: ૩૬ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
ભગવાન કુંદકુંદને અંજલિ એટલે
શ્રી કુંદકુંદ ભગવાનો વિનય – બહુમાન
શ્રી કુંદકુંદ ભગવાનને હું આજ (વૈશાખ વદ ૮ ના રોજ શ્રી સમયસારની પ્રતિષ્ઠા સમયે) નમસ્કાર કરૂં
છું. કુંદકુંદ ભગવાન કેવા છે? સુખ અને શાંતિના આપનાર છે, જગતના રક્ષણહાર એટલે કે જગતના જીવોને
અજ્ઞાન જનિત ભાવ–મરણથી બચાવનાર છે, અજ્ઞાની લોકોની ઊંધી માન્યતાનો નાશ કરનાર છે અને
વસ્તુસ્વરૂપના જાણકાર છે.
હવે તેમના ઉપકારોનું સ્મરણ કરવામાં આવે છે. જ્યારે પરદ્રવ્યના કર્તૃત્ત્વ – મમત્ત્વ અને અજ્ઞાનજનિત
ક્રિયાકાંડોનું આ ભરતક્ષેત્રમાં ખૂબ જોર વ્યાપી ગયું હતું (અને સાચી સમજણ દુર્લભ થઈ પડી હતી) એવા
સમયે, ઓ કુંદપ્રભુ! આપે સમયસારજી–નિયમસારજી–પ્રવચનસારજી જેવા અનેક મહાન શાસ્ત્રોની રચના કરીને
ઘણો–ઘણો ઉપકાર કર્યો છે... હું આજે (શરૂઆતમાં કહ્યા એવા) કુંદકુંદ ભગવાનને નમસ્કાર કરૂં છું–૧.
ભાવમરણમાં સળગી–રહેલા જગતના જીવોને, પોતાના અમૃતરસથી ભરેલા અધ્યાત્મ ઉપદેશ વચનો વડે
કુંદકુંદ ભગવાને સારી રીતે શાંત કર્યા. તમારા રચેલા મહાન ગ્રંથ શ્રી સમયસારનું શ્રવણ–મનન કરવાથી મનનો
શોક દૂર થયો; અથવા બીજો એવો પણ અર્થ નીકળે છે કે–કુંદકુંદ ભગવાનના વચનોરૂપી અમૃતદ્વારા શુદ્ધાત્મ
સ્વરૂપનો અનુભવ કરવાથી રાગદ્વેષરૂપ માનસિક શોકનો નાશ થયો..... હું કુંદકુંદ ભગવાનને નમસ્કાર કરૂં છું–૨.
વળી હે કુંદકુંદદેવ! આપના રચેલા સમયસારાદિ ગ્રંથોનું મનન–ચિંતવન કરવાથી હું અલૌકિક
આત્મસ્વરૂપની ઓળખાણ પામું, તથા (એ ઓળખાણ દ્વારા જાણેલા) જ્ઞાયક સ્વરૂપને–માત્ર જાણનાર એવા
શુદ્ધ આત્માને દરેક ક્ષણે–નિરંતર સ્મર્યા કરું–અનુભવ્યા કરૂં અને છેવટ તે જ્ઞાયક સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા કરીને
કેવળજ્ઞાન પામું. એવો હે કુંદકુંદ પ્રભુ! આપનો મહિમા છે... હું કુંદકુંદ પ્રભુને નમસ્કાર કરું છું–૩.
હે પરમ ઉપકારી કુંદકુંદ પ્રભુ! અધ્યાત્મ જ્ઞાન અને વૈરાગ્યભાવોથી તારું અંતર નિરંતર ભરપૂર છે, તારા
મહાન ઉપકારોના પવિત્ર સ્મરણ અર્થે હું લાખો વાર નમસ્કાર કરું છું, ફરી–ફરીને વંદન કરું છું.... હે.... કુંદકુંદ
ભગવાન હું આપને નમસ્કાર કરું છું–૪.
હે જીવો! તમે જાગો. મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે; અજ્ઞાનમાં રહીને સદ્દવિવેક પામવો અશક્ય
છે. આખો લોક (સંસાર) કેવળ દુઃખથી સળગ્યા કરે છે, અને પોત પોતાના કર્મો વડે અહીં તહી
ભમ્યા કરે છે, એવા સંસારથી મુક્ત થવા હે જીવો! તમે સત્ત્વર આત્મભાન સહિત જાગો! જાગો!
હે જીવ! હે આત્મા! હવે ક્યાં સુધી ખોટી માન્યતા રાખવી છે? ખોટી માન્યતામાં રહીને
અનાદિથી અજ્ઞાનની મોહજાળમાં મૂંઝાઈ રહ્યો છો હવે તો જાગ! એકવાર તો ખોટી માન્યતાથી
છૂટીને, અજ્ઞાનની મોહજાળને ફગાવીને તારા મૂળ સ્વરૂપને જો!
સાચું સુખ કેમ પ્રગટે? સાચું સુખ આત્મામાં જ છે, બહારમાં ક્યાંય સાચું સુખ નથી જ.
આત્મા પોતે સુખ સ્વરૂપ છે, જ્યારે સમ્યગ્દર્શનદ્વારા પોતાના સ્વરૂપને બરાબર જાણે ત્યારે જ સાચું
સુખ પ્રાપ્ત થાય. તે માટે પ્રથમમાં પ્રથમ સત્પુરુષને ચરણે અર્પાઈ જવું જોઈએ અને રુચિપૂર્વક નિરંતર
સત્નું શ્રવણ–મનન જોઈએ.
દુઃખથી છૂટીને સુખ મેળવવાનો ઉપાય દરેક આત્મા કરે છે, પણ પોતાના સત્યસ્વરૂપના ભાન
વગર, સાચો ઉપાય કરવાને બદલે ખોટો ઉપાય કરી કરીને અનાદિથી અજ્ઞાનને લીધે દુઃખને જ
ભોગવે છે તે દુઃખથી છૂટવા માટે ત્રણેકાળના જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે આત્માને ઓળખો.