Atmadharma magazine - Ank 030
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
: ચૈત્ર : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૧૩ :
(લેખાંક બીજો) ।। ।। (પોષ વદ ૧ : ૨૪૭૨)
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન અરિહંત સૌ જયવંત વર્તો શ્રી પ્રવચનસારજી ગાથા ૮૦
જે ખરેખર અર્હંતને જાણે છે તે પોતાના આત્માને જાણે જ છે.
। જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. ૮૦।

ગતાંકમાં કહ્યું હતું કે જે અરિહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે
છે અને તેનો મોહ ક્ષય પામે જ છે. અરિહંતને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે કઈ રીતે જાણવા અને મોહનો નાશ કઈ
રીતે થાય છે તે હવે કહેવાય છે.
શ્રીપ્રવચનસારજીની આ ૮૦–૮૧–૮૨ મી ગાથામાં આખા શાસ્ત્રનો સાર છે. અનંત તીર્થંકરોના ઉપદેશનું
રહસ્ય આમાં સમાઈ જાય છે. આચાર્યપ્રભુ ૮૨ મી ગાથામાં કહેશે કે ૮૦–૮૧ માં કહ્યું તે જ વિધિથી સર્વે
અરિહંતો મુક્ત થયા છે, બધાય તીર્થંકરો આ જ ઉપાયવડે તર્યા છે અને ભવ્યજીવોને એનો જ ઉપદેશ આપ્યો છે,
અત્યારના ભવ્ય જીવોને પણ એ જ ઉપાય વર્તે છે, એ સિવાય બીજો કોઈ ઉપાય મોહનાશ કરવા માટે નથી.
જે આત્માઓને પાત્ર થઈને પોતાની યોગ્યતાના પુરુષાર્થવડે સ્વભાવને મેળવવો છે–અને મોહનો ક્ષય
કરવો છે તે આત્માઓએ શું કરવું? તે અહીં બતાવ્યું છે. પ્રથમ તો અરિહંતને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે જાણવા.
ભગવાન અરિહંતનો આત્મા કેવો હતો, તેના આત્માના ગુણોની શક્તિ–સામર્થ્ય કેવાં હતાં અને તેમની પૂર્ણ
પર્યાયનું શું સ્વરૂપ છે–એના યથાર્થ ભાવને જે નક્કી કરે છે તે ખરેખર પોતાના જ દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપને
નક્કી કરે છે. અરિહંતને જાણતાં એમ પ્રતીત કરે છે કે “આવો જ પૂર્ણ સ્વભાવ છે, આવું જ મારૂં સ્વરૂપ છે.”
અરિહંતના આત્માને જાણતાં પોતાનો આત્મા કેવી રીતે જણાય છે તેનું હવે કારણ બતાવે છે.
‘ખરેખર જે અરિહંતને જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે કેમકે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી.
’ જેવા અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવા જ આ આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય છે. વસ્તુ, તેની શક્તિ અને
તેની હાલત જેવા અરિહંતદેવને છે તેવા જ મારે પણ છે, આમ પોતાના પૂર્ણ સ્વરૂપની જે પ્રતીત કરે તેણેં જ
અરિહંતને યથાર્થપણે જાણ્યા છે. અરિહંતના સ્વરૂપને જાણે અને પોતાના આત્માનું સ્વરૂપ ન જણાય એમ
બને નહિ.
અહીં સ્વભાવની મેળવણી કરીને કહે છે કે અરિહંતનો અને પોતાનો આત્મા સરખો જ છે તેથી જે
અરિહંતને જાણે તે પોતાના આત્માને જરૂર જાણે અને તેનો મોહ ક્ષય પામે. અહીં “અરિહંતને જાણે તે પોતાને
જાણે” એમ અરિહંતના આત્મા સાથે જ આ આત્માને કેમ મેળવ્યો, બીજા સાથે કેમ ન મેળવ્યો? “જે જગતના
આત્માઓને જાણે છે તે પોતાને જાણે છે” એમ ન કહ્યું, પરંતુ “જે અરિહંતના આત્માને જાણે છે તે પોતાના
આત્માને જાણે છે” એમ કહ્યું, તેની હવે વધારે સ્પષ્ટતા કરે છે–“વળી અર્હંતનું સ્વરૂપ, છેલ્લા તાપને પામેલા
સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ (સર્વ પ્રકારે સ્પષ્ટ) છે; તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે.”
જેમ છેલ્લો તાપ આપેલું સોનું તદ્ન ચોકખું હોય છે તેમ ભગવાન અર્હંતનો આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાયથી
સમસ્તપણે શુદ્ધ છે. આચાર્યપ્રભુ કહે છે કે અમારે તો આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવું છે, વિકાર તે આત્માનું
સ્વરૂપ નથી, આત્મા વિકાર રહિત શુદ્ધ પૂર્ણ સ્વરૂપે છે એમ દર્શાવવું છે, અને એ શુદ્ધ આત્મસ્વરૂપના પ્રતિબિંબ
સમાન શ્રી અર્હંતનો આત્મા છે કેમકે તેઓ સર્વ પ્રકારે શુદ્ધ છે. બીજા આત્માઓ સર્વ પ્રકારે શુદ્ધ નથી, * દ્રવ્ય–
ગુણથી બધા શુદ્ધ છે પરંતુ પર્યાયથી શુદ્ધ નથી માટે તે આત્માઓ ન લેતાં અર્હંતનો આત્મા જ લીધો છે.
અરિહંતના આત્માની પૂર્ણ શુદ્ધતા તો તેમની પાસે છે, અને તે શુદ્ધસ્વરૂપને જે જાણે છે તે પોતાના આત્માને
જાણે છે, અને તેનો મોહ ક્ષય પામે છે; એટલે અહીં આત્માનું શુદ્ધસ્વરૂપ જાણવાની જ વાત આવી. આત્માના
શુદ્ધ સ્વરૂપને જાણવા સિવાય મોહક્ષયનો બીજો કોઈ ઉપાય નથી.
* [સિદ્ધ ભગવાનને પણ પૂર્વે અરિહંતદશા
હતી તેથી અરિહંતનું સ્વરૂપ જાણતાં તેઓનું સ્વરૂપ પણ જણાય છે. અરિહંતદશાપૂર્વક જ સિદ્ધદશા હોય છે.]