તરફ લક્ષ કરીને ન પરિણમ્યો (અર્થાત્ ઉદયમાં ન જોડાણો) ત્યારે કર્મની અવસ્થાને નિર્જરા કહેવાણી. જીવ
સ્વસન્મુખ પરિણમ્યો ત્યારે ભલે કર્મ ઉદયમાં હોય પણ જીવના તે વખતના પરિણમનમાં કર્મના નિમિત્તની
નાસ્તિ છે. પોતે સ્વમાં ભળ્યો અને કર્મ તરફ ન ભળ્યો તે જ કર્મની નાસ્તિ અર્થાત્ ઉદયનો અભાવ છે.
આત્મામાં એક સમયની સ્વસન્મુખ દશામાં પાંચે સમવાય આવી જાય છે. જીવ જ્યારે પુરુષાર્થ કરે ત્યારે
તેને પાંચ સમવાય એક જ સમયે હોય છે, સ્વની પ્રતીતમાં પરની પ્રતીત આવી જ જાય છે. આવી ક્રમબદ્ધ
વસ્તુસ્વરૂપની પ્રતીતમાં કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી ગયોછે.
પ્રશ્ન:–જીવ કેવળજ્ઞાન પ્રગટવાનો પુરુષાર્થ કરે પણ તે વખતે કર્મની ક્રમબદ્ધ અવસ્થા લાંબો કાળ
રહેવાની હોય તો જીવને કેવળજ્ઞાન શી રીતે થાય?
ઉત્તર:–વાહ, તારી શંકા! તને તારા પુરુષાર્થનો જ ભરોસો નથી તેથી તારી દ્રષ્ટિ કર્મ તરફ લંબાણી છે. ‘
સૂર્ય ઉગશે અને અંધારૂં નહિ ટળે તો? ’ એવી શંકા કરે તે મૂર્ખ છે. તેવી રીતે ‘હું પુરુષાર્થ કરૂં અને કર્મની
સ્થિતિ લાંબો કાળ રહેવાની હોય તો?’ આવી શંકા જેને પડે તેને પુરુષાર્થની પ્રતીત નથી, તે મિથ્યાદ્રષ્ટિ છે.
કર્મની ક્રમબદ્ધ પર્યાય એવી જ છે કે જીવ પુરુષાર્થ કરે ત્યારે તે સ્વયં ટળી જ જાય. ‘કર્મ લાંબો કાળ રહેવાનાં
હોય તો?’ એ દ્રષ્ટિ તો પરમાં લંબાણી, અને તેમ શંકા કરનારે પોતાના પુરુષાર્થને પરાધીન માન્યો છે. તને
તારા આત્માના પુરુષાર્થની પ્રતીત છે કે નહિ? હું મારા સ્વભાવના પુરુષાર્થથી કેવળજ્ઞાન પ્રગટ કરૂં છું અને હું
મારી કેવળજ્ઞાન દશા પ્રગટ કરું ત્યારે ઘાતિકર્મો હોય જ નહિ, એવો નિયમ છે. જેને ઉપાદાનની શ્રદ્ધા હોય તેને
નિમિત્તની શંકા હોય જ નહિ નિમિત્તની શંકામાં જે રોકાણો છે તેણે ઉપાદાનનો પુરુષાર્થ જ કર્યો નથી. ઉપાદાન
તે નિશ્ચય છે અને નિમિત્ત તે વ્યવહાર છે.
નિશ્ચયનય આખા દ્રવ્યને લક્ષમાં લ્યે છે આખા દ્રવ્યની શ્રદ્ધામાં કેવળજ્ઞાનથી ઊણપનો સ્વીકાર જ કયાં
છે? ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં દ્રવ્યની શ્રદ્ધા છે અને દ્રવ્યની શ્રદ્ધામાં કેવળજ્ઞાનથી ઉણીદશાની પ્રતીત જ નથી,
માટે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં કેવળજ્ઞાન જ છે.
કેવળજ્ઞાની નિશ્ચયથી તો સંપૂર્ણ આત્મજ્ઞ જ છે, વ્યવહારથી સર્વજ્ઞ છે. સંપૂર્ણ આત્મજ્ઞ છે તો તેઓ સર્વજ્ઞ
કહેવાય છે. આત્મજ્ઞતા વગર સર્વજ્ઞતા હોઈ શકે નહિ.
હવે, સર્વજ્ઞ તો બધી જ વસ્તુની પર્યાયોના ક્રમને જાણે છે તેથી નીચલી દશામાં પણ જે ‘બધી વસ્તુની
ક્રમબદ્ધપર્યાય છે’ એમ પ્રતીતમાં લ્યે છે તે જીવ સર્વજ્ઞતાને સ્વીકારે છે, અને જે સર્વજ્ઞતા સ્વીકારે છે તે આત્મજ્ઞ
જ છે કેમકે સર્વજ્ઞતા કદી પણ આત્મજ્ઞતા વગર હોતી નથી. જે જીવ વસ્તુની સંપૂર્ણ ક્રમબધ્ધ પર્યાયોને નથી
માનતો તે સર્વજ્ઞતાને માનતો નથી, અને જે સર્વજ્ઞતાને માનતો નથી તે આત્મજ્ઞ હોઈ શકે નહિ.
આત્માના સંપૂર્ણ જ્ઞાનસામર્થ્યમાં બધી વસ્તુઓની ત્રણે કાળની પર્યાયો જેમ થવાની છે તેમ જણાય છે
અને જેમ જણાય છે તે જ પ્રમાણે થાય છે–આવી જેને પ્રતીત કરી તેણે ક્રમબદ્ધપર્યાયની અને સર્વજ્ઞના સામર્થ્યની
પ્રતીત થઈ અને તે આત્મજ્ઞ થયો; આત્મજ્ઞ જીવ સર્વજ્ઞ થાય જ છે.
વસ્તુમાં દરેક ગુણની પર્યાય પ્રવાહબદ્ધ ચાલી જ રહી છે, એક તરફ સવર્જ્ઞનું કેવળજ્ઞાન પરિણમી રહ્યું છે,
બીજી તરફ જગતના સર્વ દ્રવ્યોની પર્યાય પોતપોતામાં ક્રમબદ્ધ પરિણમી રહી છે. અહો! આમાં એક બીજાનું શું
કરી શકે? બધા દ્રવ્યો પોતપોતામાં જ પરિણમી રહ્યાં છે, બસ! આ પ્રતીત કરતાં જ્ઞાન જુદું જ રહી ગયું;
બધામાંથી રાગ દ્વેષ ઉડી ગયો અને એકલું જ્ઞાન રહી ગયું, આ જ કેવળજ્ઞાન!
પરમાર્થથી નિમિત્ત વગર જ કાર્ય થાય છે, વિકારપણે કે શુદ્ધતાપણે જીવ પોતે જ સ્વપર્યાયમાં પરિણમે
છે, અને તે પરિણમનમાં નિમિત્તની તો નાસ્તિ છે. કર્મ અને આત્માનું ભેગું પરિણમન થઈને વિકાર થતો નથી
એક વસ્તુના પરિણમન વખતે પરવસ્તુની હાજરી હોય તેથી શું? પરવસ્તુનું અને સ્વવસ્તુનું પરિણમન તો તદ્ન
જુદું જ છે, તેથી જીવની પર્યાય નિમિત્ત વગર પોતાથી જ થાય છે, નિમિત્ત કાંઈ જીવની રાગ–દ્વેષાદિ પર્યાયમાં
પેસી જતું નથી. માટે નિમિત્ત વગર જ રાગ–દ્વેષ થાય છે. નિમિત્તની હાજરી હોય છે તે તો જ્ઞાન કરવા માટે છે;
જ્ઞાનસામર્થ્ય હોવાથી જીવ નિમિત્તને જાણે છે ખરો, પરંતુ નિમિત્તના કારણે ઉપાદાનમાં કાંઈ પણ થતું નથી.