: અષાઢ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૭૧ :
(ખ) અગૃહિતમિથ્યાત્વ= જે મિથ્યાત્વ અનાદિ કાળથી ચાલ્યું આવતું હોય તેને અગૃહિતમિથ્યાત્વ કહેવાય છે.
પ્રતિજીવીગુણ= વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે–જેમકે નાસ્તિત્વ.
બંધ=અનેક ચીજોમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા સંબંધ વિશેષને બંધ કહે છે.
ભાવહિંસા=આત્મામાં અજ્ઞાન, રાગ, દ્વેષ આદિ વિકારી ભાવો થાય તે ભાવહિંસા છે.
સમુદ્ઘાત=મૂળ શરીરને છોડયા વગર આત્મપ્રદેશોનું બહાર નીકળવું તે સમુદ્ઘાત છે.
પ્રશ્ન – ૫
નીચેનું દરેક વાક્ય સમજપૂર્વક કહેનાર, દ્રવ્યના સામાન્ય ગુણોમાંથી કયા ગુણનો સ્વીકાર કરે છે તે લખો:–
(૧) સુખ પ્રાપ્ત કરવું તે દરેક જીવનું પ્રયોજન છે.
(૨) હું નાનો હતો ત્યારે મારામાં ઓછું જ્ઞાન હતું, પણ ધીમે ધીમે તેમાં વિકાસ થઈ રહ્યો છે.
(૩) સિદ્ધત્વને પ્રાપ્ત થયેલ દરેક આત્માને પોતાનો આકાર હોય છે.
(૪) ગમે તેવો આકરો રોગ શરીરમાં આવી પડે છતાં મારા એક પણ ગુણનો તે નાશ કરી શકે નહિ.
(૫) વિકાર ક્ષણિક હોવાથી તેને ટાળીને હું નિર્વિકારી થઈ શકું છું.
(૬) આ જગતનો કોઈ પણ કર્તા નથી.
(૭) કર્મનો તીવ્ર ઉદય હોવા છતાં આત્માનો જ્ઞાનગુણ ક્યારેય પણ સર્વથા નાશ પામતો નથી.
(૮) મારો આત્મા મારું જ્ઞેય છે તેથી હું મને જાણી શકું.
ઉત્તર – ૫
(૧) ‘સુખ પ્રાપ્ત કરવું તે દરેક જીવનું પ્રયોજન છે’ એમ સમજનાર વસ્તુત્વગુણને સ્વીકારે છે.
(૨) ‘હું નાનો હતો ત્યારે મારામાં ઓછું જ્ઞાન હતું, પણ ધીમે ધીમે તેમાં વિકાસ થઈ રહ્યો છે’ એમ સમજનાર
દ્રવ્યત્વગુણને સ્વીકારે છે.
(૩) ‘સિદ્ધત્વને પ્રાપ્ત થયેલ દરેક આત્માને પોતાનો આકાર હોય છે’ એમ સમજનાર પ્રદેશત્વગુણને સ્વીકારે છે.
(૪) ‘ગમે તેવો આકરો રોગ શરીરમાં આવી પડે છતાં મારા એક પણ ગુણનો તે નાશ કરી શકે નહિ’ એમ
સમજનાર અગુરુ લઘુત્વગુણને સ્વીકારે છે.
(૫) ‘વિકાર ક્ષણિક હોવાથી તેને ટાળીને હું નિર્વિકારી થઈ શકું છું’ એમ સમજનાર દ્રવ્યત્વગુણને સ્વીકારે છે.
(૬) ‘આ જગતનો કોઈ પણ કર્તા નથી’ એમ સમજનાર અસ્તિત્વગુણને સ્વીકારે છે.
(૭) ‘કર્મનો તીવ્ર ઉદય હોવા છતાં આત્માનો જ્ઞાન ગુણ ક્યારેય પણ સર્વથા નાશ પામતો નથી’ એમ
સમજનાર અગુરુલઘુત્વગુણને સ્વીકારે છે.
(૮) ‘મારો આત્મા મારું જ્ઞેય છે તેથી હું મને જાણી શકું’ એમ સમજનાર પ્રમેયત્વગુણને સ્વીકારે છે.
(નોંધ:– અહીં આપવામાં આવેલા ઉત્તરો નીચેના વિદ્યાર્થીઓ તરફથી મળેલા જવાબોમાંથી આપવામાં આવ્યા છે.)
૧. પ્રાણલાલ પોપટલાલ શાહ લાઠી માર્ક ૪૭
૨. પ્રવીણચંદ્ર શામજી પારેખ લાઠી માર્ક ૪૭
૩. બિપિનચંદ્ર લાભશંકર મહેતા રાજકોટ માર્ક ૪૬
૪. મહાસુખ ભાઈચંદ શાહ વીંછીયા માર્ક ૪૬
નાના વિદ્યાર્થીઓ માટે કુલ માર્ક–૪૦
પ્ર. (૧) દ્રવ્યનાં ભેદ કેટલાં છે, તેનાં નામ આપો.
ઉ. (૧) દ્રવ્યનાં છ ભેદ છે, ૧. જીવ ૨. પુદ્ગલ ૩. ધર્માસ્તિકાય ૪. અધર્માસ્તિકાય ૫. આકાશ અને ૬. કાળ.
પ્ર. (૨) મુખ્ય સામાન્યગુણોનાં નામ લખો.
ઉ. (૨) અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ એ મુખ્ય સામાન્યગુણો છે.
પ્ર. (૩) વર્ગણા કેટલા પ્રકારની છે, તેમાંની મુખ્ય વર્ગણાનાં નામ જણાવો.
ઉ. (૩) વર્ગણા બાવીસ પ્રકારની છે, તેમાં આહાર–વર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને
કાર્મણવર્ગણા મુખ્ય છે.
પ્ર. (૪) અસ્તિકાય દ્રવ્યો કયા કયા છે?
ઉ. (૪) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યો અસ્તિકાય છે.
પ્ર. (૫) પરિણમનહેતુત્વ કયા દ્રવ્યનો વિશેષગુણ છે?
ઉ. (૫) પરિણમનહેતુત્વ એ કાળદ્રવ્યનો વિશેષગુણ છે.
પ્ર. (૬) જે દ્રવ્યમાં બધાં બાકીનાં દ્રવ્યો રહેતાં હોય તેનું નામ જણાવો.
ઉ. (૬) આકાશદ્રવ્યમાં બધાં દ્રવ્યો રહે છે. ખરેખર તો દરેક દ્રવ્ય પોત પોતામાં જ રહ્યું છે, કોઈ દ્રવ્ય બીજા
દ્રવ્યમાં રહેતું નથી, પણ વ્યવહારે બોલાય છે.