કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૫ :
આત્મા કરતો નથી એટલે કે સંયોગનું સુખ–દુઃખ આત્માને નથી.
ઉપરના કથનમાં શરીર અને તેના છૂટા પડેલા અંગ વચ્ચે જ્યાં આત્માના પ્રદેશો લંબાયા છે તે જગ્યાએ
કાર્માણ શરીર તો આત્માના પ્રદેશો સાથે છે પરંતુ ઔદારિક શરીર એટલે નોકર્મ નથી. કાર્માણ શરીર હોવા છતાં
અને ત્યાં પ્રતિકૂળ સંયોગ આવે છતાં તેનું દુઃખ આત્માને થતું નથી કેમકે કાર્માણ શરીર સાથે નિમિત્ત–નૈમિત્તિક
સંબંધ નથી; પરંતુ જો આ ઔદારિક શરીર ઉપર તલવાર પડે અગર તે બળે તો રાગવાળા જીવને તે વખતે દુઃખ
લાગે છે એટલો શરીર સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત–નૈમિત્તિક સંબંધની વ્યાખ્યા એવી છે કે–જો
જીવ પોતે શરીરનું લક્ષ કરીને રાગભાવ વડે દુઃખી થાય તો શરીરની પ્રતિકૂળતાને નિમિત્ત કહેવાય છે, પણ જો
જીવ રાગ ન કરે તો તેને નિમિત્ત પણ કહેવાતું નથી. આ રીતે જીવને શરીરની પ્રતિકૂળતાના સંયોગનું દુઃખ નથી
પરંતુ તે વખતે જેટલો કષાય છે તે કષાયભાવનું વેદન છે, અને તેનું જ દુઃખ છે. શરીર સાથેનો નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ દુઃખનું કારણ નથી પણ કષાય જ દુઃખનું કારણ છે. આ બાબતમાં ચૌભંગી નીચે મુજબ
(૧) એક મુનિ આત્મસ્વરૂપના ધ્યાનમાં છે અને તેમના શરીરને સિંહ ખાઈ જાય છે છતાં તે વખતે
તેમને સુખનું વેદન છે.
(૨) એક રાજા સર્વ પ્રકારની બાહ્ય સગવડો વચ્ચે બેઠો છે છતાં અંતરંગ વિચારમાં તે આકૂળતાનું દુઃખ
વેદી રહ્યો છે.
(૩) એક સામાન્ય રાગી જીવને વીંછી કરડવો વગેરે પ્રતિકૂળતા આવે છે અને તે રાગથી દુઃખી થાય છે.
(૪) એક જીવને પ્રતિકૂળતા નથી અને તે રાગ કરીને દુઃખી થતો નથી.
ઉપરના ચાર દ્રષ્ટાંતોમાં પહેલા બે દ્રષ્ટાંતોમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી, કેમકે તેમાં પ્રતિકૂળ
સંયોગ છતાં સુખ છે અને અનુકૂળ સંયોગ છતાં દુઃખ છે. ત્રીજા–ચોથામાં નિમિત્તનૈમિત્તિક સંબંધ લાગુ પડે છે.
ઈચ્છાનો અભાવ તે જ સુખ
પ્રશ્ન:–કોઈ સિંહ ઘણા દિવસનો ભૂખ્યો હોય અને કોઈ મનુષ્ય મળે ત્યારે તેને ખાવા જાય, ત્યારે મનુષ્ય
તેને કહે કે અરે સિંહ! મને ખાવાથી તને હિંસાનું પાપ લાગશે અને તું દુઃખી થઈશ. ત્યારે સિંહ કહે કે–પાપનું ફળ
તો અશાંતિ–દુઃખ હોય પરંતુ હું તને ખાઈશ અને મારી ભૂખ ટળશે તથા મને શાંતિ થશે, માટે તેમાં હિંસાનું પાપ
ક્યાં આવ્યું?
ઉત્તર:– વર્તમાનમાં ખાવાનો જે હિંસક ભાવ છે તે તો પાપ જ છે અને તેનું વેદન પણ અશાંતિ અને
દુઃખમય જ છે. મનુષ્ય ખાવાથી બહારમાં જે સાતા દેખાય છે તે સાતા હિંસક પાપભાવનું ફળ નથી તેમ જ
મનુષ્ય શરીરને ખાવાથી સાતા થઈ નથી; પરંતુ પૂર્વના કોઈ પુણ્યના કારણે સાતા દેખાય છે. વર્તમાનમાં મનુષ્ય
હિંસાનો જે પાપભાવ છે તેનું ફળ અંદરમાં તો વર્તમાન જ આકૂળતારૂપે વેદાય છે અને ભવિષ્યમાં તેના બાહ્ય
ફળરૂપે નરકાદિનો સંયોગ મળશે. તીવ્ર અશુભભાવ કરવા છતાં વર્તમાનમાં ભૂખનું દુઃખ ટળે છે તે પૂર્વના
પુણ્યના કારણે ટળે છે, પરંતુ વર્તમાન અશુભભાવ કર્યા તેના કારણે ભૂખ મટી નથી.
આમાં તો ઘણું સિદ્ધ થઈ જાય છે. ૧–પુનર્જન્મ છે, ૨–પુણ્ય–પાપનું ફળ છે, ૩–પર વસ્તુનો સંયોગ
વિયોગ આત્માના ભાવને આધીન નથી, ૪–આત્માને પોતાના ભાવનું ફળ વર્તમાન જ છે, આ બધું સિદ્ધ થઈ
જાય છે. આ સંબંધમાં ચૌભંગી નીચે મુજબ–
૧–વર્તમાન હિંસક પાપભાવ છતાં સાતાનો અનુકૂળ સંયોગ
૨–વર્તમાન શુભભાવ હોય છતાં અસાતાનો પ્રતિકૂળ સંયોગ
૩–વર્તમાન અશુભભાવ અને પ્રતિકૂળ સંયોગ.
૪–વર્તમાન શુભભાવ અને અનુકૂળ સંયોગ.
(૧) વર્તમાન પાપભાવ હોવા છતાં સાતાનો અનુકૂળ સંયોગ હોય છે તે અનુકૂળ સંયોગ વર્તમાન
પરિણામનું ફળ નથી પણ પૂર્વના કોઈ શુભ પરિણામનું તે બાહ્ય ફળ છે એટલે પૂર્વે તે જીવ હતો અને તેણે
શુભભાવ કર્યા હતા એ સિદ્ધ થાય છે. વર્તમાન પૈસા મેળવવાનો પાપભાવ હોય અને પૈસા આવે તો ત્યાં
પાપભાવના ફળમાં પૈસા આવ્યા નથી પણ પૂર્વના પુણ્યના કારણે પૈસા આવ્યા છે, વર્તમાન પાપભાવ છે તેનું
બાહ્યફળ ભવિષ્યમાં પ્રતિકૂળતારૂપે આવશે.
(૨) કોઈને દયાનો ભાવ હોય અને તેના શરીરને હિંસક પશુઓ ખાઈ જતા હોય એમ બને, ત્યાં
પ્રતિકૂળ સંયોગ છે તે પૂર્વના પાપનું બાહ્યફળ છે અને વર્તમાન દયાનો ભાવ છે તેનું બાહ્યફળ ભવિષ્યમાં
આવશે.