Atmadharma magazine - Ank 016
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૫૬ : આત્મધર્મ ૨૦૦૧ : માહ :
૬. જૈનધર્મ એ કાંઈ વાડો નથી છતાં તેના અનુયાયીઓએ ધર્મને નામે વાડાઓ ઉભા કર્યા અને તેને
સમર્થન આપવા માટે સંપ્રદાયોની પરિષદો (conferences) ભરાવા લાગી. તે પરિષદોએ પોતાનું લક્ષ મુખ્યપણે
(ધાર્મિક બનાવવાને બદલે) સામાજીક સુધારા તરફ રાખ્યું. લૌકિક કેળવણી માટે પણ પ્રચાર અને ફંડો થયા
પણ તે કેળવણીમાં વીતરાગી વિજ્ઞાન વિરૂદ્ધ કેટલું શીખવવામાં આવે છે, તે જાણવાની દરકાર કરી નહીં.
પરિણામે ધર્મ ઉપરની બાહ્યશ્રદ્ધા પણ લગભગ નષ્ટ થઈ. પરિષદના સંચાલકોનું શ્રીમદ્ રાજચંદ્રના નીચેનાં
અમૂલ્ય કથન ઉપર પણ લક્ષ ન રહ્યું.
ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદ્ વ્યવહાર ભાન નહિ નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. ૧૩૩.
૭. કેળવણીના પ્રચારના ઠરાવોનો અમલ બરાબર નહીં થતો હોવાની ફરિયાદ ચાલુ રહી અને સમાજ
સુધારાના બીજા ઠરાવો માત્ર કાગળ ઉપર રહ્યા.
૮. સાં. ૧૯૭૪ માં આ દેશમાં ઈન્ફલ્યુએન્ઝા તાવની મહા બીમારી આવી ત્યારે સમાજ સેવા મંડળો (social
service laegues) શરૂ થયાં અને સેવા તરફ જનસમાજનું વલણ થયું. સાં ૧૯૮૭ થી રાજકીય હિલચાલે સમાજના
હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારથી યુવક વર્ગ રાષ્ટ્રસેવા, દેશસેવા, સમાજ સેવા તરફ વળ્‌યો અને તે લૌકિક કાર્યોને ધર્મના
નામથી તેઓ સંબોધવા લાગ્યા. તેને તેઓ રાષ્ટ્રધર્મ, દેશધર્મ, સમાજધર્મ એવાં નવાં નામો આપવા લાગ્યા.
૯. આ હિલચાલની અસર જેઓ કુળધર્મથી જૈનો છે તેને થયા વિના ન રહે એ દેખીતું છે. તે હિલચાલમાં
‘અહિંસા’ ને સ્થાન આપવામાં આવ્યું છે એમ જૈનોને લાગતાં તે તરફ જૈન સમાજ પ્રેરાયો. તેનું પરિણામ એ
આવ્યું કે:– જૈન સમાજનો કેટલોક ભાગ ‘રાષ્ટ્રધર્મ’ એ જ વીતરાગ ધર્મ છે અથવા તેનો એક ભાગ છે એમ
સમજવા લાગ્યો. પરિણામે વીતરાગ–વિજ્ઞાનથી સમાજ વિશેષ દૂર થયો.
૧૦. આ હિલચાલને અંગે જૈન યુવક સંઘો સ્થપાયા. અને તેનો મુખ્ય કાર્યક્રમ સમાજ સુધારણા તેમજ
સમાજ સેવાનો રહ્યો. એ પ્રવૃત્તિને ધર્મનું નામ આપી ટેકો આપવા માટે પુસ્તકો અને વર્તમાન પત્રો પ્રગટ થયાં;
તેમાં તીર્થંકર ભગવાનોના ચરિત્રોમાંથી તેમના કાર્યક્રમને ટેકો મળે છે અને તે જ ખરો જૈનધર્મ છે એવી
મતલબના લેખો આવવા લાગ્યા.
૧૧. સમાજ મુખ્યપણે તત્ત્વજ્ઞાનથી રહિત હતો અને તેને પ્રિય લાગતાં કાર્યો જૈનધર્મને અનુકૂળ છે એવા
લેખો વાંચવા મળતાં, પોતે જૈનધર્મના ખરા અનુયાયી છે એવી ભ્રમણારૂપ માન્યતા તેમનામાં પેદા થઈ અને તે
દ્રઢ થઈ. તેઓની પરીક્ષા લેવામાં આવે અને તેમાં છ દ્રવ્યોનાં નામ શું, પંચાસ્તિકાયના નામો શું, નવ તત્ત્વના
નામો શું, સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખાન તપ, ક્રિયા, વિગેરેના ખરા અર્થ શું છે તે સવાલો પુછયા હોય તો
તેનું પરિણામ લગભગ શુન્યવત્ આવે. એ પ્રમાણે તત્ત્વજ્ઞાનના અજાણપણાની દશા હોય ત્યાં નિશ્ચયનય
અને વ્યવહારનયના ખરા અર્થની ખબર તો ક્યાંથી જ હોય તે સહેજે કલ્પી શકાય છે.
એક વિચિત્રતા.
૧૨. સંસારને લગતા બધા ધંધામાં જેણે જે ધંધાનો પાકો અભ્યાસ કર્યો હોય તે જ તેને લગતા લેખો
વર્તમાનપત્રોમાં લખે. જેમકે વૈદકશાસ્ત્ર ઉપર કોઈ વકીલ લેખ ન લખે; પણ ધર્મનું ક્ષેત્ર લોકોએ એવું માન્યું છે
કે–ગમે તે વ્યક્તિ, પછી તે તત્ત્વજ્ઞાનથી વંચિત હોય તો પણ ધર્મ વિષય ઉપર લેખો લખી શકે અને તે લેખક
સમાજમાં કાંઈક પ્રતિષ્ઠિત હોય તો તેનું કથન આધારભૂત મનાય. વળી એમ પણ માનવામાં આવે છે કે–આવી
ચર્ચાથી સત્ય શું છે તેનું શોધન થઈ શકે. આ માન્યતા સાચી હોય તો તેનો અર્થ એ થાય છે કે ધર્મને લગતા
લેખો માટે તે વિષયના ખાસ અભ્યાસની જરૂર નથી, અને ધર્મ તો જાણે સાવ ફોગટિયો જ છે!
૧૩. ગૃહસ્થ સમાજની આ દશા છે ત્યારે ત્યાગી સમાજની સ્થિતિ શું છે તે આપણે જોઈએ. કેટલાક
સંપ્રદાયોમાં ત્યાગીઓની સંખ્યા વધારવા તરફ ખાસ ધ્યાન અપાતું હોવાની ફરિયાદો થવા લાગી. યુવક સમાજ
અને ત્યાગી સમાજ તથા તેને ટેકો આપનારા ગૃહસ્થ સમાજ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થવા લાગ્યું. ત્યાગીઓ વચ્ચે
બાહ્ય બાબતોમાં તીવ્ર કલેશરૂપ મતભેદ ઉત્પન્ન થવા લાગ્યા. તેને અંગે વર્તમાન પત્રોમાં ખૂબ જોરથી સામસામા
આક્ષેપો કરવામાં આવે છે. પરિણામે સાધુ સમાજની સંખ્યામાં વધારો થયો હોય તોપણ, અનેક કારણોએ તે
સમાજ તત્ત્વજ્ઞાનથી મુખ્યપણે વંચિત રહેલ છે. કેટલાક ત્યાગીઓ સમાજને અનુકુળ વિષયોને ધર્મનું સ્વરૂપ
મનાવે છે અને કેટલાક ઉપદેશકો કહે છે કે–આ કાળ ધર્મ પામવા માટે લાયક નથી; છતાં તેઓ સાધુઓની સંખ્યા
વધારતા જ જાય છે.