: ૧૩૨ : આત્મધર્મ જેઠ : ૨૦૦૧
બીજો ભવ થઈ ગયો... જુઓ જીવન! હવે તો જાગો!
કેટલું શાંત મરણ! મરણ વખતે પણ ભક્તિનો ઉલ્લાસ! આરાધક ભાવ સહિતની સમાધિ!
પ્રશ્ન:– આ જાણવાનું શું કામ છે?
ઉત્તર:– દેહ દ્રષ્ટિ છોડો, સંયોગનું લક્ષ છોડો, પ્રતિકૂળતાનો ભય છોડો, અનુકૂળતાની રુચિ છોડો; સંસાર
પ્રત્યેનો રાગભાવ છોડો. અને સ્વરૂપની સાવધાની કરો. સ્વરૂપની પ્રાપ્તિનાં આવાં ટાણાં હવે ફરી મળવાં મોંઘા
છે. અરે! તમે તમારૂં પરમાનંદ શાંત સ્વરૂપ નહિ સમજો તો શું કરશો? શાંતિ ક્યાંથી લાવશો? દેહ છુટતાં શરણ
કોનું કરશો? અને સ્વરૂપથી ખસીને ઉભા ક્યાં રહેશો? જ્યાં જશો ત્યાં તમારી સંભાળ કોણ કરવા આવશે?
જીવનનો ભરોસો નથી, આયુષ્ય ટુંકું છે. જીવન–નાવ હરકોઈ ક્ષણે તુટી જાય તેવું છે. એ નાવ તુટીને
સંસાર સમુદ્રમાં ડુબી જવાનો પ્રસંગ બને તે પહેલાંં જ પરમ શાંતિ સ્વરૂપ ભગવાન આત્માનાં શરણાં લઈ લો!
એના સિવાય સંસાર સમુદ્રમાં ડુબતાં બચાવવા બીજું કોઈ સમર્થ નથી... હવે ચેતશો?
હજી જીવન છે... જીવનની પળો હજી બાકી છે, એ જીવનની પળોમાં જીવન પછીની પળોની સંધિ કરી
લેજો. આ દેહ હું નથી, સંયોગ મારાં નથી અને રાગ હું નથી–હું તો આત્મા છું, મારૂં જ્ઞાન છે એમ સ્વ સાથે
જીવનની સંધિ કરી લેજો એટલે તમને ત્રિકાળી પરમ આનંદમય જીવનની પ્રાપ્તિ થશે, કે જેથી ફરીને મરણનાં
ટાણાં જ કદિ નહિ આવે.
જીવનમાં જુદાઈ જાણી લેજો; આત્માને ઓળખી લેજો, શરીરાદિનું થાવું હોય તે થાય, પણ મારે તો
આત્માની શાંતિ પ્રગટ કરવી છે... “આ ભવવણ ભવ છે નહિ–હું તો અશરીરી સિદ્ધ આત્મા છું” એમ
નિર્ભયપણે શ્રદ્ધા કરી લેજો...
મનુષ્યત્વ મોંઘુ છે, જીવન ટુંકુ છે, સત્સમાગમ મોંઘો છે, દુર્લભ છે. સત્ની જિજ્ઞાસા તેથી પણ દુર્લભ છે,
સત્ સ્વરૂપની સમજણ અને શ્રદ્ધા તો તેથી પણ પરમ દુર્લભ છે–અપૂર્વ છે.. અને સહજ આત્મસ્વરૂપની સ્થિરતા
કરી શાંતિનો પરમાનંદમય અનુભવ કરતાં દેહ છોડી–અશરીરી થઈ જવા માટે સમાધિ કરવી એ ટાણાં તો પરમ–
પરમ અપૂર્વ છે––તે પળને ધન્ય છે!! !
જેને જ્ઞાનસ્વરૂપી આત્માનું ભાન છે તે નિઃશંક છે. આવો! આવો! સહજ સમાધિ આ જ ક્ષણે આવો.
મારી અપૂર્વ સ્વરૂપ શાંતિમાં હું આજ ક્ષણે લીન થાઉં છું–ભલે દેહ જાવ! હું દેહ રહિત છું–હું ભગવાન છું–મારે દેહ
નથી, કુટુંબ નથી, દેશ નથી, રાગ નથી, એમ પરમાત્મ સ્વરૂપનાં શરણ કરી અપૂર્વ સમાધિ માટે તૈયાર રહો...!
ભગવાન્ સમય હો ઐસા, જબ પ્રાણ તનસે નિકલે,
આતમ્ સે લો લગી હો, જબ પ્રાણ તનસે નિકલે.
જિનેન્દ્ર સ્તવન મંજરી પાનું ૨૦૭
સમયસાર (પાન ૨પ૯) માં શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધી જાગૃત કરે છે કે–હે અંધ પ્રાણીઓ!
અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે––ઊંઘે છે તે
પદ અર્થાત્ સ્થાન અપદ છે–અપદ છે! તે તમારૂં પદ નથી–એમ હે જીવો! તમે સમજો. કરૂણાભાવ વરસાવતા શ્રી
કુંદકુંદભગવાન સંબોધન કરીને જગાડે છે અને પ્રેરણા કરી ઉલ્લસિત કરે છે કે–ઓ ભવ્ય આત્માઓ! આ તરફ
આવો! આ તરફ આવો! તમારૂં પદ આ છે. આ પદ તમારૂં છે–આ પદ તમારૂં છે. જ્યાં શુદ્ધ–અત્યંત શુદ્ધ ચૈતન્ય
ધાતુ નિજરસની–શાંતિસ્વરૂપની–અતિશયતાને લીધે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે–અર્થાત્ સ્થિર છે–અવિનાશી છે;
એ અવિનાશી પદ તમારૂં છે. સંસાર તરફના વલણને છોડી દઈને હવે અવિનાશી સ્વરૂપ તરફનું વલણ કરો.
આત્મા એ જ પરમ શાંતિનું સત્તાધામ છે. આ આત્મા સર્વ પર દ્રવ્યોથી જુદો અને સર્વ રાગાદિ પર ભાવોથી
જુદો છે. તેથી તે પરમ શુદ્ધ છે, પોતે સ્વત: સિદ્ધસ્વરૂપ છે તેને પરની કાંઈ જ જરૂર નથી. પર સાથે સંબંધ નથી.
અહો! પરમાનંદી ભગવાન આત્માની શાંતિના આજ ક્ષણે શરણ કરો શરણ કરો! [સમયસાર પાનું–૨પ૯–૬૦
આસપાસનું વાંચી લેજો]
દેહ તો અનંત જડ રજકણમય છે. એના એકે એક પરમાણુ સ્વતંત્રપણે ફરે છે અનંત પરમાણું સ્વતંત્રપણે
બદલીને દેહરૂપ થયા છે, અને તેઓજ સ્વતંત્રપણે બદલીને રાખ રૂપ થાય છે, કાંઈ આત્મા દેહરૂપ કે રાખરૂપ
થતો નથી. આત્મા તો જ્ઞાનમય છે અને જ્ઞાન જ કરે છે... એમ જેણે જાણ્યું છે તેને મરણનો ભય શેનો? મરણ છે
જ કોને? તમે આત્મા છો તમારૂં સુખ તમારામાં છે–બીજામાં નથી; એમ સ્વાધીનતા જાણીને હવે જાગૃત થાવ...!