ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૮૯ :
ફળ થવું કહ્યું છે, તે તો નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારથી નહિ થાય; એજ શ્રી
પ્રવચનસારમાં કહ્યું છે.
વળી તમે લૌકિક કાર્યોમાં તો એવા ચતુર છો કે વસ્તુનાં સત્તા આદિ નિશ્ચય કર્યા વિના સર્વથા પ્રવર્તતા
નથી; અને અહીં તમે સત્તા નિશ્ચય પણ ન કરતાં ઘેલા અનધ્યવસાયી (નિર્ણય વગરના) થઈ પ્રવર્તો છો એ
મોટું આશ્ચર્ય છે! શ્રી શ્લોક વાર્તિકમાં કહ્યું છે કે:– જેની સત્તાનો નિશ્ચય નથી થયો, તેનું પરીક્ષાવાળાએ કેવી
રીતે સ્તવન કરવા યોગ્ય છે? માટે તમે સર્વ કાર્યોની પહેલાંં પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરો એ જ
ધર્મનું મૂળ છે તથા એજ જિનમતની આમ્નાય છે.
આત્મકલ્યાણના અભિલાષીને ભલામણ
જેને આત્મકલ્યાણ કરવું છે તેણે પ્રથમ જિનવચનના આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા
ગુરુનો ઉપદેશ તથા સ્વાનુભવ એ દ્વારા પ્રમાણ, નય, નિક્ષેપ આદિ ઉપાયથી વચનનું સત્યપણું પોતાના જ્ઞાનમાં
નિર્ણય કરી પછી ગમ્યમાન થયેલાં સત્યરૂપ સાધનના બળથી ઉત્પન્ન થયેલું જે અનુમાન, તેનાથી સર્વજ્ઞની સત્તા
સિદ્ધ કરી, તેનાં શ્રદ્ધાન, જ્ઞાન, દર્શન, પૂજન, ભક્તિ, સ્તોત્ર અને નમસ્કારાદિક કરવાં યોગ્ય છે.
પોતાનું ભલું બુરું પોતાના પરિણામોથી જ થાય છે એમ માનનાર ભગવાનનો સાચો સેવક છે.
પોતાનું ભલું બૂરું થવું પોતાના પરિણામોથી થાય છે એમ જે માને છે અને તે રૂપે પોતે પ્રવર્તે છે તથા
અશુદ્ધ કાર્યોને છોડે છે તે જિનદેવના સાચા સેવક છે.
જેણે જિનદેવના સાચા સેવક થવું હોય, વા જિનદેવે ઉપદેશેલા માર્ગરૂપ પ્રવર્તવું હોય તેણે સર્વથી પહેલાંં
જિનદેવના સાચા સ્વરૂપનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કરવું એ કર્તવ્ય છે.
અરિહંતોએ શું કર્યું અને શું કહ્યું?
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં
તા. ૧૮–૮–૪પ ના વ્યાખ્યાનના આધારે
(મોક્ષમાર્ગ પ્રકાશક પાનું–૩૨૭)
અરિહંતપણું તે આત્માની પૂર્ણ પવિત્ર દશા છે. શરીરમાં કે વાણીમાં અરિહંતપણું નથી, પરંતુ પોતાના જ્ઞાનાદિ
ગુણોની પૂર્ણ પ્રગટ દશા થઈ ગઈ તે પૂર્ણ દશામાં જ અરિહંતપણું છે. તે અરિહંતદશા પ્રગટાવનાર આત્માઓએ પૂર્વે શું
કર્યું હતું? કયા ઉપાય કરવાથી તેમને અરિહંતદશા પ્રગટી હતી, તે પ્રથમ જાણવાની જરૂર છે.
જે જીવોને અરિહંતદશા પ્રગટી છે તે જીવો પૂર્વે સંસાર દશામાં હતા, પછી આત્મસ્વભાવની યથાર્થ રુચિ
થતાં સાચા જ્ઞાનવડે પોતાનું પરિપૂર્ણ આત્મસ્વરૂપ તેઓએ જાણ્યું અને સાચી શ્રદ્ધા કરી. “હું શુદ્ધ સ્વભાવી
આત્મા છું, પરવસ્તુથી હું જુદો છું, મારી શુદ્ધતા મારા સ્વભાવના અવલંબનથી પ્રગટે છે, પણ પરવસ્તુથી મારી
શુદ્ધ દશા પ્રગટતી નથી, તથા રાગ થાય તે મારું મૂળ સ્વરૂપ નથી, પર વસ્તુ મારું કાંઈ કરતી નથી અને હું
પરવસ્તુનું કાંઈ કરી શકતો નથી” આ પ્રમાણે તે આત્માઓએ યથાર્થપણે જાણ્યું અને માન્યું. ત્યારપછી તે જ
શ્રદ્ધા અને જ્ઞાનને ઘૂંટતાં ઘૂંટતાં ક્રમે ક્રમે સ્વભાવ તરફની સ્થિરતા વધતી ગઈ તેમ તેમ રાગ–દ્વેષ છૂટતો ગયો.
છેવટે પરિપૂર્ણ પુરુષાર્થ દ્વારા સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા કરીને તે આત્માઓએ વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ
કર્યું. સંપૂર્ણ વીતરાગતા અને સંપૂર્ણ જ્ઞાન એ જ આત્માની અરિહંતદશા છે, આ રીતે અરિહંતદશા પ્રગટ કરનાર
આત્માઓએ સર્વથી પહેલાંં આત્માની રુચિવડે સાચી શ્રદ્ધા–જ્ઞાન કર્યાં અને પછી સ્થિરતાવડે વીતરાગતા અને
સંપૂર્ણજ્ઞાનરૂપ અરિહંતદશા પ્રગટ કરી. અરિહંતદશા પ્રગટ થતાં પુર્વના પુણ્યના કારણે દિવ્યધ્વનિ છૂટી–તે
દિવ્યધ્વનિમાં ભગવાને શું કહ્યું?
એ ધ્યાન રાખવું કે દિવ્યધ્વનિ તે અરિહંતભગવાનના આત્માનો ગુણ નથી, પણ જડ પરમાણુઓની અવસ્થા
છે. ખરેખર તે દિવ્યધ્વનિનો કર્તા આત્મા નથી. આત્મા પોતાના સંપૂર્ણ જ્ઞાન અને વીતરાગતાનો કર્તા છે. દિવ્યધ્વનિ
તો પરમાણુઓની અવસ્થા છે. પરંતુ ભગવાનની પૂર્ણ દશાનું નિમિત્ત પામીને તે વાણીમાં પણ પુર્ણ કથન આવે છે. જે
ઉપાય કરવાથી ભગવાને પોતાની પુર્ણ અરિહંતદશા પ્રગટ કરી તે ઉપાયનું કથન તે વાણીમાં આવે છે. જેવો
આત્મસ્વભાવ પોતે જાણ્યો તેવા પરિપૂર્ણ આત્મસ્વભાવનું સ્વરૂપ તે વાણીમાં કહ્યું છે અને તે સ્વરૂપની પ્રાપ્તિ શું
કરવાથી થાય તે પણ તે વાણીમાં આવે છે. અરિહંત ભગવંતો દિવ્યધ્વનિ દ્વારા કહે છે કે...