ડુબાડ! તારા અજ્ઞાનમય ક્રૂર
પરિણામનું ફળ તને જ મહાદુઃખકારી અને અનિષ્ટ થઈ પડશે, અજ્ઞાનભાવે હાસ્ય કરતાં બાંધેલ પાપ કર્મનું ફળ
રડતાં પણ નહીં છૂટે, માટે એવા અજ્ઞાનમય દુષ્કૃત્ય છોડ રે છોડ! હવે સાવધાન થા! સાવધાન થા! સર્વજ્ઞ
જિનપ્રણિત ધર્મ અંગીકાર કર, અને શ્રી જિનધર્માનુસારી થઈને આત્મભાન કરી લે! ’
ભાઈ રે! તું ઉત્તમ જીવ છો, અત્યંત ભવ્ય છો, તારી મુક્તિનાં ટાણાં નજીક આવ્યાં છે–તેથી જ શ્રી
ગુરુઓનો આવો ઉપદેશ તને પ્રાપ્ત થયો છે. અહા! કેવો પવિત્ર નિર્દોષ અને મધુર ઉપદેશ છે!! આવા પરમ
હિતકારી ઉપદેશને કોણ અંગીકાર ન કરે! કોણ ન માને?
દુનિયા ન માને! દુનિયા ન માને! જેને દુનિયામાં રહેવું છે, જેને જન્મ–મરણ કરવાં છે જેને પુણ્ય–
પાપરૂપી સંસારચક્રમાં ભીંસાવું છે–તે આ વાત નહીં માને! પણ જેને દુનિયાથી પાર થવું છે, જન્મ–મરણ રહિત
થવું છે અને આત્મસ્વરૂપની જેને દરકાર છે તે તો આ વાત જરૂર માનવાના! આ વાત માન્યે જ છૂટકો છે.
દુનિયા ન માને કે માને, આજે માને, કાલે માને કે ચાહે તો વર્ષો પછી માને–પણ દુનિયાથી પાર એવા
અનંત જ્ઞાનીઓએ આ વાત સ્વીકારી છે; જેને દુનિયામાં રહેવું છે, સંસારની રુચિ છે, જન્મ–મરણનો ભય નથી
એવા અજ્ઞાનીની દુનિયા આ વાત નહીં માને! અને આ વાત જે માનશે તે અજ્ઞાની નહીં રહે!
દુનિયા ન માને તેથી કાંઈ સત્ય ફરી જતું નથી, સત્ય તો ત્રણેકાળ સત્ય જ છે. સત્ તે વસ્તુના આધારે
ટકેલું છે, વસ્તુ ત્રિકાળ છે તેથી સત્ પણ ત્રિકાળ છે. ઓછા માણસો માનનારા હોય તેથી સત્ને નુકસાન
પહોંચતું નથી, કેમકે સત્ને સંખ્યાની જરૂર નથી. વળી કાળ કે ક્ષેત્ર ફરતાં સત્ ફરી જતું નથી, કેમકે સત્ કાળ
કે ક્ષેત્રને આધારે નથી.
સત્ને માનનારની સંખ્યા ત્રણેકાળ ઓછી જ હોય; અને એકવાર પણ યથાર્થપણે સત્ને માને તો તે જીવ
આ સંસારમાં દીર્ઘકાળ રહે જ નહીં. ભગવાન કુંદકુંદાચાર્ય દેવ સમયસારજીમાં ભવ્ય જીવોને ભલામણ કરે છે કે:–
णाणगुणेण विहीणा एयं तु पयं बहु विणलहंते।
तं गिण्ह नियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं।। २०६।।
બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ જો કર્મ મોક્ષેચ્છા તને. ૨૦પ.
અન્વયાર્થ:– જ્ઞાનગુણથી રહિત ઘણાય લોકો (ઘણાં પ્રકારનાં કર્મો કરવાં છતાં) આ જ્ઞાન પદને પામતાં
નથી; માટે હે ભવ્ય! જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઈચ્છતો હો તો નિયત એવા આને (જ્ઞાનને) ગ્રહણ કર.
ટીકા:– કર્મમાં (કર્મ કાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહીં હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી;
જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક)