શાશ્વત સુખરૂપ સ્વધીન છે તેની જેને ખબર નથી તે તો ‘સુખ જોઈએ છે’ એવી માન્યતાથી–અસંતોષથી બહારમાં સુખ
શોધે છે; અને તે સુખના સાધન–ઉપાય પણ પરાશ્રયથી માને છે તેથી તેની દ્રષ્ટિ પર સંયોગ ઉપર જ રહે છે, એ પરાધીન
દ્રષ્ટિવાળો સ્વાધીન સુખનો અંશ પણ પામી શકતો નથી એ અહીં કહેવામાં આવે છે.
ધર્મ (સુખ) માગે છે અને તેથી તે જીવ પર સંબંધ રહિત સુખસ્વરૂપે થઈ શકતો નથી; પણ જ્યારે જીવ પોતે જ
પોતાને શાશ્વત સુખસ્વરૂપે ઓળખે અને મારા સુખસ્વરૂપી આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતા વડે હું
જ સ્વયં સુખરૂપે થઈ જઊં–એવો મારો સ્વભાવ છે. એમ આત્મભાન કરે ત્યારે સ્વાધીન દ્રષ્ટિ થાય એટલે તેને
સુખ માટે કાંઈ ઈચ્છવાનું રહેતું નથી.
સંયોગ અને ક્ષણિક વિકારરૂપે આત્મા નથી, તેથી વિકારમાં આત્માનું સુખ નથી. ‘મારે સુખરૂપ થવું છે’ એમાં
એમ આવ્યું કે પોતાથી જ પોતે સુખરૂપ છે, કોઈ પર પદાર્થની સુખ માટે જરૂર નથી. સુખરૂપ થનારો પોતે
એકલો; તેમાં પુણ્ય જોઈએ, પર જોઈએ, બીજાની મદદ જોઈએ–એ બધું હોય તો પોતે સુખરૂપ થાય એવું કાંઈ ન
આવ્યું, પણ પોતે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે સમજીને ઠરે તો સહજ આનંદરૂપ પ્રગટદશા થાય એટલે કે પોતે
સુખરૂપ પરિણમે.
આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ છે એના ભાનરૂપ જ્ઞાન અવસ્થાનો સ્વભાવ જ નિત્ય સ્વતંત્રપણે જ્ઞાન આનંદરૂપે સ્વયં
થવાનો છે.
નવી અવસ્થારૂપે સુવર્ણ–વગેરે રૂપે થાય છે, તેને તે રૂપ બહારથી મેળવવું પડતું નથી–સ્વભાવે જ તે રૂપ થાય છે.
જેમાં છે તે પ્રગટ દશારૂપે થાય છે. બહારથી મેળવવું પડતું નથી. માટીને ઘડારૂપે થવામાં પરની જરૂર નથી,
પરમાણુઓ માટીપણું પલટી ઘડારૂપે સ્વયં થાય છે. જો ઘડારૂપે થવામાં તેને પરની જરૂર હોય તો કુંભાર–ચક્રાદિ
પર વસ્તુમાંથી ઘડાપણું આવે, એ રીતે પરાધીનતા થાય. પણ પરાધીન કોઈ ચીજ ત્રણ કાળમાં નથી. માટે
પરમાણુઓમાં ઘડારૂપે થવાની શક્તિ છે તે સ્વયં પ્રગટ થાય છે. વસ્તુની ક્રમબદ્ધપર્યાય થાય છે તેમાં નિમિત્તની
વાટ જોવી પડતી નથી. સોનાનો સ્વભાવ દાગીનારૂપે થવાનો છે માટે તે સ્વયં થાય છે. સોનું જ દાગીનારૂપે
પરિણમી જાય છે. પરમાણુઓ પલટતાં પલટતાં એની મેળે સોનારૂપે થાય છે. તે સોનાનો સ્વભાવ જ અલિપ્ત છે.
સુવર્ણને કાદવમાં નાખો તો પણ તે કાદવથી ખરડાતું નથી. તે સુવર્ણરૂપે રહે છે–કાદવરૂપે થતું નથી. તેમ જ
કાદવવડે સુવર્ણમાં મલિનતા થતી નથી. તેમ જ્ઞાની પોતાના ત્રિકાળી સ્વતંત્ર સ્વભાવને સર્વથી જુદો જાણે છે,
પોતે જ સુખસ્વરૂપે છે તેથી બહારથી કાંઈ મેળવવા માગતો નથી; પરના સંયોગમાં રહ્યો હોવા છતાં જ્ઞાનીને
કોઈ પર અજ્ઞાનરૂપ કરવા સમર્થ નથી. જ્ઞાની સ્વયમેવ જ્ઞાનરૂપે જ થાય છે. અજ્ઞાનીઓની બાહ્ય સંયોગ ઉપર
દ્રષ્ટિ છે તેથી સુખ માટે તેઓ સંયોગ મેળવવાની ઈચ્છા કર્યા કરે છે, પરંતુ અસંયોગી તત્ત્વને સુખસ્વરૂપે તેઓ
જાણતા નથી.