: ફાગણ : ૨૦૦૧ : ૭૫ :
છે અને તે અનંત અચેતન રૂપી રજકણોનો પિંડ છે અને તે શરીરમાં રહેલો જીવ શરીરથી તદ્ન જુદી જાત–એટલે કે
ચેતન સ્વરૂપ સ્વયંસિદ્ધ અનાદિ અનંત એક વસ્તુ છે. છતાં જીવ શરીરને પોતાનું માનતો હોવાથી, શરીરને હલાવી–
ચલાવી શકું એ વિગેરે શરીરનાં તથા
બીજાં પર દ્રવ્યોનાં કાર્યો જીવ કરી શકે એમ માનતો આવે છે. જે કાર્ય જીવથી થઈ શકતું જ ન હોય તે પોતાથી થઈ
શકે–એમ માનવું એ મહાભૂલ છે.
એ મહાભૂલ ટાળવા માટે–(અનાદિનું ચાલ્યું આવતું પોતાના અને પરવસ્તુના સ્વરૂપનું ઘોર અજ્ઞાન ટાળવા
માટે) આચાર્યદેવે આ ગાથાઓ રચી છે.
૪. વર્તમાન ગોચર જેટલા દેશો છે તેમાં તત્ત્વજ્ઞાનને લગતા હાલ હૈયાતી ધરાવતા શાસ્ત્રો કે ગ્રંથોમાં, કર્તા–
કર્મનો વિષય આટલી સ્પષ્ટતાપૂર્વક અને સચોટ રીતે સમજાવવામાં આવ્યો નથી. સમયસાર શાસ્ત્રની અનેક
વિશિષ્ટતાઓ માંહેની આ એક ખાસ વિશિષ્ટતા છે.
૫. ઉપર કહ્યું તે રીતે મુખ્યપણે આ શાસ્ત્ર અત્યંત અજ્ઞાનીઓનું અનાદિથી ચાલ્યું આવતું ઘોર અજ્ઞાન ટાળવા માટે,
આચાર્યદેવે કરુણા કરી બતાવ્યું છે. આચાર્ય ભગવાન પોતે આ શાસ્ત્ર અત્યંત અજ્ઞાનીઓનું અજ્ઞાન ટાળવા માટે બતાવે છે
એમ અનેક સ્થળે જણાવે છે. તેથી દરેક અધિકાર લઈ તેમાં આ સંબંધે આચાર્ય ભગવાન શું કહે છે તે અહીં કહેવામાં આવે છે.
જીવાજીવ અધિકાર
(ગાથા ૧ થી ૪)
૬. આ અધિકારમાં ૬૮ ગાથા છે; પહેલી ગાથામાં મંગળ કરી તુરત જ બીજી ગાથાના પાછલા અર્ધા ભાગમાં
‘પરસમય’ એટલે અજ્ઞાની કોણ કહેવાય તે જણાવ્યું છે. ત્રીજી ગાથામાં અજ્ઞાન દશા વિસંવાદિની છે–એટલે કે જીવને
દુઃખ દેનારી છે એમ કહી, ચોથી ગાથામાં કહ્યું કે–જીવને અજ્ઞાનદશા અનાદિથી ચાલી આવે છે તેમાં પરનું કરી શકું–
પરને ભોગવી શકું એવી (કામ ભોગની બંધ) કથાઓ લોકના સર્વ જીવોએ–પોતાનું અત્યંત બુરૂં કરનારી હોવા છતાં–
અનંતવાર સાંભળી, અનંતવાર તેનો પરિચય કર્યો અને અનંતવાર તેનો અનુભવ કર્યો;–પોતે આચાર્યપણું કરી બીજા
જીવોને તે સંભળાવી, પણ ભિન્ન આત્મા (જીવ) નું એકપણું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી, અને તેનો
અનુભવ પોતે કદી કર્યો નથી. પોતાનું અનાત્મજ્ઞપણું અનાદિથી ચાલ્યું આવે છે. આત્માને જાણનારાઓની સંગતિ પોતે
નહીં કરી હોવાથી, આત્માનું સ્વથી એકત્વ અને પરથી વિભક્તપણું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને
તેથી કદી અનુભવમાં પોતાને આવ્યું નથી.
(ગાથા–૫)
૭. લોકના સર્વ અજ્ઞાની જીવોને ગાથા ૫ માં આચાર્યદેવ કહે છે કે–આત્માનું સ્વથી એકત્વ અને પરથી વિભક્તપણું તમે
અનાદિથી સાંભળ્યું નથી તેથી એ હું તમોને આ શાસ્ત્રમાં મારા આત્માના નિજ જ્ઞાન વૈભવ વડે દેખાડું છું માટે આ શાસ્ત્રમાં પરમ
સત્ય જે કહેવામાં આવશે તેને તમારે પોતાના અનુભવ–પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું.
પહેલી પાંચ ગાથાથી નીચેની બાબતો સિદ્ધ થઈ:–
(૧) જગતના મોટા ભાગના જીવો જીવના સાચા સ્વરૂપના જ્ઞાનથી રહિત છે તેથી આત્માથી અજ્ઞાત છે.
(જીવ અને આત્મા એકાર્થવાચક છે.)
(૨) તેઓએ કદી આત્માના સ્વરૂપની સાચી કથા સાંભળી નથી.
(૩) તેઓએ આત્માના સાચા સ્વરૂપનો પરિચય અને અનુભવ કર્યો નથી.
(૪) આત્માના સ્વરૂપના સાચા જ્ઞાનીની સંગતિ પૂર્વે કોઈવાર કરી નથી.
(૫) તેથી આચાર્ય ભગવાન પોતે તે સ્વરૂપ કહે છે.
(૬) તે કથનની અનુભવ–પ્રત્યક્ષ વડે પરીક્ષા કરવી કેમકે સત્યાસત્યની પરીક્ષા કર્યા વિના કોઈનું અજ્ઞાન ટળે નહીં.
(૭) આ શાસ્ત્ર અનાદિથી ચાલ્યા આવતા અજ્ઞાની જીવોને તેમનું અજ્ઞાન ટાળવા માટેનો ઉપદેશ કરનારું છે.
જીવો આત્માના સ્વરૂપના સાચા કથનને પોતે વિચારી આ કાળે અજ્ઞાન ટાળી શકે છે અને પોતાનું સમ્યગ્જ્ઞાન પ્રગટ
કરી પોતાના–આત્માનો અનુભવ કરી શકે છે.
શ્રી સમયસાર ૫૨ પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવના વ્યાખ્યાનો પ્રથમ ખંડ, ટૂંક સમયમાં પ્રગટ થશે.
–અગાઉથી ગ્રાહક થવા માટે લખો– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ–કાઠિયાવાડ