Atmadharma magazine - Ank 032
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
: જેઠ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૫૧ :
દ્રવ્યો છે અને તેમ માનવાથી જ યથાર્થ વસ્તુની સિદ્ધિ થાય છે. જો આ છ સિવાય સાતમું કોઈ દ્રવ્ય હોય તો તેનું
કાર્ય બતાવી આપો! એવું કોઈ કાર્ય નથી કે જે આ છ દ્રવ્યોથી બહાર હોય, માટે સાતમું દ્રવ્ય છે જ નહિ. વળી,
જો આ છ દ્રવ્યોમાંથી એક પણ ઓછું હોય તો તે દ્રવ્યનું કાર્ય કોણ કરે તે બતાવી આપો! છમાંથી એક પણ દ્રવ્ય
એવું નથી કે જેના વગર વિશ્વ–નિયમ ચાલી શકે!
– છ દ્રવ્યો વિષે કેટલીક માહિતી –
૧–જીવ–આ જગતમાં અનંત જીવો છે. જાણપણાના ચિહ્ન (વિશેષ ગુણ) વડે જીવ ઓળખાય છે કેમકે
જીવ સિવાયના કોઈ પદાર્થોમાં જાણપણું નથી. અનંત જીવો છે તે બધાય એક બીજાથી તદ્ન જુદા છે.
૨. પુદ્ગલ–આ જગતમાં અનંતાનંત પુદ્ગલો છે, સ્પર્શ, રસ, ગંધ, રંગ એ ચિહ્ન વડે પુદ્ગલો ઓળખાય
છે, કેમકે પુદ્ગલો સિવાય અન્ય કોઈ પદાર્થોમાં સ્પર્શ, રસ, ગંધ કે રંગ નથી. ઈન્દ્રિયો દ્વારા જે જે જણાય છે તે
બધુંય પુદ્ગલ દ્રવ્યનાં બનેલાં સ્કંધો છે.
૩. ધર્મ–અહીં ‘ધર્મ’ કહેતાં આત્માનો ધર્મ ન સમજવો, પણ ‘ધર્મ’ નામનું દ્રવ્ય છે તે સમજવું. આ દ્રવ્ય
એક અખંડ છે તે આખા લોકમાં રહેલું છે. જીવ અને પુદ્ગલોને ગતિ કરતી વખતે આ દ્રવ્ય નિમિત્તરૂપ
ઓળખાય છે.
૪. અધર્મ–અહીં ‘અધર્મ’ કહેતાં આત્માના દોષ ન સમજવા પરંતુ ‘અધર્મ’ નામનું દ્રવ્ય સમજવું. આ
એક–અખંડ દ્રવ્ય છે તે આખા લોકમાં રહેલું છે. જીવ અને પુદ્ગલો ગતિ કરીને જ્યારે સ્થિર થાય છે ત્યારે આ
દ્રવ્ય નિમિત્તરૂપ ઓળખાય છે.
૫. આકાશ–આ એક અખંડ સર્વવ્યાપક દ્રવ્ય છે. બધા પદાર્થોને જગ્યા આપવાના નિમિત્તરૂપ આ દ્રવ્ય
ઓળખાય છે. આ દ્રવ્યના જેટલા ભાગમાં અન્ય પાંચે દ્રવ્યો રહેલાં છે તેટલા ભાગને ‘લોકાકાશ’ કહેવાય છે,
અને જેટલો ભાગ અન્ય પાંચ દ્રવ્યોથી ખાલી છે તેને ‘અલોકાકાશ’ કહેવાય છે. ‘ખાલી જગ્યા’ કહેવાય છે તેનો
અર્થ ‘એકલું આકાશ’–એવો થાય છે.
૬. કાળ–અસંખ્ય કાળ દ્રવ્યો છે, આ લોકના અસંખ્ય પ્રદેશો છે તે દરેક પ્રદેશ ઉપર એક એક કાળ–દ્રવ્ય
રહેલું છે. અસંખ્ય કાળાણુઓ છે તે બધાય એક બીજાથી છુટા છે. વસ્તુમાં રૂપાંતર (ફેરફાર) થવામાં નિમિત્તરૂપ
આ દ્રવ્ય ઓળખાય છે.
આ છ દ્રવ્યોને સર્વજ્ઞ સિવાય કોઈ પણ પ્રત્યક્ષ જાણી શકે નહિ. સર્વજ્ઞદેવે જ આ છ દ્રવ્યો જાણ્યા છે અને
તેઓએ જ તેનું સાચું સ્વરૂપ કહ્યું છે, તેથી સર્વજ્ઞના સત્ય માર્ગ સિવાય અન્ય કોઈ જગ્યાએ છ દ્રવ્યોનું સ્વરૂપ
હોઈ શકે જ નહિ; કેમકે બીજા અપૂર્ણ જીવો તે દ્રવ્યોને જાણી શકે નહિ; માટે છ દ્રવ્યના સ્વરૂપની સાચી સમજણ
કરવી જોઈએ.
– ટોપી ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ –
જુઓ, આ લુગડાની ટોપી છે, તે અનંત પરમાણુઓ ભેગા થઈને બનેલી છે અને તે ફાટી જતાં
પરમાણુઓ છૂટા થાય છે, આ રીતે ભેગા થવું અને છુટા થવું એવો પુદ્ગલનો સ્વભાવ છે; વળી આ ટોપી સફેદ
છે, બીજી કોઈ કાળી, રાતી વગેરે રંગની ટોપી પણ હોય છે; રંગ એ પુદ્ગલ દ્રવ્યનું ચિહ્ન છે, તેથી નજરે દેખાય
છે તે પુદ્ગલ દ્રવ્ય છે (૧). ‘આ ટોપી છે પણ ચોપડી નથી’ એમ જાણનાર જ્ઞાન છે અને જ્ઞાન તે જીવનું ચિહ્ન
છે તેથી જીવ પણ સિદ્ધથયો. (૨). હવે વિચારીએ કે ટોપી ક્યાં રહેલી છે? જો કે નિશ્ચયથી તો ટોપી ટોપીમાં જ
છે, પરંતુ ટોપી ટોપીમાં જ છે એમ કહેવાથી ટોપીનો બરાબર ખ્યાલ ન આવી શકે, તેથી નિમિત્ત તરીકે “અમુક
જગ્યામાં ટોપી રહેલી છે” એમ ઓળખાવાય છે. ‘જગ્યા’ કહેવાય છે તે આકાશદ્રવ્યનો અમુક ભાગ છે આ રીતે
આકાશદ્રવ્ય સિદ્ધ થયું–(૩).
ધ્યાન રાખજો, હવે આ ટોપી બેવડી વળે છે. ટોપી જ્યારે સીધી હતી ત્યારે આકાશમાં હતી અને બેવડી
છે ત્યારે પણ આકાશમાં જ છે, તેથી આકાશના નિમિત્ત વડે ટોપીનું બેવડાપણું ઓળખી શકાતું નથી. તો પછી
ટોપીની બેવડી થવાની ક્રિયા થઈ તેને કયા નિમિત્ત વડે ઓળખશું? ટોપી બેવડી થઈ એટલે કે પહેલાંં તેનું ક્ષેત્ર
લાંબુ હતું હવે તે ટુંકા ક્ષેત્રમાં રહેલી છે–આ રીતે ટોપી ક્ષેત્રાંતર થઈ છે અને તે ક્ષેત્રાંતર થવામાં જે વસ્તુ નિમિત્ત
છે તે ધર્મદ્રવ્ય છે– (૪). હવે ટોપી વળાંકરૂપે સ્થિર પડી છે, તો સ્થિર પડી છે એમાં તેને કોણ નિમિત્ત છે?
આકાશ દ્રવ્ય તો માત્ર જગ્યા આપવામાં નિમિત્ત છે. ટોપી ચાલે કે સ્થિર રહે તેમાં આકાશનું નિમિત્ત નથી;
જ્યારે ટોપીએ સીધી દશામાંથી વાંકી દશારૂપે થવા માટે ગમન કર્યું ત્યારે ધર્મદ્રવ્યનું નિમિત્ત હતું, તો હવે સ્થિર
રહેવાની ક્રિયામાં તેના કરતાં વિરુદ્ધ નિમિત્ત જોઈએ, ગતિમાં ધર્મદ્રવ્ય નિમિત્ત હતું હવે સ્થિર રહેવામાં