: ૧૫૬ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
કોઈ ક્રિયા કે એક વિકલ્પ પણ મારૂં સ્વરૂપ નથી, હું તેનો કર્તા નથી–એવા ભાન દ્વારા જેણે મિથ્યાત્વનો નાશ
કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તે જીવ લડાઈમાં હો કે વિષય સેવન કરતો હોય છતાં પણ તે વખતે તેને
સંસારની વૃદ્ધિ થતી નથી, અને એકતાલીસ પ્રકૃતિના બંધનો તો અભાવ જ છે. આ જગતમાં મિથ્યાત્વરૂપ ઊંધી
માન્યતા સમાન પાપ અન્ય કોઈ નથી.
આત્માનું ભાન કરતાં અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે. એ સમ્યગ્દર્શન સહિત જીવ લડાઈમાં હોવા છતાં તેને
અલ્પ પાપ છે અને તે પાપ તેને સંસારની વૃદ્ધિ કરી શકતું નથી, કેમકે તેને મિથ્યાત્વનું અનંતુ પાપ ટળી ગયું છે.
અને આત્માના અભાનમાં મિથ્યાદ્રષ્ટિ જીવ પુણ્યાદિની ક્રિયાને પોતાનું સ્વરૂપ માને છે તે પૂંજણી વડે પૂંજતો હોય
તે પૂંજતી વખતે પણ તેને, લડાઈ લડતા અને વિષય ભોગવતા સમ્યગ્દ્રષ્ટિ જીવ કરતાં અનંતુ મોટું પાપ
મિથ્યાત્વનું છે. આવું મિથ્યાત્વનું મહાન પાપ છે. અને સમ્યગ્દ્રષ્ટિ જીવ અલ્પકાળમાં જ મોક્ષદશા પામવાનો છે–
આવો મહાન ધર્મ સમ્યગ્દર્શનમાં છે.
જગતના જીવો સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનનું સ્વરૂપ જ સમજ્યા નથી. પાપનું માપ બહારના સંયોગ
ઉપરથી કાઢે છે, પરંતુ ખરૂં પાપ–ત્રિકાળ મહાન પાપ તો એક સમયના ઊંધા અભિપ્રાયમાં છે, તે મિથ્યાત્વનું
પાપ તો જગતના ખ્યાલમાં જ આવતું નથી. અને અપૂર્વ આત્મભાન પ્રગટતાં અનંત સંસાર કપાઈ ગયો અને
અભિપ્રાયમાં સર્વ પાપ ટળી જ ગયાં–એ સમ્યગ્દર્શન શું ચીજ છે તે જગતના જીવોએ સાંભળ્યું પણ નથી.
મિથ્યાત્વરૂપી મહાનપાપના સદ્ભાવમાં અનંત વ્રત કરે, તપ કરે, દેવ–દર્શન, ભક્તિ, પૂજા, બધું કરે, દેશ
સેવાના ભાવ કરે છતાં તેને જરાપણ સંસાર ટળતો નથી. એક સમ્યગ્દર્શન [આત્માના સ્વરૂપની સાચી
ઓળખાણ] ના ઉપાય સિવાય બીજા જે અનંત ઉપાય છે તે બધા ઉપાય કરવા છતાં મિથ્યાત્વ ટાળ્યા સિવાય
ધર્મનો અંશ પણ થાય નહિ–અને જન્મ–મરણ એક પણ ટળે નહિ... માટે હરકોઈ ઉપાય વડે–સર્વપ્રકારે ઉપાય
કરીને મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્ત્વ શીઘ્ર પ્રાપ્ત કરવું જરૂરી છે. સમ્યક્ત્વનો ઉપાય એજ કર્તવ્ય છે.
એ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ શુભ ભાવની ક્રિયા કે વ્રત–તપ એ સમ્યક્ત્વ પ્રગટ કરવાનો ઉપાય
નથી, પરંતુ પોતાના આત્મ સ્વરૂપની સમજણ અને પોતાના આત્માની રુચિ તથા લક્ષપૂર્વક સત્સમાગમ એ જ
તેનો ઉપાય છે–બીજો કોઈ ઉપાય નથી.
‘હું પરનું કરી શકું, પર મારૂં કરી શકે અને પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય’ એવા પ્રકારની મિથ્યાત્વની
ઊંધી માન્યતામાં–એક ક્ષણમાં અનંતી હિંસા છે, અનંત અસત્ય છે, અનંત ચોરી છે, અનંત અબ્રહ્મચર્ય
(વ્યભિચાર) છે અને અનંત પરિગ્રહ છે. જગતના અનંતા પાપનું એક સાથે સેવન એક મિથ્યાત્વમાં છે.
૧–હું પર દ્રવ્યનું કરી શકું એટલે જગતમાં અનંત પર દ્રવ્ય છે તે સર્વેને પરાધીન માન્યાં અને ‘પર મારૂં
કરી શકે’ એટલે પોતાના સ્વભાવને પરાધીન માન્યો–આ માન્યતામાં જગતના અનંત પદાર્થો અને પોતાના
અનંત–સ્વભાવની સ્વાધીનતાનું ખૂન કર્યું–તેથી તેમાં અનંત હિંસાનું મહાન પાપ આવ્યું.
૨–જગતના બધા પદાર્થો સ્વાધીન છે તેને બદલે બધાને પરાધીન–વિપરીતસ્વરૂપે માન્યા તથા જે પોતાનું
સ્વરૂપ નથી તેને પોતાનું સ્વરૂપ માન્યું–એ માન્યતામાં અનંત અસત્ સેવનનું મહાપાપ આવ્યું.
૩–પુણ્યનો એક વિકલ્પ કે કોઈ પણ પરવસ્તુને જેણે પોતાની માની તેણે ત્રણે કાળની પરવસ્તુ અને
વિકાર ભાવને પોતાનું સ્વરૂપ માનીને અનંતી ચોરીનું મહાન પાપ કર્યું છે.
૪–એક રજકણ પણ પોતાનો નથી છતાં હું તેનું કરી શકું એમ જે માને છે તે પરદ્રવ્યને પોતાનું માને છે, ત્રણે
જગતના જે પર પદાર્થો છે તે સર્વને પોતાના માને છે–એટલે આ માન્યતામાં અનંત પરિગ્રહનું મહાપાપ આવ્યું.
પ–એક દ્રવ્ય બીજાનું કાંઈ પણ કરી શકે એમ માનનારે સ્વદ્રવ્ય–પરદ્રવ્યને ભિન્ન ન રાખતાં તે બે વચ્ચે
વ્યભિચાર કરી, બેમાં એકપણું માન્યું, અને એવા અનંત પરદ્રવ્યો સાથે એકતારૂપ વ્યભિચાર કર્યો તે જ અનંત
મૈથુન સેવનનું મહાપાપ છે.
આ રીતે જગતના સર્વે મહા પાપો એક મિથ્યાત્વમાં જ સમાઈ જાય છે તેથી જગતનું સૌથી મહાન પાપ
મિથ્યાત્વજ છે. અને સમ્યગ્દર્શન થતાં ઉપરના સર્વે મહાપાપોનો અભાવ જ હોય છે તેથી જગતનો સૌથી પ્રથમ
ધર્મ સમ્યક્ત્વ જ છે. માટે મિથ્યાત્વ છોડો, સમ્યક્ત્વ પ્રગટ કરો. • • •