Atmadharma magazine - Ank 030
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
સૌથી મોટામાં
મોટું પાપ,
સૌથી મોટામાં
મોટું પુણ્ય
અને
સૌથી પહેલામાં
પહેલો ધર્મ
રાત્રિર્ચા ઉપરથી
તા. ૨૯ – ૧૨ – ૪૫
: ૧૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
પ્રશ્ન:– જગતમાં સૌથી મોટામાં મોટું પાપ કયું?
ઉત્તર:– મિથ્યાત્વ એ જ સૌથી મોટામાં મોટું પાપ છે.
પ્રશ્ન:– સૌથી મોટામાં મોટું પુણ્ય કયું?
ઉત્તર:– તીર્થંકર નામકર્મ તે સૌથી મોટામાં મોટું પુણ્ય છે; આ
પુણ્ય સમ્યગ્દર્શન પછીની જ ભૂમિકામાં શુભરાગ વડે બંધાય છે,
મિથ્યાદ્રષ્ટિને આ પુણ્ય હોતાં નથી.
પ્રશ્ન:– સૌથી પહેલાંમાં પહેલો ધર્મ ક્યો?
ઉત્તર:– સમ્યગ્દર્શન એ જ સૌથી પહેલામાં પહેલો ધર્મ છે.
સમ્યગ્દર્શન વગર જ્ઞાન, ચારિત્ર, તપ, દયા, વગેરે એકે ધર્મ સાચા હોતાં
નથી, તે બધા ધર્મો સમ્યગ્દર્શન થયા પછી જ હોય છે, માટે સમ્યગ્દર્શન
એ જ ધર્મનું મૂળ છે.
પ્રશ્ન:– મિથ્યાત્વને સૌથી મોટામાં મોટું પાપ શા માટે કહ્યું?
ઉત્તર:– મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, ખોટી સમજણ. જીવ
પરનું કરી શકે અને પુણ્યથી ધર્મ થાય–એમ જેણે માન્યું, તેની તે ઊંધી
માન્યતામાં એકેક ક્ષણમાં અનંત પાપ આવે છે. કઈ રીતે? તે કહે છે.–
‘પુણ્યથી ધર્મ થાય અને જીવ બીજાનું કરી શકે’ એમ જેણે માન્યું છે તેણે
‘પુણ્યથી ધર્મ ન થાય અને જીવ પરનું કાંઈ ન કરી શકે–એમ કહેનારા
ખોટા’ એમ પણ માન્યું છે, અને તેથી ‘પુણ્યથી ધર્મ ન થાય અને જીવ
પરનું ન કરે’ એમ કહેનારા ત્રણેકાળના અનંત તીર્થંકરો, કેવળી
ભગવંતો, સંત–મુનિઓ અને સમ્યગ્જ્ઞાની જીવો એ બધાયને તેણે એક
ક્ષણમાં ખોટા માન્યા. આ રીતે મિથ્યાત્વના એક સમયના ઊંધા વીર્યમાં
અનંત સત્ના નકારનું મહાપાપ છે.
વળી, જેમ હું–જીવ પરનો કર્તા છું અને પુણ્ય–પાપનો કર્તા છું
તેમ જગતના સર્વે જીવો સદાકાળ પરવસ્તુના અને પુણ્ય–પાપરૂપ
વિકારના કર્તા છે–એમ પણ મિથ્યાદ્રષ્ટિજીવના અભિપ્રાયમાં આવ્યું, એ
રીતે ઊંધી માન્યતાથી તેણે જગતના બધા જીવોને પરના કર્તા અને
વિકારના ધણી ઠરાવ્યા–એટલે કે બધા જ જીવોના શુદ્ધ અવિકાર
સ્વરૂપનું પોતાના ઊંધા અભિપ્રાયવડે ખૂન કર્યું, તે મહા ઊંધી દ્રષ્ટિનું
સૌથી મોટું પાપ છે. ત્રિકાળી સત્નો એક સમયમાં અનાદર તે જ સૌથી
મોટું પાપ છે.
વળી, એક જીવ બીજા જીવનું કરી શકે એટલે કે બીજા જીવો મારૂં
કાર્ય કરે અને હું બીજા જીવોનું કાર્ય કરૂં એમ મિથ્યાત્વી જીવ માને છે,
તેથી જગતના બધા જીવો એક બીજાના ઓશિયાળા પરાધીન છે એમ
માન્યું; એ રીતે પોતાની ઊંધી માન્યતામાં જગતના બધા જ જીવોના
સ્વાધીન સ્વભાવની હિંસા કરી, તેથી મિથ્યામાન્યતા એ જ મહાન
હિંસકભાવ છે અને તે જ મહાનમાં મહાન પાપ છે.
શ્રી પરમાત્મ પ્રકાશમાં કહ્યું છે કે:– સમ્યક્ત્વસહિત નરકવાસ પણ
ભલો છે, અને મિથ્યાત્વસહિત સ્વર્ગવાસ પણ બૂરો છે; આથી નક્કી થાય
છે કે જે ભાવે નરક મળે તે અશુભ પાપભાવ કરતાં પણ મિથ્યાત્વનું પાપ
ઘણું જ મોટું છે. આમ સમજીને જીવોએ સર્વથી પહેલાંં સાચી સમજણ વડે
મિથ્યાત્વનું મોટું પાપ ટાળવાનો ઉપાય કરવો જોઈએ.