જ હોવા છતાં, આ સાધ્ય સાધન વચ્ચે અંતર એ પાલવતું નથી. આમ ધર્માત્માને મોક્ષદશા માટે અંતરમાં
કળકળાટ થાય છે. અજ્ઞાની શરીરના વિયોગે કળકળાટ કરે છે, જ્ઞાનીને મોક્ષદશાના વિરહના કલબલાટ થાય છે.
આત્મસ્વરૂપના ભાન પછી જ્ઞાનીઓને પણ અસ્થિરતાને કારણે કોઈવાર અશુભભાવ આવી જાય અને
અશુભભાવથી બચવા માટે દેવ–ગુરુ–ધર્મની ભક્તિ–પ્રભાવનાની શુભવૃત્તિ પણ ઊઠે, પરંતુ તે અશુભ કે શુભ
બેમાંથી એકેયમાં અમારા આત્માના સુખનું સાધન નથી, પરંતુ તે બંને પ્રકારની વૃત્તિઓ અમારા સ્વરૂપના
સુખને રોકનાર છે. અમારા અંતર સ્વરૂપનું સાધન બહિરમુખ વલણ તરફના ભાવમાં નથી, પરંતુ અમારા અંતર
સ્વભાવમાં જ છે; એ સ્વભાવના જોરે પૂર્ણ સાધન પ્રગટાવી અમારૂં પરિપૂર્ણ સાધ્ય–અશરીરી સિદ્ધ દશા પ્રગટ
કરશું. પુણ્ય–પાપ બંનેમાં આકૂળતા છે, મૂંઝવણ છે, તેમાં મારૂં સાધન નથી; મારૂં સાધન તો ધર્મ સ્વરૂપ જ્ઞાયક
અમૂંઝવણ નિરાકૂળ ભગવાન આત્મા જ છે–આ પ્રમાણેના શ્રદ્ધા–જ્ઞાન વગર બીજી કોઈ ચીજનું અવલંબન
આત્માને–પોતાના સુખ માટે નથી.
અવતાર પામીને તેં શું કર્યું? ભાઈ! સ્વાધીન આત્મ સ્વરૂપની શ્રદ્ધા, અનુભવ અને અંતરવેદન સિવાય બીજા કોઈ
પણ ભાવ કે શરીર કુટુંબ વગેરે કોઈ પર ચીજ શરણભૂત થાય તેમ નથી, શરીર તો અનંત જડ રજકણનો પિંડ છે,
તેના એકે એક પરમાણુનું પરિણમન સ્વતંત્ર છે; કોને કહેવા શરીર ને કોને કહેવું કુટુંબ? જડનાં પરિણમનમાં
સંયોગ વિયોગ તો થયા જ કરે, એ તો એનો સ્વભાવ છે. કોઈનું પરિણમન પરને તાબે ત્રણકાળમાં નથી.
શુભ કે અશુભ લાગણી એક સરખી ટકતી નથી, ગમે તેવી લાગણી હોય તો પણ તે ક્ષણમાં ફરી જાય છે, અને
નવી ઊભી થાય છે. અંતરમાં જે શુભ કે અશુભ–લાગણી થાય છે તે ઓછી વધતી થયા જ કરે છે, અને તે
લાગણીઓને જાણનાર આત્માનું જ્ઞાન તો સળંગ એકરૂપ રહે છે. જ્ઞાન સદાય આત્મા સાથે રહે છે અને પુણ્ય–
પાપની લાગણી ક્ષણે ક્ષણે ફરી જાય છે, માટે જ્ઞાની જાણે છે કે:– જ્ઞાન મારૂં સ્વરૂપ છે અને તેમાં જ મારૂં સુખ છે;
પરંતુ શુભાશુભ લાગણી થાય તે મારૂં સ્વરૂપ નથી અને તેમાં મારૂં સુખ કદિપણ નથી. પુણ્ય–પાપની લાગણી
વિકારી, ખંડખંડરૂપ છે અને મારો જ્ઞાનસ્વભાવ સળંગ નિર્વિકારી અખંડ છે, અને એ જ મારા સુખનું સાધન છે.
મારા સુખના સાધન માટે મારે શરીરની કે કોઈ પણ શુભાશુભ વૃત્તિની મદદ નથી, હું જ મારા સુખનું સાધન છું
અને મારામાં જ મારૂં સુખ છે.