Atmadharma magazine - Ank 023
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
: શ્રાવણ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૮૩ :
તેમાં અનંત પુરુષાર્થ છે. સ્વભાવમાં ભવ નથી તેથી જેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ઊગ્યો તેને ભવની શંકા
રહેતી નથી. જ્યાં ભવની શંકા છે ત્યાં સાચું જ્ઞાન નથી અને જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભવની શંકા નથી–આ રીતે
‘જ્ઞાન’ અને ‘ભવ’ ની એક બીજામાં નાસ્તિ છે.
પુરુષાર્થ વડે સત્સમાગમથી એકલા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો પછી ‘હું અબંધ છું કે બંધવાળો
છું, શુદ્ધ છું કે અશુદ્ધ છું, ત્રિકાળ છું કે ક્ષણિક છું’ એવી જે વૃત્તિઓ ઊઠે તેમાં પણ હજી આત્મશાંતિ નથી, તે
વૃત્તિઓ આકુળતામય–આત્મશાંતિની વિરોધીની છે. નયપક્ષોના અવલંબનથી થતા મન સંબંધી અનેક પ્રકારના
વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ
કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનને આત્મ સન્મુખ કરવા તે જ સમ્યગ્દર્શન છે.
ઈન્દ્રિય અને મનના અવલંબને મતિજ્ઞાન પર લક્ષે પ્રવર્તતું તેને, અને મનના અવલંબને શ્રુતજ્ઞાન અનેક પ્રકારના
નય પક્ષોના વિકલ્પોમાં અટકતું તેને–એટલે કે પરાવલંબને પ્રવર્તતા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને–
અંતર સ્વભાવ સન્મુખ કરીને, તે જ્ઞાનોદ્વારા એક જ્ઞાન સ્વભાવને પકડીને
[લક્ષમાં લઈને] નિર્વિકલ્પ થઈને
તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા શુદ્ધાત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
આ રીતે અનુભવમાં આવતો શુદ્ધાત્મા કેવો છે તે કહે છે:– આદિ–મધ્ય–અંત રહિત ત્રિકાળ એકરૂપ છે,
તેમાં બંધ–મોક્ષ નથી અનાકુળતા સ્વરૂપ છે, ‘હું શુદ્ધ છું કે અશુદ્ધ છું’ એવા વિકલ્પથી થતી જે આકુળતા તેનાથી
રહિત છે. લક્ષમાંથી પુણ્ય–પાપનો આશ્રય છૂટીને એકલો આત્મા જ અનુભવરૂપ છે, કેવળ એક આત્મામાં પુણ્ય–
પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખાય વિશ્વ ઉપર તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો
હોય તેવો ચૈતન્ય સ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય–પાપની ઉપર
તરતો છે, તરતો એટલે તેમાં ભળી જતો નથી, તે રૂપ થતો નથી પરંતુ તેનાથી છૂટો ને છૂટો રહે છે. અનંત છે
એટલે કે જેના સ્વભાવમાં કદી અંત નથી, પુણ્ય–પાપ તો અંતવાળા છે, જ્ઞાનસ્વરૂપ અનંત છે; અને વિજ્ઞાનઘન
છે–એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાનપિંડમાં રાગ–દ્વેષ જરાપણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ
સ્વભાવ ભાવે રાગનો કર્તા નથી. અખંડ આત્મસ્વભાવનો અનુભવ થતાં જે જે અસ્થિરતાના વિભાવો હતા તે
બધાથી છૂટીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહિ એવા જ્ઞાનનો
નિવડ પિંડરૂપ પરમાત્મસ્વરૂપ સમયસારને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે.
નિશ્ચય – અને – વ્યવહાર
આમાં નિશ્ચય–વ્યવહાર બંને આવી જાય છે. અખંડ વિજ્ઞાનઘન સ્વરૂપ જ્ઞાનસ્વભાવી આત્મા તે નિશ્ચય છે
અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે વ્યવહાર છે. મતિશ્રુતજ્ઞાનને સ્વતરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય
તે વ્યવહાર છે, અને અખંડ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ–શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્‌યા અને આત્માનો
અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે–શ્રદ્ધાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટવા વખતની વાત કરી છે.
સમ્યગ્દર્શન થતાં શું થાય?
સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે.
આત્મીક આનંદનો ઊછાળો આવે છે; અંતરમાં આત્મશાંતિનું વેદન થાય છે. આત્માનું સુખ અંતરમાં છે તે
અનુભવવામાં આવે છે; એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે. ‘હું ભગવાન આત્મા સમયસાર છું’ એમ જે
નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ સમયસાર અને સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાન છે. અહીં તો સમ્યગ્દર્શન
અને આત્મા બંને અભેદ લીધા છે. આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે.
વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો.
સૌથી પહેલાંં આત્માનો નિર્ણય કરીને પછી અનુભવ કરવાનું કહ્યું છે–પહેલામાં પહેલા, ‘નિશ્ચય
જ્ઞાનસ્વરૂપ છું, બીજું કાંઈ રાગાદિ મારૂં સ્વરૂપ નથી’ એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચા શ્રુતજ્ઞાનને
ઓળખીને તેનો પરિચય કરવો, સત્શ્રુતના પરિચયથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી મતિ–શ્રુતજ્ઞાનને
તે જ્ઞાનસ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ પ્રથમનો એટલે કે
સમ્યક્ત્વનો માર્ગ છે. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે, બહારમાં કાંઈ કરવાનું ન
આવ્યું પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં
એકાગ્ર થયો ત્યાં તે જ વખતે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપે આ આત્મા–પ્રગટ થાય છે. આ જ