Atmadharma magazine - Ank 030
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૧૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
દ્રવ્ય–ગુણ તો સદાય શુદ્ધ જ છે, પરંતુ પર્યાયની શુદ્ધતા કરવાની છે, પર્યાયની શુદ્ધતા કરવા માટે દ્રવ્ય–
ગુણ અને પર્યાયની શુદ્ધતાનું સ્વરૂપ કેવું છે તે જાણવું જોઈએ. અરિહંત ભગવાનનો આત્મા દ્રવ્ય–ગુણ અને
પર્યાય ત્રણે પ્રકારે શુદ્ધ છે, અને બીજા આત્માઓ પર્યાયપણે પૂર્ણ શુદ્ધ નથી માટે અરિહંતના સ્વરૂપને જાણવાનું
કહ્યું છે. જેણે અરિહંતના દ્રવ્યગુણપર્યાય સ્વરૂપને યથાર્થ જાણ્યાં તેને શુદ્ધસ્વભાવની પ્રતીત થઈ એટલે તેની
પર્યાય શુદ્ધ થવા માંડી અને તેનો દર્શન–મોહ વિનષ્ટ થયો.
સોનામાં સોળવલી શુદ્ધ દશા થવાની તાકાત છે, જ્યારે અગ્નિવડે તાપ આપીને તેની લાલપ દૂર કરવામાં
આવે ત્યારે તે શુદ્ધ થાય છે, અને એ રીતે તાપ આપતાં આપતાં છેલ્લી આંચથી તે સંપુર્ણ શુદ્ધ થાય છે–અને એ
જ સોનાનું મુળ સ્વરૂપ છે; તે સોનું પોતાના દ્રવ્ય–ગુણ પર્યાયથી પૂર્ણતાને પામ્યું છે. તેમ અરિહંતનો આત્મા પૂર્વે
અજ્ઞાનદશામાં હતો, પછી આત્મજ્ઞાન અને સ્થિરતાવડે ક્રમેક્રમે શુદ્ધતા વધારી પૂર્ણ દશા પ્રગટ કરી છે, હવે તેઓ
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેથી પૂર્ણ શુદ્ધ છે અને અનંતકાળ એ પ્રમાણે જ રહેશે, તેમને અજ્ઞાનનો, રાગદ્વેષનો કે
ભવનો અભાવ છે. આમ અરિહંતના આત્માને, તેના ગુણોને અને તેમની અનાદિ અનંત પર્યાયોને જે જાણે છે
તે પોતાના આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે અને તેનો મોહ ક્ષય પામે જ છે. અરિહંતનો આત્મા પરિસ્પષ્ટ
છે–સર્વ પ્રકારે ચોકખો છે, તેમને જાણતાં એમ થાય છે કે, અહો! આ તો મારા શુદ્ધ સ્વભાવનું જ પ્રતિબિંબ છે;
મારૂં સ્વરૂપ આવું જ છે–આમ યથાર્થ પ્રકારે ભાન થતાં શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટ થાય જ છે.
અરિહંતના આત્મા જ પૂર્ણ શુદ્ધ છે, ગણધરદેવ મુનિરાજ વગેરે આત્માઓને પૂર્ણશુદ્ધદશા નથી તેથી
તેમને જાણતાં આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. અરિહંત ભગવાનના આત્માને જાણતાં
પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન અનુમાન પ્રમાણ દ્વારા થાય છે અને તેથી શુદ્ધસ્વરૂપની જે ઊંધી માન્યતા
તે ક્ષય પામે છે. “અહો! આત્માનું સ્વરૂપ તો આવું સર્વપ્રકારે શુદ્ધ છે, પર્યાયમાં વિકાર તે પણ મારૂં સ્વરૂપ નથી.
આ અરિહંત જેવી જ પૂર્ણ દશા થવામાં જે કાંઈ બાકી રહી જાય છે તે મારૂં સ્વરૂપ નથી, જેટલું અરિહંતમાં છે
તેટલું જ મારા સ્વરૂપમાં છે.” આમ પોતાની પ્રતીતિ થઈ એટલે અજ્ઞાન અને વિકારનું કર્તૃત્વ ટળીને સ્વભાવ
તરફ વળ્‌યો. અને સ્વભાવમાં દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતા થતાં સમ્યગ્દર્શન થયું. હવે તે જ સ્વભાવના આધારે
પુરુષાર્થ દ્વારા રાગ–દ્વેષનો સર્વથા ક્ષય કરી અરિહંતપ્રભુ જેવી જ પૂર્ણદશા પ્રગટ કરીને મુક્ત થશે. માટે
અરિહંતના સ્વરૂપને જાણવું તે જ મોહક્ષયનો ઉપાય છે.
આ વાત ખાસ સમજવા જેવી છે. તેથી ખૂબ સ્પષ્ટ કરવામાં આવે છે. અરિહંત તરફથી જ ઉપાડ્યું છે.
એટલે ખરેખર તો આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ તરફથી જ ઉપાડ્યું છે. અરિહંત જેવો જ આ આત્માનો પૂર્ણ શુદ્ધ
સ્વભાવ સ્થાપીને, તેને જાણવાની વાત કરી છે, પહેલાંં પૂર્ણ શુદ્ધ સ્વભાવને જે જાણે તેને ધર્મ થાય પણ જે
જાણવાનો પુરુષાર્થ જ ન કરે તેને તો કદી ધર્મ થાય નહિ; એટલે આમાં જ્ઞાન અને પુરુષાર્થ બંને સાથે છે; તથા
સત્ નિમિત્ત તરીકે અરિહંતદેવ જ છે એમ પણ આવી ગયું.
આઠ વલું સોનું અને સોળ વલું સોનું તે બંનેનો સ્વભાવ સરખો છે, પણ વર્તમાન હાલતમાં ફેર છે. આઠ
વલા સોનામાં અશુદ્ધતા છે, તે અશુદ્ધતા કાઢવા માટે તેને સોળવલા સાથે મેળવવું જોઈએ, પણ જો તેને બારવલા
સોના સાથે મેળવે તો તેનું ખરૂં શુદ્ધ સ્વરૂપ ખ્યાલમાં આવે નહિ અને કદી તે શુદ્ધ થાય નહિ. સોળવલા સાથે
મેળવે તો સોળવલું શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે, પણ બારવલા સોનાને જ શુદ્ધ સોનું માની લ્યે તો તે કદી શુદ્ધ સોનું
પામી શકે નહિ, તેમ આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે; પરંતુ વર્તમાન હાલતમાં અશુદ્ધતા છે. અરિહંતને અને
આ આત્માને વર્તમાન હાલતમાં ફેર છે. વર્તમાન હાલતમાં જે અશુદ્ધતા છે તે દૂર કરવાની છે; તે માટે અરિહંત
ભગવાનના પૂર્ણ શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય સાથે મેળવણી કરવી જોઈએ કે ‘અહો! આ આત્મા તો કેવળજ્ઞાન
સ્વરૂપ છે, પૂર્ણ જ્ઞાનસામર્થ્ય છે અને વિકાર જરા પણ નથી, મારૂં સ્વરૂપ પણ આવું જ છે, હું પણ અરિહંત જેવા
જ સ્વભાવવાળો છું.’ આવી પ્રતીત જેણે કરી તેને હવે સ્વદ્રવ્યની પૂર્ણતામાં જ જોવાનું રહ્યું. નિમિત્તો તરફ
જોવાનું ન રહ્યું, કેમકે પોતાની પૂર્ણદશા પોતાના સ્વભાવના પુરુષાર્થમાંથી આવે છે પણ નિમિત્તમાંથી આવતી
નથી; તથા પુણ્ય–પાપ તરફ કે અધૂરીદશા તરફ પણ