: ૯૦ : આત્મધર્મ : માહ : ૨૪૭૨
સ્વભાવમાં પોતે ભળીને–સ્વભાવની એકતા કરીને, રાગ ટાળીને જે જ્ઞાયક થઈ ગયો છે તેને તો પોતાના
સ્વભાવના પુરુષાર્થમાં નિયત સમાઈ જાય છે. સ્વભાવનો પુરુષાર્થ છે ત્યાં નિયમથી મોક્ષ છે એટલે પુરુષાર્થમાં
જ નિયત આવી જાય છે, જ્યાં પુરુષાર્થ નથી ત્યાં મોક્ષપર્યાયનું નિયત પણ નથી.
અહો! મહાન સંત મુનિશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવનાં અમૃત વહેતાં મૂકયાં છે. આચાર્યદેવો
ધર્મના સ્થંભ છે, આભના થોભ જેવા આચાર્યદેવોએ પવિત્ર ધર્મને ટેકો આપીને ટકાવી રાખ્યો છે. એકેક
આચાર્યભગવંતોએ ગજબ કામ કર્યું છે. સાધકદશામાં સ્વરૂપની શાંતિ વેદતાં પરિષહોને જીતીને પરમ સત્યને
જીવંત રાખ્યું છે. આચાર્યદેવના કથનમાં કેવળજ્ઞાનના ભણકારા વાગી ગયા છે. આવા મહાન શાસ્ત્રોની રચના
કરીને આચાર્યોએ ઘણાઘણા જીવો પર અપાર ઉપકાર કર્યો છે. રચના તો જુઓ, પદે પદે કેટલું ગંભીર રહસ્ય
છે! આ તો સત્યની જાહેરાત છે, આનાં સંસ્કાર અપૂર્વ ચીજ છે, અને આ સમજણ તો મુક્તિને વરવાનાં શ્રીફળ
છે–આ સમજે તેનો મોક્ષ જ છે.
પ્રશ્ન:–થવાનું હોય તે થાય છે–એમ માનવામાં અનેકાન્ત સ્વરૂપ કયાં આવ્યું?
ઉત્તર:–થવાનું હોય તેમ થાય છે એટલે પરનું પરથી થાય છે અને મારૂં મારાથી થાય છે એમ જાણીને
પરથી ખસીને પોતા તરફ વળ્યો તેણે સ્વભાવના લક્ષે માન્યું છે, તેની માન્યતામાં અનેકાન્તસ્વરૂપ છે. ‘ મારી
પર્યાય મારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ આવે છે, મારી પર્યાય પરમાંથી આવતી નથી’ આમ અનેકાંત છે; તથા ‘ પરની
પર્યાય પરના દ્રવ્યમાંથી ક્રમબદ્ધ જે થવાની હોય તે થાય છે, હું તેની પર્યાય કરતો નથી ’ આમ અનેકાંત છે; ‘
થવાનું હોય તે જ થાય’ એમ જાણીને પોતાના દ્રવ્ય તરફ ઢળવું જોઈએ, પરંતુ ‘ થવાનું હોય તે થાય’ એમ જે
એકલા પરથી માને છે, પરંતુ સ્વદ્રવ્યની પર્યાય કયાંથી આવે છે તેની પ્રતીત કરતો નથી એટલે કે પરલક્ષ છોડી
સ્વલક્ષ કરતો નથી તે એકાંતવાદી છે.
પ્રશ્ન:–ભગવાને તો મોક્ષમાર્ગના પાંચ સમવાય કહ્યા છે અને તમે તો એક પુરુષાર્થ–પુરુષાર્થ જ કરો છો,
તો પછી તેમાં બીજા ચાર સમવાયો કઈ રીતે આવે છે?
ઉત્તર:–જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે છે ત્યાં સ્વયં બીજા ચારે સમવાય હોય જ છે. પાંચ સમવાયનું
સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે સમજવું.
૧–પરનું હું કાંઈ કરનાર નથી, હું તો જ્ઞાયક છું, મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે–આમ સ્વભાવદ્રષ્ટિ
કરીને પરની દ્રષ્ટિ તોડી તે પુરુષાર્થ.
૨–સ્વભાવદ્રષ્ટિનો પુરુષાર્થ કરતાં જે નિર્મળદશા પ્રગટી, તે દશા સ્વભાવમાં હતી તે જ પ્રગટી છે, એટલે
જે શુદ્ધતા પ્રગટી તે સ્વભાવ.
૩–સ્વભાવદ્રષ્ટિના પુરુષાર્થવડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાની હતી તે જ શુદ્ધ
પર્યાય તે સમયે પ્રગટી તે નિયત. સ્વભાવની દ્રષ્ટિના જોરે સ્વભાવમાં જે પર્યાય પ્રગટવાની તાકાત હતી તે જ
પર્યાય પ્રગટી છે. બસ! સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તે જ પર્યાય તેની નિયત છે. પુરુષાર્થ કરનાર
જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે પણ બહારથી આવતું નથી.
૪–સ્વદ્રષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે. પહેલાંં પર તરફ ઢળતો તેને
બદલે સ્વમાં ઢળ્યો તે જ સ્વકાળ છે.
પ–સ્વભાવદ્રષ્ટિથી જ્યારે આ ચાર સમવાય પ્રગટયા ત્યારે નિમિત્તરૂપ કર્મો તેની પોતાની લાયકાતથી
સ્વયં ખસી ગયા છે, તે ‘કર્મ’ છે.
આમાં પુરુષાર્થ, સ્વભાવ, નિયત અને કાળ એ ચાર સમવાય અસ્તિરૂપ છે અર્થાત્ તે ચારે ઉપાદાનની
પર્યાયમાં લાગુ પડે છે અને પાંચમું સમવાય નાસ્તિરૂપ છે તે નિમિત્તમાં લાગુ પડે છે. અથવા જો પાંચમું સમવાય
આત્મામાં લાગુ પાડવું હોય તો તે આ પ્રમાણે છે.–પરવલણથી ખસીને સ્વભાવ તરફ વળતાં પ્રથમના ચારનું
અસ્તિરૂપે અને કર્મનું નાસ્તિરૂપે એમ આત્મામાં પાંચે સમવાયનું પરિણમન થઈ ગયું છે એટલે સ્વના
પુરુષાર્થમાં પાંચે સમવાય પોતાની પર્યાયમાં સમાઈ જાય છે. પહેલાં ચાર અસ્તિથી અને પાંચમું નાસ્તિથી
પોતામાં છે.
જ્યારે સમ્યક્ પુરુષાર્થ જીવે ન કર્યો ત્યારે વિકારી ભાવ માટે કર્મ નિમિત્ત કહેવાણું અને જ્યારે સમ્યક્
પુરુષાર્થ કર્યો ત્યારે કર્મનો અભાવ નિમિત્ત કહેવાણો છે. જીવ પોતામાં પુરુષાર્થ વડે ચાર સમવાય પ્રગટ કરે અને
સામે કર્મની દશા ફરવાની ન હોય એમ બને જ નહિ. જીવ સ્વલક્ષ કરીને ચાર સમવાયરૂપે પરિણમ્યો અને કર્મ