Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૨૩ :
પોતાની સ્વાધીન સત્તાની મહત્તા નહિ દેખતા થકા અજ્ઞાની એમ માને છે કે–મારા સુખ માટે દેવ–ગુરુ–
શાસ્ત્ર જોઈએ, હું એકલો શું કરૂં? શરીર નિરોગી જોઈએ, બાહ્ય ત્યાગ અને શરીરની ક્રિયા વડે ધર્મ મેળવું. આ
રીતે અજ્ઞાની પોતાને નમાલો, રાંકો, શક્તિહીન, તૂચ્છ ગણી કાઢે છે, બધા પરને માને પણ હું કોણ તે ન જાણે.
બધા પરની તાકાતથી મારૂં સુખ થાય–એટલે મારામાં કાંઈ તાકાત નથી–એમ અજ્ઞાનીની માન્યતા છે. પરંતુ
તારામાં નથી તો આવશે ક્યાંથી?
હું એકલો મારાથી પૂર્ણ છું, અનંતગુણનો શાશ્વત સ્વાધીન ભંડાર છું, મારે મારા સુખ માટે કોઈ બીજાની
જરૂર નથી, દેવ, ગુરુ, શાસ્ત્ર તરફના શુભ વિકલ્પની પણ જરૂર નથી–એમ પ્રથમ સ્વાધીન સ્વભાવને ઓળખીને
હા તો પાડ. હજી તો સત્યનો સ્વીકાર કરવાની, સાચી ઓળખાણ કરવાની આ વાત છે. પોતાના ઘરની વાત છે,
લોકોએ ધર્મને મોંઘો કલ્પી રાખ્યો છે, સત્ય સાંભળ્‌યું નથી, રુચિ કરી નથી તેથી અમને ન સમજાય એમ પહેલેથી
આડ નાખીને આત્માની દરકાર કરતા નથી.
બધા આત્મા સ્વતંત્ર ભગવાન છે, ક્ષણિક વિકાર જેટલા નથી, પણ પોતે જે સ્વભાવે છે તેનાથી બીજારૂપે
કદી થનાર નથી એમ જો સ્વભાવને નક્કી કરે તો પોતે જે ધર્મરૂપે છે તે જ અવસ્થારૂપે પોતાને થવું છે, તેમાં
કોઈ પર નિમિત્તની કે રાગની અવસ્થારૂપે થવાની જરૂર નથી. એટલે કે ધર્મ સ્વાધીન છે.
મારે ધર્મરૂપે–સુખરૂપે થવું છે. ધર્મરૂપે થવાનો મારો સ્વભાવ છે. પુણ્ય–પાપના વિકારી ભાવને ઠીક
માનવાં અને તેમાં સુખ માનવું તે ઊંધી માન્યતા જ મહાપાપરૂપ, અધર્મ અને દુઃખ છે.
ધર્મરૂપે મારે થવું છે, કોઈ પર ચીજ મારા ધર્મને કરનાર નથી પણ હું જ ધર્મરૂપે મારા વડે થનાર છું. મારે
એકલાએ ધર્મરૂપે થવું છે, ધર્મથી જુદું પડવું નથી–એટલે દેવ–ગુરુ–શાસ્ત્રાદિ કોઈ મારારૂપે અને હું તે પરરૂપે
થનાર નથી. સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની અવસ્થારૂપે થનાર હું એકલો જ છું, તે માટે મારે પર સાધનની જરૂર
નથી તેમ જ કોઈની વાટ જોવી પડે તેવું મારૂં સ્વરૂપ નથી. હું સ્વાધીન છું, મારા ધર્મથી હું કદી ખાલી નથી. આ
પ્રમાણે ઓળખાણ તે જ ધર્મ છે.
વિકારરૂપે થવામાં સંયોગની રુચિ છે–તેમાં દુઃખ છે. અને ધર્મરૂપે એટલે કે સુખરૂપે થવામાં અસંયોગી
અવિકાર સ્વભાવની રુચિ છે. “મારે ધર્મરૂપેે થવું છે” તેમાં એમ પણ આવ્યું કે હું વર્તમાન પ્રગટ ધર્મરૂપ થયો
નથી. શક્તિરૂપે ધર્મસ્વરૂપ પૂર્ણ છે. આત્મામાં બેહદ તાકાત અનંત અક્ષય સુખરૂપ ધર્મ ભર્યો છે તે સ્વભાવને
ઓળખીને તેમાં એકાગ્ર થતાં ધર્મરૂપ પર્યાય પ્રગટે છે અર્થાત્ આત્મા પોતે ધર્મરૂપેે થાય છે.
આ નિર્જરાનો અધિકાર છે. શુદ્ધ અખંડ ધુ્રવ આત્મસ્વભાવની સાચી દ્રષ્ટિના જોરે શુદ્ધતાની વૃદ્ધિ અને
અશુદ્ધતાની હાનિ તે નિર્જરા છે. નીચલી સાધક દશામાં નિરાલંબી સ્વરૂપની શ્રદ્ધા–જ્ઞાન બરાબર છે પણ
વીતરાગપણે સંપૂર્ણ સ્થિરતા કરી શકતો નથી ત્યાં અશુભ પાપરાગથી બચવા સાચા દેવ, ગુરુ, શાસ્ત્રની ભક્તિ,
પૂજા, પ્રભાવના વગેરેમાં શુભરાગ થાય છે પરંતુ ભાવના તો અરાગીપણે સ્થિર રહેવાના પુરુષાર્થની છે અર્થાત્
પુણ્ય–પાપના વિકલ્પો રહિત પૂર્ણ ધર્મરૂપે થવાની છે.
પરના સંબંધ વગર અને ક્ષણિક પુણ્ય–પાપની લાગણી રહિત અક્ષય સુખરૂપ–ધર્મરૂપ થનાર હું એકલો
છું–એમ નક્કી કરતાં કોઈ સામગ્રી તરફ જોવાનું ન રહ્યું. પરાશ્રય રહિત પોતાના સ્વાધીન સ્વભાવની પહેલાંં
પ્રતીત કરે તો જેવો સ્વભાવ છે તે રૂપે થવા માટે પોતાના સ્વભાવમાં જોવાનું રહ્યું. કાંઈ શુભાશુભ ભાવ થાય
ત્યાં એમ જાણે કે તે ભાવ મારા પુરુષાર્થની વર્તમાન નબળાઈથી બાહ્ય લક્ષ વડે થાય છે, પરંતુ મારા ધર્મરૂપે તે
ભાવ થતો નથી. મારા ધર્મસ્વરૂપના અંતર લક્ષે એકાગ્રતા કરીને ઢળું તો હું તે ધર્મરૂપે થાઊં છું. પર ચીજ,
દેહાદિની ક્રિયા તે સર્વે તેનાપણે
[પરપણે] થાય છે, મારાપણે તે થનાર નથી. પુણ્ય–પાપની લાગણી તે દુઃખ છે,
આકુળતા છે, ક્ષણિક વિકાર છે, હું ત્રિકાળ અવિકારી છું, તે ક્ષણિક વિકારપણે હું થનાર નથી.
આ પ્રમાણે બધામાંથી સુખદ્રષ્ટિ ઉપાડી લઈને નિરૂપાધીક ધર્મ સ્વરૂપના લક્ષે ટકનારો સ્વયં