Atmadharma magazine - Ank 034
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૧૮૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
ભેદજ્ઞાન
[પરમ પૂજ્ય કાનજી સ્વામીના શ્રી સમયપ્રાભૃત ગાથા – ૨૯૪ – ઉપરના વ્યાખ્યાનોનો ટૂંક સાર]
– ભગવતી પ્રજ્ઞા –
આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે? એમ પૂછવામાં આવતાં તેનો ઉત્તર કહે છે–
જીવ બંધ બન્ને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.
જીવ અને બંધભાવને જુદા કરવા તે આત્માનું કાર્ય છે અને તેનો કરનારો આત્મા છે. મોક્ષ તે આત્માની
પવિત્ર દશા છે અને તે દશારૂપે થનાર આત્મા છે. પરંતુ તે રૂપે થવાનું સાધન શું, ઉપાય શું? તેના ઉત્તરમાં કહે
છે કે આ ભગવતી પ્રજ્ઞા વડે જ આત્માના સ્વભાવને અને બંધભાવને જુદા જાણીને છેદવામાં આવતાં મોક્ષ થાય
છે. આત્માનો સ્વભાવ બંધનથી રહિત છે એમ જાણનારૂં સમ્યગ્જ્ઞાન તે જ બંધ અને આત્માને જુદા પાડવાનું
સાધન છે, અહીં ‘ભગવતી’ વિશેષણ વડે તે સમ્યગ્જ્ઞાનનો આચાર્યદેવે મહિમા કર્યો છે.
– ચેતક – ચેત્યપણું –
આત્મા અને બંધના ચોક્કસ લક્ષણો જુદા છે, તે વડે તેમને જુદા જુદા ઓળખવા. આત્માને અને બંધને
ચેતક–ચેત્ય સંબંધ છે, અર્થાત્ આત્મા જાણનાર–ચેતક છે અને બંધભાવ તેના જ્ઞાનમાં જણાય છે તેથી ચેત્ય છે.
બંધભાવમાં ચેતકપણું નથી અને ચેતકપણામાં બંધભાવ નથી. બંધભાવ પોતે કાંઈ જાણતા નથી, પણ આત્મા
પોતાના ચેતક સ્વભાવ વડે જાણે છે. આત્માનો ચેતક સ્વભાવ હોવાથી અને બંધ ભાવોનો ચેત્યસ્વભાવ
હોવાથી, આત્માનાં જ્ઞાનમાં બંધભાવ જણાય છે ખરા; ત્યાં બંધભાવને જાણતાં અજ્ઞાનીને ભેદજ્ઞાનના અભાવને
લીધે જ્ઞાન અને બંધભાવ એક જેવા ભાસે છે; ચેતક–ચેત્યપણાને લીધે તેમને અત્યંત નિકટપણું હોવા છતાં
બંનેના લક્ષણ જુદા જુદા છે. ‘અત્યંત નિકટ’ કહેતાં જ જુદાપણું આવી જાય છે.
ચેતક–ચેત્યપણાને લીધે અત્યંત નિકટપણું હોવાથી આત્મા અને બંધના ભેદજ્ઞાનના અભાવને લીધે
તેમનામાં એકપણાનો વ્યવહાર કરવામાં આવે છે, પરંતુ ભેદજ્ઞાન વડે તે બંનેનું ભિન્નપણું સ્પષ્ટ જણાય છે.
પર્યાયમાં જોતાં બંધ અને જ્ઞાન એક સાથે હોય તેમ દેખાય છે પરંતુ દ્રવ્યસ્વભાવથી જોતાં બંધ અને જ્ઞાન જુદાં
દેખાય છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે અને બંધ તે બહાર જતી વિકારી લાગણી છે.
– બંધભાવ અને જ્ઞાની ભિન્નતા –
બંધભાવ આત્માની અવસ્થામાં થાય છે, તે કાંઈ પરમાં થતા નથી. તે બંધભાવની લાગણી આત્માના
સ્વભાવ સાથે એકમેક હોય તેમ અજ્ઞાનીને લાગે છે. અંતર સ્વરૂપ શું અને બહાર જતી લાગણી શું–તેના
સૂક્ષ્મભેદના અભાનને લીધે જ્ઞાનના ઘોલનમાં તે લાગણી જાણે કે એકમેક થઈ જતી હોય તેમ અજ્ઞાનીને દેખાય
છે અને તેથી બંધભાવથી જુદું જ્ઞાન અનુભવમાં આવતું નથી અને બંધનો છેદ થતો નથી. જો બંધ અને જ્ઞાનને
જુદા જાણે તો જ્ઞાનની એકાગ્રતાવડે બંધનનો છેદ કરે.
રાગ અનેક પ્રકારનો છે અને સ્વભાવ એક પ્રકારનો છે. પ્રજ્ઞાવડે બધાય પ્રકારના રાગથી આત્માને જુદો
પાડવો. આ મોક્ષનો ઉપાય છે.
રાગ અને આત્મા જુદા છે એમ કહ્યું, ‘જુદા’ એટલે શું? આત્મા અહીં અને રાગ તેનાથી દસ ફૂટ દૂર
એમ ક્ષેત્રથી જુદાપણું નથી, પરંતુ ભાવથી જુદાપણું છે. રાગાદિ બંધભાવો આત્માની ઉપર ઉપર તરે છે પરંતુ
અંદર પ્રવેશતા નથી એટલે કે ક્ષણિક રાગભાવ હોવા છતાં તે ત્રિકાળ સ્વભાવ રાગરૂપ નથી તેથી વિકાર તે
સ્વભાવની ઉપર તરે છે એમ કહ્યું છે. વિકાર અને સ્વભાવને ભિન્ન જાણવાથી જ મોક્ષ થાય છે, અને તે માટે
પ્રજ્ઞા જ સાધન છે. પ્રજ્ઞા એટલે સમ્યગ્જ્ઞાન.
– પ્રજ્ઞાછીણી –
સમયસાર–સ્તુતિમાં પણ કહ્યું છે કે– ‘તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા’ જ્ઞાન એટલે
આત્માનો સ્વભાવ અને ઉદય એટલે બંધભાવ. સ્વભાવ અને બંધભાવની બધી સંધિને છેદવા માટે આત્માની
પ્રજ્ઞાછીણી તે જ સાધન છે. જ્ઞાન અને. રાગ બંને એક પર્યાયમાં વર્તતા હોવા છતાં બંનેના લક્ષણ કદી એક થયા
નથી, બન્ને પોતપોતાના સ્વ લક્ષણોમાં ભિન્ન ભિન્ન છે–એમ લક્ષણભેદ વડે તેમને જુદા ઓળખીને તેમની સૂક્ષ્મ
અંતરસંધિમાં પ્રજ્ઞારૂપી છીણીને પટકવાથી તેઓ અવશ્ય જુદા પડે છે.