Atmadharma magazine - Ank 014
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૨૬ : આત્મધર્મ ૨૦૦૧ : માગશર :
આત્મા સ્વાભાવિક ત્રિકાળ સ્વતંત્ર વસ્તુ છે, તેમાં શ્રદ્ધા, જ્ઞાન, અસ્તિત્વ વગેરે અનંત ગુણો છે, તે
ગુણની અવસ્થા સમયે સમયે તેમાં થાય છે, છતાં મારી અવસ્થા પરથી થાય, જ્ઞેયના આધારે મારા જ્ઞાનની
અવસ્થા થાય એમ માનનાર પોતાના આત્માને પરાધીન માને છે. ત્રિકાળ સ્વાધીન તત્ત્વને પરાધીન માનવું તે
જ અનંત સંસારનું મૂળિયું છે. પહેલાંં જાણેલા જ્ઞેય પદાર્થોનો (સામી વસ્તુની અવસ્થાનો) પછીના કાળમાં નાશ
થતાં તેની સાથે જાણે કે મારું જ્ઞાન પણ નાશ પામી જતું હોય! એમ માનનાર પોતાના જ્ઞાનની જુદી સત્તા, જુદું
અસ્તિત્વ માનતો નથી. સામી વસ્તુની અવસ્થા સમયે સમયે બદલાય તે પોતાના જ્ઞાનમાં જણાતાં ‘આ
બદલાતાં જાણે હું પણ બદલાઈ જતો હોઊં’ એમ માનનાર પોતાના જ્ઞાનની સ્વતંત્ર અવસ્થાને માનતો નથી,
મારામાં તો કાંઈ તાકાત જ નથી, મારી જાણવાની તાકાત પરવસ્તુને લઈને હતી એમ તે જ્ઞાનની સ્વતંત્ર
તાકાતને માનતો નથી, એટલે પોતાની જુદી હયાતી સ્વીકારતો નથી. શરીરમાં યુવાની હો કે વૃદ્ધતા હો પણ મારું
જ્ઞાન તો તેનાથી જુદું છે એમ ન માનનાર એકાંતવાદી પશુ છે એમ આચાર્ય ભગવાન કહે છે.
ભાઈ! તારું તત્ત્વ પરથી જુદું છે તેના ભાન વિના તું શું કરીશ? પૂર્વના પુણ્યને લઈને કદાચ વર્તમાન
બાહ્ય સામગ્રી મળી હોય તો તે તારા વર્તમાન ડહાપણનું ફળ નથી, પણ પૂર્વના પુણ્ય બળી ગયાં ત્યારે સામગ્રી
મળી છે; તે સામગ્રી જડ છે. તારાથી જુદી છે તે તારાથી રાખ્યું રહેવાનું નથી, ક્ષણમાં ફૂ થઈને ઊડી જશે, કેમકે તે
તત્ત્વ સ્વતંત્ર છે, તું સ્વતંત્ર છો. તારી અવસ્થા તેને લઈને નથી, તેની અવસ્થા તારે લઈને નથી.
આત્મા સ્વતંત્ર તત્ત્વ છે. સ્વતંત્ર વસ્તુની અવસ્થા પરને લઈને થાય એમ માનનાર એકાંતવાદી પોતાની
સ્વાધીનતાનું ખૂન કરે છે. સ્યાદ્વાદનો જાણકાર અનેકાન્તવાદી જાણે છે કે:– આત્મામાં સમયે સમયે જ્ઞાનની જે
અવસ્થા થાય છે તે મારે લઈને થાય છે; આંખ મોળી પડે, ઈન્દ્રિયો શિથિલ થાય, શરીર નબળું પડે તો પણ મારું
જ્ઞાન મોળું પડતું નથી. મારી અવસ્થાથી મારું અસ્તિત્વ છે, પરની અવસ્થા મારાથી જુદી છે એમ સ્વકાળથી
પોતાનું અસ્તિત્વ જાણતો જ્ઞાની જ્ઞેય વસ્તુની અવસ્થાના નાશથી પોતાનો નાશ માનતો નથી, પણ પોતે સ્વથી
પૂર્ણ રહે છે. મારી હાલત મારાથી છે, જ્ઞેયની અવસ્થા ભલે ગમે તે થાય છતાં તેનાથી મારી હાલત બદલાતી
નથી, બહારની વસ્તુ બદલાવા છતાં મારું જ્ઞાન તો પૂર્ણ જ રહે છે.
સમય બદલતાં બુદ્ધિ બદલાઈ જાય એ વાત માનનાર ગાંડા છે. સમય પ્રમાણે ધર્મ બદલાય એમ
ત્રણકાળમાં બનતું નથી તે દુનિયાના ગપ્પાં છે. પૈસા વગેરે જતાં જગત કહે છે કે ‘હાય હાય!! અમારું બધું
ચાલ્યું ગયું, અમારે હતું ત્યારે બધું હતું’ પણ તારે શું હતું? પૈસા તો ધૂળ છે તે તારાં હતાં જ ક્યારે? ત્યાં
સંસારની રુચિ છે તેથી ધૂળના ઢગલાને સંભારે છે. પણ તીર્થંકર ભગવાનને સંભારતો નથી કે ‘ભરતમાં પણ
તીર્થંકર ભગવાન વિચરતા હતા. અને ધોખ માર્ગ પ્રવર્તતો હતો. અહો! તે ધર્મકાળ હતો! ’
અનેકાંતમાં તો ચૌદ પૂર્વનું રહસ્ય છે. ઈન્દ્રિય પુષ્ટ થાય, શરીર જાડું થાય, પૈસા ખૂબ વધે તેથી કાંઈ
આત્માના શ્રદ્ધા–જ્ઞાન જાડાં જતાં નથી. પોતાનું સ્વરૂપ કોઈ પણ પ્રકારના દોષવાળું ન માનતાં, મારું સ્વરૂપ
નિર્દોષ વીતરાગ સિદ્ધ સમાન છે એમ શ્રદ્ધા કરીને ઠરે તો આત્મા પોતે જાડો થાય છે અર્થાત્ શરીરાદિ મોળા પડે
છતાં જ્ઞાનની ઉગ્રતા રહે છે. મારે પર સાથે ત્રણકાળમાં સંબંધ નથી, પર વસ્તુ મારાથી ભિન્ન છે, ત પર
પલટાતાં હું પલટાઈ જતો નથી, હું તો જાણનાર જ અખંડ છું. જાણવામાં પર અનુકૂળ હોય તો રાગ અને પર
પ્રતિકૂળ હોય તો દ્વેષ થાય, એવું મારું સ્વરૂપ નથી.
ખશ ખબર
વીંછીયાના ભાઈ શ્રી દલીચંદ રાયચંદ ડગલી ઉ. વ. ૩૫ તેમણે કારતક વદ–૪ તા. ૪–૧૧–૪૪ ના
રોજ પૂજ્ય સદ્ગુરુદેવ સમીપે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે.