Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૧૨૬ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
મૃગાપુત્રના વૈરાગ્યની વાત પણ આવે છે. મૃગાપુત્રને આત્માનું ભાન છે, હજી નાની ઉમર છે, પણ જાતિ
સ્મરણ જ્ઞાન થતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી જાય છે. પોતે રાજપુત્ર છે, હીરા માણેકના પલંગમાં સૂનારા
મૃગાપુત્ર આત્મ સ્વરૂપની સાધના કરવા માટે મુનિદશા અંગીકાર કરવાની રજા માગતા માતા પિતા પ્રત્યે કહે છે
કે હે માતા! હે જનેતા! આ શરીર અશુચિમાંથી ઉત્પન્ન થયું છે અને તે પોતે પણ અશુચિમય છે. માતા! આ
શરીરમાં કે રાજવૈભવમાં અમારૂં સુખ નથી. અમારૂં સુખ આત્મામાં છે. હે માતા! રજા દે, રજા દે! અમે હવે
અશરિરી સિદ્ધ પરમાત્મા થઈ જશું. હવે બીજું શરીર ધારણ કરવાના નથી, નવો ભવ હવે કરવાના નથી. અમે
પૂર્ણાનંદી સ્વરૂપની સાધના કરી પરમાત્મદશા પ્રગટ કરશું. માતા! એક તને દુઃખ થશે, પણ હવે બીજી માતા
કરવાના નથી. અમે હવે ફરી જન્મ ધારણ કરવાના નથી. માતા! આ જન્મ–મરણમાં ક્યાંય આત્માનું સુખ નથી,
આ મણીરતન કે શરીરાદિ એ કોઈ અમારા નથી, અમારો આત્મા એ જ અમારું શરણ છે. આ અશરણ સંસારમાં
હવે અમારે એક ક્ષણ પણ નથી રહેવું. કોઈ વિભાવ ભાવમાં અમારૂં શરણ નથી, અમે અમારા સ્વભાવનું શરણ
કરશું અને આ વિભાવોનો અંત કરશું. આ પ્રમાણે સ્વરૂપના ભાનમાં નિઃશંક થઈને, રાજવૈભવ વગેરે બધું
છોડીને, નગ્ન દીગંબર મુનિદશા અંગીકાર કરી સ્વરૂપ રમણતા કરી સિદ્ધ થઈ ગયા. જુઓ! જ્ઞાનીઓએ
સત્સ્વરૂપમાં શાંતિ ભાળી, તેનું જ શરણ કર્યું. આ શરીર તો રજકણોનું બનેલું જડ છે, એના રજકણે રજકણ
છુટા પડી જવાના છે તેમાં આત્માની શાંતિ નથી. આ મનુષ્યપણામાં શીઘ્ર આત્મભાન કરવું યોગ્ય છે.

બ્રાહ્મણના બે પુત્રોની વાત આવે છે. તેઓને જાતિસ્મરણ છે, જૈન ધર્મી છે, આત્માનું ભાન થયું છે, તેઓ
દીક્ષા લઈ મુનિ થાય છે. માતા–પિતાને કહે છે કે–અમને રજા આપો, અમે હવે મુનિ થવા માંગીએ છીએ. હે
માતા! હે જનેતા! જેનો અજીવ સ્વભાવ છે એવા આ શરીર ઉપરના રાગને છોડીને આજ ક્ષણે ચિદાનંદ સ્વરૂપ
આત્મધર્મને અને સ્વરૂપના ચારિત્રને અંગીકાર કરશું. હે જનેતા! હવે અમે ચિદાનંદ સ્વરૂપી આત્માનું શરણ
કરીએ છીએ અને આ અજીવ શરીર ધારણ કરવાનાં પચ્ચખાણ કરીએ છીએ. હે માતા, હવે અમે ફરીને
અવતરવાનાં નથી. હવે સંસારનો અંત લાવી સ્વરૂપને પામી જશું. આ સંસાર વિષે રખડતાં જગતમાં અણપામેલું
એવું આ આત્મા સિવાય અમારે બીજું કાંઈ રહ્યું નથી. સ્વર્ગના વૈભવ અને નરકનાં દુઃખ અનંતવાર ભોગવ્યા,
હવે અમારે આ અજીવ શરીરને ફરી કદિ પણ ધારણ નથી કરવું. હે માતા! નરકમાં હજારો વર્ષ ભૂખ–તરસ
સહન કર્યાં, શરીર ચીરાણાં, ઢોરમાં પણ દુઃખી અનંતવાર થયો, અને દેવની મણી–રતનની સામગ્રી અનંતવાર
મળી, પણ આત્મસાધના પૂર્વે કદી કરી નથી, હવે તો અમે આત્મસાધના પૂરી જ કરશું. આ પ્રમાણે બધું છોડીને
આત્મસ્વરૂપની રમણતા કરવા ચાલી નીકળે છે.
ગમે તેવા તૂચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવલ આત્માઓનો સ્વત: વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે.
જ્ઞાનીઓને વૈરાગ્યનાં નિમિત્ત મળતાં સંસારના વિકલ્પ તોડીને પોતાના સ્વરૂપમાં ઝંપલાવે છે–અને કેવળજ્ઞાન
પ્રગટાવે છે. ક્ષણભંગુર મરણ જોઈને જ્ઞાનીઓને સમસ્ત સંસારથી વૈરાગ્ય આવે છે, આ સંસાર તો ક્ષણિક છે, હું તો
અવિનાશી આત્મા છું, મારે ‘આ ભવ વણ ભવ છે નહિ’ એમ અંતરમાં પુરુષાર્થ ઉપાડે છે. આ દેહ તો સંયોગી ચીજ
છે, એ તો વિયોગ થવા યોગ્ય જ હતો તેથી તે છૂટો પડે જ–એમાં નવાઈ નથી; માટે આ દેહનો સંયોગ ક્ષણિક છે
એમ જાણીને તે તરફના રાગને ટાળીને, ચિદાનંદ વીતરાગ સ્વરૂપ આત્માની ઓળખાણ પૂર્વક તેનાં શરણ કરીને
સ્વભાવમાં ઠરવું–એ જ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે; આત્મસ્વરૂપ સિવાય આ જગતમાં બીજું કોઈ શરણભૂત
નથી, માટે આત્મસ્વરૂપની ઓળખાણ કરી શીઘ્ર આત્મકલ્યાણ કરવું એ જ કર્તવ્ય છે. × × ×
મેટ્રીકના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
મેટ્રીક સુધી પહોચેલા જૈન ભાઈઓને એક વર્ષ સુધી જૈન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવશે. અને ત્યાર પછી
પાસ થતાં પહેલાંં પાંચ વિદ્યાર્થીઓને જૈન પાઠશાળા ચલાવવા હરકોઈ ગામે એક વર્ષ માટે મોકલવામાં આવશે, અને
દર માસે રૂા. ૩૦–પગાર તથા મોંઘવારી ભથ્થું રૂા. ૨૦–મળી કુલ રૂા. ૫૦–આપવામાં આવશે.
અભ્યાસ દરમ્યાન રહેવા–જમવાની તથા પુસ્તકોની સગવડતા ટ્રસ્ટ તરફથી વગર લવાજમે કરી આપવામાં
આવશે. ઉમેદવારોએ નીચેના સરનામે અરજીઓ મોકલવી.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ– [કાઠિયાવાડ]