મહાન શાસ્ત્ર શ્રી જયધવલા
(૧૯) “ જે જાણવામાં આવે છે તેને અર્થ કહે
છે–” એ વ્યુત્પત્તિ અનુસાર વર્તમાન પર્યાયોમાં પણ
અર્થ પણું હોય છે. તેના સુત્રો નીચે પ્રમાણે છે–(૧)
अर्यते परिच्छिद्यते– (૨) “अर्यत इत्यर्थः निश्चीयत
इत्यर्थः સર્વાર્થ સિદ્ધિ. ૧, ૨.
(૨૦) આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે.
(૨૧) મતિજ્ઞાનાવરણાદિના ક્ષયોપશમ
[ઉઘાડ] થી પ્રગટ થતા જ્ઞાનોને મતિજ્ઞાનઆદિ કહ્યાં છે.
જ્ઞાનનો સ્વભાવ પદાર્થોને સ્વત: પ્રકાશિત કરવાનો છે.
તેથી ચાર ક્ષયોપશમિક જ્ઞાનોમાંથી જે જ્ઞાનોના
ક્ષયોપશમની વિશેષતાને કારણે એ ધર્મ પ્રગટ રહે છે તે
પ્રત્યક્ષ જ્ઞાન છે. અને જે જ્ઞાનોનો એ ધર્મ આવૃત રહે છે
તે પરોક્ષ જ્ઞાન છે.
(૨૨) પ્રત્યક્ષનું લક્ષણ જે વિશદતા છે તે
એકદેશે (અંશે) મતિજ્ઞાનમાં પણ હોય છે.
(૨૩) નિમિત્તની મુખ્યતાથી દ્રવ્ય શ્રુતને પણ
શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. પા. ૨૭
(૨૪) દ્રવ્યશ્રુતને તીર્થંકર દેવ પોતાની
દિવ્યધ્વનિમાં બીજ પદો દ્વારા કહે છે, અને ગણધર દેવ
તેને બાર અંગોમાં ગ્રથિત કરે છે.
(૨પ) જે દ્વારા પદાર્થ જાણવામાં આવે તેને
‘પ્રમાણ’ કહેવામાં આવે છે. प्रमीयतेऽनेनेति प्रमाणम्।
પા. ૩૭
(૨૬) શંકા–સ્થાપનાને પ્રમાણતા કેવી રીતે છે?
સમાધાન– એવી શંકા ન કરવી જોઈએ કેમકે સ્થાપ્ના
દ્વારા ‘તે આ પ્રકારે છે’ એમ અન્ય વસ્તુનું જ્ઞાન દેખાડી
આપે છે. પા. ૩૮
(૨૭) છએ દ્રવ્યોની એક પર્યાયથી બીજી પર્યાય
થવામાં અંતરંગ કારણ પ્રત્યેક દ્રવ્યનો અગુરૂલઘુગુણ છે,
અને નિમિત્ત કારણ કાળદ્રવ્ય છે. પા. ૪૧
(૨૮) વ્યવહાર કાળનું ઉપાદાન કારણ કાળદ્રવ્ય
છે અને નિમિત્તકારણ જીવ અને પુદ્ગલોનું તથા
વિશેષપણે અઢી દ્વિપમાં સ્થિત સૂર્ય મંડળનું પરિણમન
છે. પા. ૪૨
(૨૯) કાળમાં જે સમયનો વ્યવહાર થાય છે તે
પુદ્ગલ નિમિત્તક છે.
(૩૦) શંકા–જ્ઞાન પ્રમાણ છે એમ કહેવાથી
સંશય, અનધ્યવસાય અને વિપર્યય જ્ઞાનોને પણ
પ્રમાણતા આવી જશે? સમાધાન: નહીં, કેમકે પ્રમાણમાં
આવેલા ‘પ્ર’ શબ્દથી સંશય આદિની પ્રમાણતાનો નિષેધ
કરવામાં આવ્યો છે. પા. ૪૨
(૩૧) સાત પ્રકારના પ્રમાણમાંથી જ્ઞાન પ્રમાણ
જ પ્રધાન છે.
(૩૨) મહાસ્કંધથી લઈને પરમાણુ પર્યંત સમસ્ત
પુદ્ગલ દ્રવ્યોને, અસંખ્યાત લોક પ્રમાણ ક્ષેત્ર, કાળ તથા
ભાવોને તથા કર્મના સંબંધથી પુદ્ગલ ભાવને પ્રાપ્ત
થએેલા જીવોને જે પ્રત્યક્ષરૂપથી જાણે છે તે અવધિજ્ઞાન
કહેવાય છે. પા. ૪૩
(૩૩) જો એમ કહેવામાં આવે કે કેવળજ્ઞાન
અસિદ્ધ છે તો તેમ પણ નથી, કેમકે સ્વસંવેદન પ્રત્યક્ષ દ્વારા
કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિર્બાધપણે ઉપલબ્ધિ થાય
છે, અર્થાત્ મતિજ્ઞાનાદિક કેવળજ્ઞાનના અંશ રૂપ છે અને
તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી સર્વેને થાય છે, તેથી
કેવળજ્ઞાનના અંશ રૂપ અવયવ પ્રત્યક્ષ છે, માટે કેવળજ્ઞાન
અવયવીને પરોક્ષ કહેવું યુક્ત નથી.
સમાચાર
(૧) ઘણા મુમુક્ષુભાઈઓની ઈચ્છા ‘આત્મધર્મ’ આ
મહિને પણ મળે એવી જણાવાથી અધિક ચૈત્ર માસનો અંક ૧૮ માં
અંક તરીકે પ્રગટ કરી ૨૪ માં અંકે એટલે ભાદ્રપદ સુદ બીજે આ વર્ષ
પુરું કરવાનું નક્કી થયું છે.
(૨) શ્રી સમયસાર શાસ્ત્ર પર પ્રવચનો પ્રગટ થઈ ગયેલ
છે તેની કિંમત ૩ રૂપિયા છે. ટપાલ રસ્તે મંગાવનારે ૩–૧૦–૦
મોકલવા તેમજ ‘મોક્ષની ક્રિયા’ કિંમત ૦–૧૦–૦ જેની થોડી જ
નકલો બાકી છે તે ૦–૧૨–૦ મોકલી જીજ્ઞાસુઓએ મંગાવી લેવી.
(૩) હિંદી ‘આત્મધર્મ’ મહાવીર જયંતિ ઉપર પ્રગટ થશે.
વા. લ. ત્રણ રૂા. રહેશે,
(૪) જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રગટ થયેલા
તમામ પુસ્તકો મુંબઈમાં મળવાનું ઠેકાણું નીચે મુજબ છે.
શ્રી જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય હીરા બાગ, સી. પી. ટેન્ક,
મુંબઈ.
(૫) શિષ્ટ સાહિત્ય કાર્યાલય, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય,
શિષ્ટ સાહિત્ય પત્રિકા, અને શિષ્ટ સાહિત્ય ભંડાર એ ચાર
વિભાગમાંથી શિષ્ટ સાહિત્ય ભંડાર બંધ કરેલ છે. એથી હવે પછી
‘આત્મધર્મ’ માસિક સિવાયનું કોઈપણ પ્રકાશન અહિ રાખવામાં
આવશે નહિ. અહિંથી પ્રગટ થતાં તમામ ગ્રંથો સોનગઢથી જ મળશે.
માટે સૌ ગ્રાહક બંધુઓએ પોતાને જોઈતા સત્શાસ્ત્રો–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ–કાઠિયાવાડ
એ સરનામે પત્ર લખી મંગાવવા ભલામણ છે.
વિનંતિ
આત્મધર્મ માસિકના ૧૮ અંકો પ્રગટ થઈ ચૂકયા. તટસ્થ
રીતે વાંચનારા પંડિતજનોએ પણ કબુલ કર્યું છે કે ‘કેવળ
અધ્યાત્મરસ–શાંતરસરૂપી અમૃત પાતું આવું સામયિક પત્ર હિંદ
ભરમાં એક પણ પ્રગટ થતું નથી.’ અને આવો જ અભિપ્રાય જે જે
વાંચક, પછી તે ગમે તે સંપ્રદાય કે માન્યતા ધરાવતો હોય તેણે
દર્શાવેલ છે. તો પછી દરેક ગ્રાહકબંધુને આવું અમૃત આપના સૌ
સ્વજનો, પ્રિયજનો, આપ્તજનો, કે સ્નેહી સંબંધીઓને પાવાની
ભલામણ કરું તો ખોટું તો નથીને! આપની પાસે વધુ તો નહિ પણ
ઓછામાં ઓછા એક ગ્રાહકના નામની આશા આ અધિક મહિનાના
અંત સુધીમાં રાખું છું. આપ આ વસ્તુને લક્ષમાં લઈ આત્મધર્મની
પ્રભાવનાનું પવિત્ર કાર્ય જરૂર કરશો.
જમુ રવાણી