કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૫ :
જૈન શાસનનો જળહળતો સૂર્ય સદા પ્રકાશવંત રહો.
ભગવાન શ્રી મહાવીર નિર્વાણ કલ્યાણક
મંગલં ભગવાન વીરો,
મંગલં ગૌતમો ગણી,
મંગલં કુંદકુંદાર્યો,
જૈન ધર્મોડસ્તુ મંગલં.
[પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનાં સાં. ૧૯૯૯ તથા ૨૦૦૦ ના આસો વદ ૦)) ના વ્યાખ્યાનો ઉપરથી]
વર્તમાન શાસનનાયક શ્રી વીર ભગવાનના નિર્વાણક કલ્યાણકનો આજે દિવસ છે. આજથી ૨૪૭૧ વર્ષ
પહેલાંં તેઓશ્રી ભરતક્ષેત્રમાં બિરાજતા હતા; મહાવીર ભગવાનનો જન્મકલ્યાણક દિવસ ચૈત્ર સુદ ૧૩ નો છે.
તેઓશ્રી પણ જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા અને પહેલાંં તેઓ પણ સંસારમાં હતા. પોતાના
આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન અને પરમાનંદ ભર્યો છે તેનું તેઓશ્રીએ ભાન કરીને પછી સ્થિરતાના પ્રયાસ વડે તે
જ્ઞાન–આનંદ પરિપૂર્ણ પ્રગટ કર્યાં, તે દિવસ વૈશાક સુદ ૧૦ નો છે. કેવળજ્ઞાન થયા પછી ૩૦ વર્ષ સુધી
દિવ્યધ્વનિદ્વારા પરમ સત્ય–વસ્તુસ્વરૂપ યાને ધર્મને જગજાહેર કર્યો, અને તેમને ૭૨ વર્ષ થતાં તેઓશ્રી પવિત્ર
મોક્ષ લક્ષ્મીને પામ્યા, તે માંગલિક દિવસ આજે [આસો વદ ૦)) ના પરોઢિયે] છે. ભગવાનશ્રી મોક્ષ પધાર્યા
તેનો મહા મંગળિક મહોત્સવ પાવાપુરીમાં ઈન્દ્રો–દેવો અને રાજવીઓએ દીવા વગેરેથી ઉજવ્યો હતો તેથી તે
દિવસ દિપોત્સવી અથવા તો દિવાળી તરીકે પ્રખ્યાત છે. ખરેખર આજનો દિવસ આત્માના પૂર્ણાનંદ સ્વભાવને
પ્રગટ કરવાની ભાવનાનો છે. જેવો ભગવાનનો આત્મા તેવો જ મારો આત્મા છે એમ વિચારી સ્વભાવનું ભાન
કરી વિભાવપરિણામને સ્વરૂપ–સ્થિરતા વડે તોડું–એમ પુરુષાર્થ ઉપાડવાનો આજનો દિવસ છે.
શ્રી ભગવાન આજના જ દિવસે મોક્ષ પધાર્યા–એમ પૂર્વકાળની વર્તમાન સાથે સમ્યગ્જ્ઞાનદ્વારા સંધિ કરવી
તે ખરેખર તો વસ્તુદ્રષ્ટિ છે. વસ્તુદ્રષ્ટિમાં દ્રવ્ય–પર્યાય વચ્ચેનો કાળભેદ તોડી નાખીને, ભૂતકાળમાં જે બન્યું તેને
વર્તમાનરૂપ કરીને, મહોત્સવ કરવામાં આવે છે.
વસ્તુદ્રષ્ટિથી જોતાં વસ્તુ તો મુક્ત સ્વરૂપ જ છે અને મુક્ત દશાનું કારણ પણ વસ્તુ જ છે. આવા પરિપૂર્ણ
વસ્તુ સ્વભાવનું ભાન થયું છે પણ હજી પૂર્ણ મુક્તદશા પ્રગટી નથી, અવસ્થામાં અપૂર્ણતા છે, એવા સાધક જીવો
જેઓ પૂર્વે પૂર્ણ થઈ ગયા છે તેમને વર્તમાન યાદ કરીને પોતાની પૂર્ણતાની ભાવના કરે છે. જે પરમ પવિત્ર દશા
પ્રગટીને કાયમ રહે છે તે પવિત્ર દશા જે વસ્તુસ્વભાવથી પ્રગટે છે તે વસ્તુની દ્રષ્ટિ [શ્રદ્ધા, પ્રતીત] થયા વગર
“પ્રભુજી આજે મોક્ષ પધાર્યા” એવો કાળભેદ તોડીને દ્રવ્ય–પર્યાયની સંધિ કરતો, યથાર્થ આરોપ કે ઉત્સવનો
ભાવ આવે જ નહિ.
‘આજે પ્રભુશ્રી મહાવીર મુક્તપણાને પામ્યા’ એવો પૂર્વનો આરોપ વર્તમાનમાં કરે છે તે આરોપ સાચો
ક્યારે કહેવાય? કે–(ભગવાનની મુક્તદશા તો તેમની પાસે રહી) હું પણ એવો જ મુક્તસ્વરૂપ છું–એમ જો તે
આરોપ પાછળ પોતાના અનારોપ સ્વરૂપનું ભાન હોય તો જ આરોપ યથાર્થ રીતે કરી શકે છે અને મુક્તદશાના
મહોત્સવ કરીને પોતે પણ પોતાના મુક્તસ્વરૂપના જોરે અલ્પકાળમાં મુક્તદશા પ્રગટ કરે છે.
અરિહંત દશામાં પરમાત્માને સમોસરણ અને બાર સભા વગેરે સાથે તો સંબંધ હતો જ નહીં અર્થાત્ કોઈ
પ્રત્યે રાગ–દ્વેષ હતો નહિ–પરંતુ હજી જોગનો વિકાર હતો, આજે તે પણ છૂટીને અકંપસ્વભાવમાં પ્રભુશ્રી સ્થિર
થયા. જે જીવે પ્રભુશ્રીને ઓળખીને પોતાના તેવા જ સ્વભાવનું ભાન કર્યું તે જીવે અજ્ઞાન, રાગ, દ્વેષ, કર્મ વગેરે
બધા સાથેનો સંબંધ ઉડાડયો અને પોતાના સિદ્ધ સ્વભાવ સાથે સંબંધ કર્યો.
ભગવાન શ્રી મહાવીર સ્વભાવનું ભાન કરીને રાગ અને પરના સંબંધનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા
અને ત્યારપછી જોગના વિકારનો પણ સંબંધ છૂટતાં તદ્ન અકંપ સિદ્ધ સ્વભાવમાં સ્થિર થયા એવા નિજ–આત્મ
સ્વભાવની ઓળખાણ સહિત જો જીવ ભગવાનનો નિર્વાણ કલ્યાણક મહોત્સવ કરે તો તે પરમાર્થના ભાનસહિત
વ્યવહાર મહોત્સવ છે, અને પોતે જ જ્યારે તે પવિત્ર દશાને પ્રાપ્ત કરે ત્યારે તે પરમાર્થ મહોત્સવ છે. આ
સિવાય બીજા કોઈ યથાર્થ મહોત્સવ ઉજવી શકે નહિ.
ભૂત, વર્તમાન અને ભાવી જગતશિરોમણી તીર્થંકરોને નમસ્કાર હો.