: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૯૭ :
પરમ સુખી સાધક સંત મુનિ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનમાંથી ૨૪૭૨ માગશર સુદ ૧૩.
કોણ કહે છે કે ધર્મ કષ્ટદાયક છે?
નહિ, નહિ, એ સિંહથી ખાઈ જવાતા મુનિ દુઃખી નથી, એનો આત્મા પરમ સુખી છે. તેઓ તો આત્માના
ચૈતન્યની પ્રેરણાના અમૃતઝરણાં પી રહ્યાં છે, આત્માનું સુખ અનુભવવામાં તેઓ એવા લીન છે કે શરીરનું લક્ષ
નથી. અનંત સિદ્ધોની પંક્તિમાં બેસીને આત્માના અમૃતનો આનંદ ભોગવી રહ્યાં છે. જડ શરીરના પરમાણુઓ
પલટે છે તેમાં ચૈતન્ય આત્મા ને શું? અને પરમાણુને પણ શું? શરીર અને આત્માનું પરિણમન જુદું છે. પરમાણુ
તેના કારણે પરિણમે છે, પરમાણુને દુઃખ–સુખ હોતાં જ નથી અને મુનિ ભગવંતનો આત્મા પોતાના સ્વરૂપની
લીનતામાં પરિણમી રહ્યો છે તેને દુઃખી કેમ કહેવાય? એ તો સુખરૂપ ધર્મનો અનુભવ કરે છે.
અજ્ઞાની જીવ સંયોગવડે ધર્માત્માને દુઃખી કલ્પે છે, પણ ધર્માત્માને કોઈ પણ સંયોગનું દુઃખ નથી. શું સિંહ
કરડયો તેનું દુઃખ છે? ‘કરડવું’ એટલે શું? કરડવું તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કરડવું તે નિમિત્તની સંયોગની–
ભાષા છે તેનો અર્થ એમ છે કે–સિંહ ક્રૂરભાવ કરે છે તેના મોઢાની ક્રિયા હાલવા–ચાલવારૂપ થાય છે અને મુનિના
શરીરના પરમાણુઓમાં ફેરફાર થાય છે–આટલી વાત ‘કરડવું’ શબ્દ બતાવે છે પરંતુ તે શબ્દ મુનિના આત્માની
ક્રિયા તે વખતે શું થાય છે એ બતાવતો નથી. શરીર શરીરના કારણે જ્યારે પરિણમી રહ્યું છે ત્યારે ધર્માત્મા સંત
મુનિનો આત્મા તો પોતાની ચૈતન્ય–ક્રિયા વડે, શરીરથી અને વિકારથી જુદો રહીને આનંદનો અનુભવ કરે છે
અહાહા! આવા પરમ સુખી સંત મુનિને આત્માના અજાણ અજ્ઞાની જીવો દુઃખી કલ્પે છે! અને તેથી એમ
ભાવના કરે છે કે ‘અરેરે! અમને આવી દશા કદી ન હજો!’ પોતાને ખબર નથી કે મેં શું ભાવના કરી! ભાઈ!
કઈ દશાની તેં ના પાડી? આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ સાધક દશાની તેં ના પાડી છે, અમને મુનિ જેવી દશા ન હજો
એટલે નિર્વિકલ્પપણે સ્વરૂપની એકાગ્રતાનું ધર્મધ્યાન અમને ન હજો–અર્થાત્ આત્માનું પરમ સુખ અમને ન
હજો! આ છે અજ્ઞાનીની ભાવના! અજ્ઞાની એટલે આત્માના જ્ઞાનરહિત, સંયોગબુદ્ધિ, જડબુદ્ધિ, જડ ઉપરથી
આત્માના સુખનું માપ કાઢનાર.
મુનિના શરીરને સિંહ ખાઈ જાય છે તે વખતે અજ્ઞાની–સંયોગ ઉપરથી એમ ભાવના કરે છે કે–“અરેરે!
આવી દશા ન હો!” તેની માન્યતામાં અનેક દોષ છે.
(૧) અજ્ઞાનીઓ મુનિની શાંતિને દુઃખ કલ્પ્યું તે પહેલી ભૂલ.
(૨) પોતાને તે દશા ન હો એટલે કે મુનિપણું ન હો એમ ભાવના કરી તે બીજી ભૂલ.
(૩) કોઈ સંયોગ સુખદુઃખનું સાધન નથી પણ પરિણામ સુખદુઃખનું સાધન છે એને બદલે સંયોગ
ઉપરથી ધર્માત્માએ દુઃખ માન્યું તે ત્રીજી ભૂલ. આ રીતે અજ્ઞાનીની દ્રષ્ટિ ભૂલ ભરેલી જ છે.
હવે એ જ વખતે, સિંહથી ખાઈ જવાતા તે મુનિને દેખીને, જ્ઞાની એમ ચિંતવે છે કે ‘અરે! મુનિ
ભગવંતને આવું ન હો!’ જ્ઞાનીની આ ચિંતવનામાં કેવો અભિપ્રાય હોય છે તે હવે વિચારીએ.
૧–જ્ઞાનીને જે શુભ વૃત્તિ ઉઠી છે તે મુનિને ખાતર નથી, પણ પોતાને સાધક–પણાની ભાવના હોવાથી
પોતાને જ્ઞાન તરફ ઢળતો ભાવ છે તેથી વૃત્તિ ઉઠી આવે છે કે–
સંત મુનિને સાધકદશામાં આવું ન હો! એટલે ત્યાં સંયોગની વાત નથી પણ ખરેખર તો સાધકપણામાં
બાધક વૃત્તિ જ ન હો એમ ભાવના કરે છે; પણ શુભરાગ હોવાથી નિમિત્તથી એમ કથન આવે છે કે આવા
બાધકપણાનાં નિમિત્ત જ સાધકને ન હો! આમાં તો બાધકવૃત્તિ તોડીને અપ્રતિહત જ્ઞાનધારાની ભાવના કરી છે,
ભલે વર્તમાન વિચારમાં તો શુભ રાગ છે પણ તે રાગને ય બાધક માનીને તેને તોડવા માગે છે. જ્ઞાન સ્વભાવ
ટકી રહેવાની ભાવના છે અને તે ભાવનાના જોરે જ્ઞાનમાં સાધકપણે ટકીને બાધકવૃત્તિને તોડી નાખે છે, અને તે
જ પરિષહજય છે. પરિષહ તરફના રાગ–દ્વેષ ભાવને તોડીને સ્વભાવમાં એકાગ્ર થયો તે જ પરિષહજય છે. પરંતુ
પરિષહને પ્રતિકૂળ માનીને દ્વેષ કરે કે સંયોગને અનુકૂળ માનીને રાગ કરે તો તે પોતે સ્વરૂપથી ખસીને
પરિષહમાં જીતાઈ ગયો છે, તેણે પરિષહજય કર્યો નથી.
સ્વરૂપ લીન થયેલા સાધકસંત મુનિને પરિષહનું જરાય દુઃખ નથી, એ તો પરમ સુખી છે.
વંદન હો તે સાધક સંત મુનિે!