Atmadharma magazine - Ank 035
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૧૯૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
આત્મામાં જે વિકાર થાય છે તે
આત્માનો સ્વભાવ નથી પણ
વિભાવ છે અને વિભાવભાવ
સ્વલક્ષે ન થાય પણ પરલક્ષે જ
થાય. આ રીતે વિકારી બંધભાવ
આત્માનું સ્વરૂપ નથી પણ પર લક્ષે
થતો વિભાવ છે એમ જ્ઞાન કરાવવા
માટે તેમાં કર્મને નિમિત્ત કહેવામાં
આવે છે.
૪૨. પ્ર. –આત્માના અનંત
ધર્મોમાંથી થોડાનાં નામ આપો–
ઉ. –જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, સુખ,
વીર્ય, કર્તૃત્વ ભોક્તૃત્વ, અસ્તિત્વ,
વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ,
પ્રદેશત્વ, અગુરુલઘુત્વ વગેરે
આત્માના અનંત ધર્મો છે. અનંત
પરદ્રવ્યો છે તે દરેકથી પોતાનું
જુદાપણું ટકાવી રાખવારૂપ અનંત
અન્યત્વ ધર્મ આત્મામાં છે.
૪૩. પ્ર. –પર્યાય શું છે?
ઉ. –વસ્તુના ગુણોનું ત્રણેકાળે
દરેક સમયનું પરિણમન તે પર્યાય
છે.
૪૪. પ્ર. –એક પર્યાયનો નાશ
થવા છતાં ગુણનો નાશ કેમ થતો
નથી?
ઉ. –કેમકે પર્યાય પોતે ગુણ
નથી, પરંતુ ગુણનું પરિણમન છે,
તેથી જે સમયે એક પર્યાયનો નાશ
થાય છે તે જ સમયે ગુણ બીજા
પર્યાયરૂપે પરિણમી જાય છે. આ
રીતે પર્યાય બદલાયા જ કરે છે
છતાં ગુણ તો બધા પર્યાયોમાં
કાયમ ટકી રહે છે.
૪૫. પ્ર. –સિદ્ધપ્રભુમાં અને
તમારા આત્મામાં કયા પ્રકારે ભેદ
છે?
ઉ. –દ્રવ્ય અપેક્ષાએ તો જેવા
સિદ્ધભગવાન છે તેવો જ મારો
આત્મા છે, સ્વભાવ બંનેનો સરખો
છે, પરંતુ સિદ્ધભગવાનને પર્યાયમાં
પણ સંપૂર્ણ શુદ્ધતા પ્રગટી છે અને મારે
હજી પર્યાયમાં અશુદ્ધતા છે; પર્યાય
અપેક્ષાએ ફેર છે.
૪૬. પ્ર. –સાધક ધર્માત્માજીવ
પોતાને દ્રવ્યદ્રષ્ટિથી તથા પર્યાયદ્રષ્ટિથી
કેવો સ્વીકારે છે?
ઉ. –સાધક ધર્માત્મા દ્રવ્યદ્રષ્ટિથી તો
પોતાને શુદ્ધ સિદ્ધસમાન સ્વીકારે છે
અને પર્યાયદ્રષ્ટિથી, મારી પર્યાયમાં
અંશે શુદ્ધતા પ્રગટી હોવા છતાં હજી
નિરંતર મલિન થઈ રહી છે–એમ જાણે
છે; અને દ્રવ્યદ્રષ્ટિના જોરે તે અશુદ્ધતા
ટાળવા માગે છે.
૪૭. પ્ર. –મંગળિકમાં શુદ્ધાત્માને
નમસ્કાર કઈ રીતે કર્યા છે?
ઉ. –નમસ્કાર તે શરીરની ક્રિયા
નથી પરંતુ આત્માના ભાવ છે જેની
જેને રુચિ હોય તેને તે નમસ્કાર કરે.
નમસ્કાર એટલે અંતરથી આદરસત્કાર,
તે તરફનું વલણ. જેને નમસ્કાર કરવા
હોય તેનું સાચું સ્વરૂપ સમજ્યા વગર
સાચા નમસ્કાર થઈ શકે નહિ. અહીં
પ્રથમ શુદ્ધાત્માનું સ્વરૂપ ઓળખીને તેને
નમસ્કાર કર્યા છે. જેણે શુદ્ધાત્માનું
સ્વરૂપ ઓળખીને તેને નમસ્કાર કર્યા
તે હવે વિકારીભાવ પુણ્ય પાપ વગેરેનો
આદર ન કરે. નમસ્કાર કરતાં પોતાના
શુદ્ધાત્મસ્વરૂપને લક્ષમાં લીધું તે જ
પ્રથમ નમસ્કાર છે. અનાદિથી વિકારનો
આદર કરતો હવે સ્વભાવનો આદર
કર્યો. આવો સાચો નમસ્કાર તે ધર્મ છે.
૪૮. પ્ર. –શુદ્ધાત્માને નમસ્કાર કર્યા
તેમાં માંગળિક શું થયું?
ઉ. –અનાદિકાળથી પોતાને
વિકારીપણે માનીને આકુળતાના દુઃખને
જ ભોગવતો હતો; હવે પોતાના
શુદ્ધાત્મસ્વભાવને લક્ષમાં લઈને તેનો
આદર કર્યો અને વિકારનો આદર
ટાળ્‌યો, તેની અશુદ્ધતાનો અંશે નાશ
થયો અને અંશે શુદ્ધતા પ્રગટ થઈ–તે જ
મંગળિકસ્વરૂપ છે. પહેલાંં મિથ્યાશ્રદ્ધાને
લીધે ક્ષણેક્ષણે ભાવ–મરણથી દુઃખી
હતો, હવે સાચી સમજણ વડે તે
ઊંધી શ્રદ્ધા ટાળીને મોક્ષમાર્ગ તરફ
વલણ કર્યું તે જ મહામંગળ છે.
૪૯. પ્ર. –વિકારથી આત્મા
‘કથંચિત્’ ભિન્ન છે એમ શા માટે
કહ્યું છે?
ઉ. –વિકાર તે આત્માની
પર્યાયમાં થાય છે, કાંઈ જડમાં
થતો નથી, પરંતુ વિકાર તે
આત્માનો સ્વભાવ નથી;
સ્વભાવમાં વિકાર નથી તેથી
વિકારથી આત્માને કથંચિત્ ભિન્ન
કહ્યો છે. પરદ્રવ્યથી આત્મા સર્વથા
ભિન્ન છે પરંતુ વિકારથી કથંચિત્
ભિન્ન છે એટલે કે સ્વભાવ
અપેક્ષાએ વિકારથી ભિન્ન છે અને
પર્યાય અપેક્ષાએ વિકાર આત્મામાં
થાય છે.
૫૦. પ્ર. –આત્માના સજાતીય
અને વિજાતીય દ્રવ્યો કયા કયા
છે?
ઉ. –આ આત્મા સિવાય બીજા
અનંત આત્માઓ છે તે સજાતીય
દ્રવ્યો છે એટલે કે જાતી અપેક્ષાએ
તેઓ સરખાં છે; અને બીજાં જે
અજીવ દ્રવ્યો છે તે બધાય
વિજાતીય છે એટલે કે આત્માથી
વિરુદ્ધ લક્ષણવાળાં–જડ છે.
૫૧. પ્ર. –પંચ પરમેષ્ઠિમાં દેવ
કેટલા અને ગુરુ કેટલા?
ઉ. –અરિહંત અને સિદ્ધ એ બે
દેવ છે તથા આચાર્ય, ઉપાધ્યાય
અને સાધુ એ ત્રણ ગુરુ છે.
૫૨. પ્ર. –તેઓને પરમેષ્ઠિ શા
માટે કહ્યા?
ઉ. –આત્માને પરમ ઈષ્ટ એવું
નિર્મળપદ તેઓ પામેલા છે અર્થાત્
પરમ આત્મ સ્વરૂપમાં તેઓ સ્થિત
છે તેથી તેઓ પરમેષ્ઠિ છે.