Atmadharma magazine - Ank 029
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૯૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શ્રીમુખેથી
ભેદ વિજ્ઞાન ગ્રહણ ત્યાગ
પ્રશ્ન:– આત્મા બધી વસ્તુઓથી જુદો છે તેથી તે પરનું કાંઈ કરી શકતો નથી આમ જ્ઞાનીઓ વારંવાર
સમજાવે છે, પણ બે વસ્તુ જુદી છે એમ સમજવાથી શું લાભ થાય?
ઉત્તર:– બધા પર પદાર્થોથી હું જુદો છું અને હું પરનું કાંઈ કરી શકતો નથી એટલે મારામાં પર જીવોને
સુખી–દુઃખી કરવાની તાકાત કદી પણ નથી તેથી પર જીવને સુખી–દુઃખી કરવાના શુભાશુભ ભાવ તે મારૂં સ્વરૂપ
નથી, મારૂં સ્વરૂપ તો જાણવાનું જ છે. આ રીતે, બે પદાર્થોના જુદાપણાની સમજણ થતાં પ્રથમ બધાય પરનું
અને રાગનું કર્તૃત્ત્વ અભિપ્રાયમાંથી છૂટી જાય છે, અને તેથી પ્રથમ રાગને જ પોતાપણે માનીને આકુળતાનું વેદન
કરતો અને તેથી દુઃખ હતું, તેને બદલે હવે જ્ઞાતાપણે માનીને પોતાને શુદ્ધપણે અનુભવે છે તેથી અનાકુળતાનું
સુખ છે. બે પદાર્થોને જુદા જાણવાનું જ આ ફળ છે.
પર પદાર્થોને પોતાથી જુદા જાણ્યાં એટલે તે તરફના લક્ષે જે લાગણીઓ થાય તેને પણ પરમાર્થે પોતાથી
જુદી માની અર્થાત્ બંધભાવ અને સ્વભાવ વચ્ચે ભેદ પાડયો–તે ભેદજ્ઞાન થયું. સ્વને અને પરને કાંઈ સંબંધ
નથી એમ નક્કી કરતાં પર તરફના વલણવાળી કોઈ વૃત્તિ મારૂં સ્વરૂપ નથી એમ જાણીને હવે પરથી અને
વિકારી વૃત્તિથી છૂટા એવા પોતાના સ્વભાવમાં લક્ષ કરીને સ્થિરતા જ કરવાનું રહ્યું, આ જ મુક્તિનો ઉપાય છે.
પોતાને અને પરપદાર્થોને જુદા જાણ્યાં વિના પોતાનું કલ્યાણ કોઈ રીતે થઈ શકે નહિ. માટે સ્વ–પરના
ભેદવિજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો જરૂરી છે.
પ્રશ્ન:– પરવસ્તુથી અને વિકારી ભાવથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વભાવના ભાન દ્વારા સમ્યગ્દર્શન થયા
પછી શું કરવું?
ઉત્તર:– ચૈતન્ય સ્વભાવનું ગ્રહણ કરવું અને વિકારભાવને બંધન જાણી તેનો ત્યાગ કરવો. વચ્ચે પરલક્ષે
જે કાંઈ વ્યવહાર, વિકલ્પ આવે તેને બંધન જાણીને છોડી દેવા, અને જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા કરવી; આ જ
ઉપાયથી મોક્ષ થાય છે.
[૨૪૭૨ માગશર સુદ ૧૦ સમયસાર]
પ્રશ્ન:– બીજા પદાર્થોને કાંઈ કરવાની તાકાત આત્માના સ્વભાવમાં નથી એ ખરૂં, પરંતુ આત્મા વિકાર
કરે ત્યારે તો બીજા પદાર્થોનું કરવાની તાકાત આવે છે ને?
ઉત્તર:– નહિ, સ્વભાવથી કે વિભાવથી કોઈ પ્રકારે આત્મા બીજા પદાર્થનું કરી જ શકતો નથી.
સમયસારમાં જ કહ્યું છે કે–
“જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગીને વૈસ્ત્રસિક છે. ૪૦૬.
અર્થ:– જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો (આત્માનો)
પ્રાયોગિક તેમ જ વૈસ્ત્રસિક ગુણ છે.
ટીકા:– જ્ઞાન પર દ્રવ્યને કાંઈ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક
(અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી (વિકારથી) તેમ જ વૈસ્ત્રસિક (અર્થાત્ સ્વાભાવિક)
ગુણના સામર્થ્યથી જ્ઞાનવડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે....
ભાવાર્થ:– આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;–સ્વભાવરૂપ પરિણમો કે
વિભાવરૂપ પરિણમો, પોતાનાં જ પરિણામનાં ગ્રહણત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી.
(પા. –૪૭૫)
પરવસ્તુને લેવા મૂકવાની તાકાત જ આત્મામાં કોઈ રીતે નથી વિકાર કરવાથી પણ આત્મામાં તે તાકાત
આવતી નથી, ઉલટી જ્ઞાન શક્તિ હણાઈ જાય છે. પોતે વિકાર કરે તો પોતાની હાલતમાં અશુદ્ધતાનું ગ્રહણ થાય
પણ તેમાં પર દ્રવ્યને શું છે? પર દ્રવ્યો તો સ્વતંત્ર છે.
પ્રશ્ન:– વિકાર કરવાથી આત્મા કર્મોને ખેંચે છે ને?
ઉત્તર:– ના, વિકાર કરવાથી આત્મા કર્મોને ખેંચતો નથી. સ્વતંત્રપણે પરમાણુની દશા તે રૂપે થાય છે.
‘આત્માએ કર્મો બાંધ્યા’ એ કથન નિમિત્તનું છે, ઉપચાર માત્ર છે. ખરેખર આત્મા પોતાની પર્યાયને જ ગ્રહે–
છોડે છે, પર વસ્તુને જરાપણ ગ્રહતો કે છોડતો નથી.
[૨૪૭૨ માગસર સુદ ૯ સમયસાર]