: ચૈત્ર ૧ : ૨૦૦૧ આત્મધર્મ : ૮૩ :
આત્મધર્મ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વષ ૨ : અક ૬ ચત્ર ૧ : ૨૦૧
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી नमः समयसाराय સંવત ૨૦૦૦ ના ચૈત્ર વદ
કાનજી સ્વામીનું વ્યાખ્યાન “ ૧૧ બુધવાર તા. ૧૯–૪–૪૪
શ્રી સમયસારજી કળશ ૧
नमः समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावायभावाय सर्व भावांतरच्छिदे।।
નમ: સમયસારાય:–‘સમય’ એટલે આત્મા, અને ‘સાર’ એટલે રાગાદિ રહિત સ્વભાવ તેને ‘નમ:’
એટલે હું નમું છું–આદર કરૂં છું. આમાં કોનો આદર કરવો અને કોનો ન કરવો તે બતાવ્યું છે. સમયસાર એટલે
રાગાદિ તથા શરીરાદિ રહિત શુદ્ધ આત્મ સ્વભાવ તેમાં નમવાથી જ ધર્મની શરૂઆત થાય છે.
“પ્રથમ શરૂઆતથી, પછી પંડિત મૃત્યુ ટાણે અને છેવટ કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ ત્રણે (જઘન્ય, મધ્યમ
અને ઉત્કૃષ્ટ) ભૂમિકા સુધી સમયસારમાં નમ્યા કરૂં” એમ આચાર્યદેવે અપ્રતિહત ભાવના મંગળિક નાખ્યા છે.
શી રીતે? કે શરીરાદિ પર વસ્તુ છે, કાંઈ કરવાનો ભાવ તે બધા સંયોગી–ક્ષણિક ભાવ છે, મારો સ્વભાવ ધ્રુવ
અવિનાશી છે તેમાં જ નમ્યા કરૂં–એવી ભાવના મૂકી છે. શ્રી આનંઘનજીએ કહ્યું છે કે–
‘ વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માગું રે; ’
‘વીર’ એટલે આત્માનો વીર્ય સ્વભાવ. પુણ્ય–પાપ કે રાગ–દ્વેષ એ કોઈ આત્માનો સ્વભાવ નથી.
આત્માના વીર્યનો એવો સ્વભાવ નથી કે રાગ–દ્વેષને પોતાના માને! રાગ–દ્વેષ કે કર્મને પોતાનાં માનવા તે
અજ્ઞાન વીર્યનું કામ છે, અજ્ઞાન ભાવે ‘પર મારાં’ એમ માને છે; સ્વરૂપમાં રાગ–દ્વેષના ક્ષણિક ભાવોને ગ્રહવાનો
આત્મવીર્યનો સ્વભાવ નથી.
“ વીરપણું તે માગું રે ” મારૂં શુદ્ધ આત્મબળ એકલા શુધ્ધ સ્વભાવ સિવાય પર ઉપર લક્ષ ન જાય એવું
વીરપણું–માગું છું; પુણ્ય–પાપના ભાવને ગ્રહવા તે અજ્ઞાન વીર્ય અર્થાત્ મિથ્યા મોહનું કાર્ય છે. અનાદિથી અજ્ઞાન
વીર્યને કારણે સ્વભાવ પરથી જિતાઈ જતો, હવે સ્વભાવના જોરવડે મિથ્યામોહને જીતીને વીરપણું પ્રગટાવવું છે.
તે વીરપણું ક્યાં છે? તે કહે છે:–
‘વીરપણું તે આતમ સ્થાને, જાણ્યું તુમચી વાણે રે.’
ધ્રુવ એકલો જ્ઞાનનો રસકંદ એજ સ્વભાવ છે. પોતાના જ્ઞાન અને શક્તિ પ્રમાણે પોતાના ધ્રુવ સ્વભાવને
પહોંચાડે; તે ધ્રુવ સ્વભાવને જાણવું અને તેમાં ઠરવું એ જ ધર્મ છે.
અહીં કહ્યું કે––“નમો સમયસારાય,” એટલે એકલો જ્ઞાનસ્વરૂપ ધ્રુવ અવિનાશી છે તે ઉપર લક્ષ ગયા
વગર રાગાદિ ટળે નહીં–તેથી–મારા આત્મસ્વભાવમાં નમું છું– પ્રણમીને સ્વભાવમાં ઢળું છું. અહીં આચાર્યદેવે
સાધક દશાથી એવી શરૂઆત કરી છે કે પૂર્ણતા લીધા વગર રહે નહીં. હું વિકાર તરફ નથી નમતો, એટલે કે
વિકારી પર્યાયનો આદર નથી કરતો. ‘નમ:’ માં સાધક પર્યાય છે અને ‘સમયસારાય’ માં શુદ્ધ સ્વભાવ–તે તરફ
પરિણમવાનો ભાવ છે.
ઓછા જ્ઞાનને લીધે જેટલું બહિરમુખ લક્ષ જાય તેટલો રાગદ્વેષ થયા વગર રહે નહીં, એટલે અહીં
આચાર્યદેવે ‘વિકારી પર્યાયનો હું નાશ કરૂં છું’ એમ નાસ્તિથી વાત ન લેતાં “ શુધ્ધ સ્વભાવ તરફ ઢળું છું” એમ
અસ્તિથી વાત ઉપાડી છે. આમાં શ્રધ્ધાથી માંડીને ઠેઠ કેવળજ્ઞાન દશા સુધીની વાત છે. શ્રદ્ધા તે વસ્તુ છે અને
શુદ્ધ સ્વભાવ તરફ પરિણમનનો ‘ભાવ’ તે પર્યાય છે.
આ પહેલા કળશમાં આચાર્યદેવ કહે છે કે:–હું મારા શુદ્ધ સ્વભાવનો જ અંતરથી આદર કરૂં છું. નિર્મળ
સ્વભાવનો આદર કરતા નિર્મળ પર્યાય પ્રગટે છે. સ્વરૂપ કાયમ રાખીને નિર્મળ પરિણતિનું પ્રગટવું એ બેને જ
લક્ષમાં લીધા છે; નિર્મળ પર્યાયની ઉત્પત્તિમાં રાગાદિનો વ્યય સહેજે આવી જાય છે.
ધર્મ તો આત્માનો સ્વભાવ છે. સ્વભાવથી બહારનું વલણ તે અધર્મ છે. પોતે અંતરની ચીજ છે, જેટલી
બહારની ચીજ છે તેમાં મારૂં પરિણમન જ નથી, હું એકલો શુધ્ધ સહજ સ્વાભાવિક વસ્તુ છું એવા ‘સમયસાર’
માં બંધ–મોક્ષની અપેક્ષા પણ લેવા જેવી નથી–એવા સ્વભાવ તરફ ઢળું છું.