Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 45

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૯ :
કરે છે. જો કે સમ્યગ્દર્શન વખતે જ્ઞાન મનના અવલંબનથી છૂટયું છે એટલે કે બુદ્ધિપૂર્વકના વિકલ્પો નથી પણ
અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ વિકલ્પ વર્તે છે. જો સર્વથા મનનું અવલંબન છૂટી જાય તો કેવળજ્ઞાન થાય. પરંતુ સમ્યકશ્રદ્ધા
થતાં તુરત જ કેવળજ્ઞાન થઈ જાય નહિ, વચ્ચે ગુણસ્થાન ભેદ આવે જ.
જીવ દ્રવ્યમાં શ્રદ્ધા–જ્ઞાનાદિ અનંત ગુણો છે, તેમાં કથંચિત્ ગુણભેદ છે. જો ગુણભેદ ન જ હોય તો શ્રદ્ધા
નિર્મળ થઈ તે જ સમયે કેવળજ્ઞાન થઈ જાય. પણ તેમ બને જ નહિ. વચ્ચે સાધકદશા તો આવે જ. સમ્યકશ્રદ્ધા
થયા પછી એક સમયમાં કોઈને કેવળજ્ઞાન થઈ જાય નહિ કેમકે દ્રવ્યના દરેક ગુણ કથંચિત્ જુદા છે. વસ્તુ
અપેક્ષાએ ગુણો અભેદ છે. તેથી સમ્યકશ્રદ્ધા વખતે દ્રષ્ટિમાં ગુણભેદનો વિકલ્પ છૂટી ગયો છે; પણ તે જ વખતે
જ્ઞાનમાં અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ ગુણભેદનો વિકલ્પ છે. [અબુદ્ધિપૂર્વક વિકલ્પ એટલે જ્ઞાનનું મન સાથેનું સૂક્ષ્મ
જોડાણ.] જો વસ્તુમાં ગુણ સર્વથા અભેદ જ હોય તો એક ગુણ નિર્મળ થતાં બધા જ ગુણો પૂર્ણ નિર્મળ થઈ જવા
જોઈએ, એટલે શ્રધ્ધાની સાથે જ જ્ઞાનની પણ પૂર્ણતા થવી જોઈએ, પરંતુ શ્રધ્ધા અને જ્ઞાનની પૂર્ણતામાં અંતર
પડે જ છે કેમકે ગુણભેદ છે. ગુણભેદ છે માટે ગુણસ્થાન ભેદ પડે જ છે અને દ્રવ્યદ્રષ્ટિએ વસ્તુમાં ગુણો અભેદ છે
તેથી એક ગુણની નિર્મળતા ઊઘડતાં બધા ગુણોની નિર્મળતા અંશે ઊઘડે જ છે.
: ૭ :
પ્રશ્ન:–અગીઆરમા ગુણસ્થાને કષાયભાવ નથી છતાં સત્તામાં મોહનીય કર્મનો સદ્ભાવ કેમ છે?
ઉત્તર:–અગીઆરમા ગુણસ્થાને પણ વીર્યની મંદતા છે. સાતમા ગુણસ્થાનથી શ્રેણી ચડતાં વીર્ય જેટલા
અપ્રતિહત જોરથી ઉપડવું જોઈએ તે કરતાં ઓછા જોરથી ઉપડ્યું છે. જો શ્રેણી ચડતાં અપ્રતિહત પુરુષાર્થ વડે
સત્તામાંથી જ કષાયનો ક્ષય કરતા આવ્યા હોત તો સીધું કેવળજ્ઞાન પામત, પરંતુ શ્રેણી ચડતાં મંદ પુરુષાર્થને
કારણે, કષાયનો ઉપશમ કર્યો પણ સત્તામાંથી નાશ ન કર્યો તેથી અગીઆરમેથી પુરુષાર્થ પાછો પડે છે એટલે
ત્યાં મંદ પુરુષાર્થ છે તેથી સામે સત્તામાં મોહનીય કર્મ છે. જો સંપૂર્ણ પુરુષાર્થ ઉપાડે તો ચારે ઘાતિકર્મનો સર્વથા
ક્ષય કરી કેવળજ્ઞાન પામે. અગીઆરમા ગુણસ્થાનના છેલ્લા સમયનું વીર્ય કેવળજ્ઞાનના વીર્ય કરતાં અનંતમા
ભાગે ઓછું છે, જો ઉપાદાનની પોતાની અવસ્થામાં કાંઈ જ પુરુષાર્થ નબળો ન હોય તો સામે નિમિત્ત કેમ હોઈ
શકે? માટે ઉપાદાનના પુરુષાર્થની કચાશના કારણે સત્તામાં કર્મની હૈયાતિ છે.
અગીઆરમા અને બારમા ગુણસ્થાનની વચ્ચે એ ફેર છે કે–૧૧ મા કરતાં ૧૨ માનું વીર્ય તીવ્ર છે.
મોહનો ઉદય એકેમાં નથી, પરંતુ ૧૧ મે સત્તામાં મોહનો સદ્ભાવ છે અને ૧૨મે મોહનો ક્ષય છે. ઉપશમ શ્રેણી
ચડતાં જ જીવ મંદ પુરુષાર્થથી ઉપડ્યો છે તેથી અગીઆરમેથી પાછો પડે છે અને ફરી સાતમા ગુણસ્થાને આવીને
પછી જ ક્ષપક શ્રેણી માંડી શકે છે.
: ૮ :
પ્રશ્ન:–શ્રધ્ધા અને ચારિત્ર એ બંને ગુણ જુદા છે છતાં તેને રોકવામાં નિમિત્ત એક મોહકર્મ જ કેમ ગણ્યું
છે? શ્રધ્ધાને રોકવામાં નિમિત્ત દર્શનમોહ અને ચારિત્રમાં નિમિત્ત ચારિત્રમોહ એ બંનેને એક મોહનીય કર્મ
તરીકે કેમ ગણ્યો છે?
ઉત્તર:–બંનેના કાર્યની કથંચિત્ સમાનતા હોવાથી તેમને એક જ કર્મમાં ગણ્યા છે. મોહનીય કર્મનું કાર્ય તો
એક જ છે કે સ્વરૂપથી બહિરમુખ વલણ કરવામાં નિમિત્તરૂપ થવું. આ વ્યાખ્યા દર્શનમોહ અને ચારિત્રમોહ
બંનેને લાગુ પડે છે. છતાં દર્શન અને ચારિત્ર એ બે ગુણો જુદાં છે તેથી તેને રોકનાર બે જુદી પ્રકૃતિ હોય એટલે
દર્શનમોહ અને ચારિત્રમોહ એવા બે ભેદ મોહકર્મના છે. મૂળ તો મોહકર્મનું કાર્ય એક જ છે કે બહિરમુખ વલણ
કરાવવું, બહિરમુખ વલણના બે પડખાં–દર્શન અને ચારિત્ર. મોહનીયનો સદ્ભાવ તે બહિરમુખ અને મોહનીયનો
અભાવ તે અંતરમુખ છે.
: ૯ :
પ્રશ્ન:–દ્રષ્ટિ પૂરી થાય અને ચારિત્ર અધૂરૂં રહે એમ બને?
ઉત્તર:–ગુણભેદની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી દ્રષ્ટિ પૂરી થઈ છે પણ ચારિત્ર પૂરૂં નથી. અને અભેદની
દ્રષ્ટિએ–બધા ગુણ અભેદ છે એ અપેક્ષાએ–એક ગુણની પૂર્ણતા થતાં સર્વ ગુણની પૂર્ણતા થવી જોઈએ; ચોથે
ચારિત્ર વગેરે ગુણ સંપૂર્ણ ઊઘડયા નથી તેથી દ્રષ્ટિમાં પણ કથંચિત્ અધુરાશ છે. છતાં ચોથા ગુણસ્થાને દ્રષ્ટિએ જે
વિષય કર્યો છે તે વિષય પરિપૂર્ણ છે, તે શ્રદ્ધાના વિષયના આધારે જ ચારિત્રની પૂર્ણતા થાય છે. ‘ચારિત્ર કરૂં’
એવો વિકલ્પ પણ કષાય છે તેથી તે ચારિત્રનો બાધક છે. સર્વગુણોથી અભેદ દ્રવ્યનું લક્ષ કરવું અર્થાત્ અભેદ
સ્વભાવમાં દ્રષ્ટિનું જોર આપવું તે જ સમ્યકચારિત્રનું કારણ છે.