Atmadharma magazine - Ank 035
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૨૦૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
વળી શ્રી વર્દ્ધમાન દેવને નમસ્કાર હો; ‘વર્ધમાન’ કહેતાં છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર છે.
–અથવા તો બધાય તીર્થંકરો આત્મસ્વરૂપની લક્ષ્મી વડે વર્ધમાન જ હતા, તે અનંત તીર્થંકરોને નમસ્કાર છે.
૭. આવા નમસ્કાર કરનારે કેટલું પ્રતીતમાં લીધું? એકેક આત્મા પરિપૂર્ણ સ્વભાવે છે, તે સ્વભાવને
સમજનારા સમ્યગ્દ્રષ્ટિ ‘જિન’ છે, તે સ્વભાવની વિશેષ રમણતારૂપ ચારિત્રદશાવાળા મુનિ ‘જિનવર’ છે તેમજ
સ્વભાવની પૂર્ણ એકાગ્રતા કરીને કેવળજ્ઞાન પામનારા ‘જિનવરવૃષભ’ છે અને એવા અનંત થયા છે; આ રીતે
વસ્તુસ્વભાવ અને સમ્યગ્દર્શન, ચારિત્ર, કેવળજ્ઞાન એવી નિર્મળદશાઓ તથા તે દશા પામનારા અનંત કેવળી
ભગવાનોની પ્રતીતનો ભાવ જેણે પોતાની એક પર્યાયમાં સમાડયો તેણે જ સાચા નમસ્કાર કર્યા છે. –હું પણ હવે
પરિપૂર્ણ દશા પામવા તૈયાર થયો છું. એમ પોતાના ભાવની પ્રતીત સહિત નમસ્કાર કર્યો છે. આ પ્રમાણે
મંગલાચરણ કર્યું છે. –૧.
(વૈશાખ સુદ – ૭) – ગાથા – ૨ –
૮. સર્વજ્ઞભગવાને ગણધરાદિક શિષ્યોને જે ધર્મ ઉપદેશ્યો છે તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેને સ્વકર્ણવડે
સૂણ્યા પછી દર્શનરહિત પુરુષ વદન કરવા યોગ્યનથી.
પુણ્યથી ધર્મ થાય, દેહથી ધર્મ થાય–એમ જે માને તે દર્શનરહિત છે, તેને વંદન કરવાથી અધર્મ થાય, પાપ
થાય, જૈનદર્શનની વિરાધના થાય અને પોતાના આત્માનો અપરાધ થાય છે. ધર્મનું મૂળ તો સમ્યગ્દર્શન છે;
સમ્યગ્દર્શન ન હોય ત્યાં ત્યાગ, આચાર, જાણપણું, વૈરાગ્ય, પડિમા વગેરે બધુંય મિથ્યા છે.
૯. પ્રથમ ધર્મ સમ્યગ્દર્શન જ છે, સમ્યગ્દર્શન જ બધા ધર્મોનું મૂળ છે. બધા ધર્મો એટલે જૈન અને જૈનેતર
એ બધા–એમ ન સમજવું, પરંતુ આત્માના જ્ઞાન, ચારિત્ર વગેરે બધા ધર્મો સમજવા. સર્વજ્ઞદેવે કહેલા વસ્તુ–
સ્વરૂપના મત સિવાય અન્ય કલ્પિત મતોમાં ક્યાંય ધર્મનો અંશ પણ નથી, અને સર્વજ્ઞના મતમાં પણ
સમ્યગ્દર્શન વગર કદાપિ ધર્મ નથી.
એક જૈનમાર્ગમાં જ ધર્મ છે અને તે પણ એક જ પ્રકારનો ધર્મ છે. તે ધર્મનું–જ્ઞાનધર્મ, ચારિત્રધર્મ,
ત્યાગધર્મ, સંયમધર્મ, તપધર્મ, ભક્તિધર્મ, દયાધર્મ, પ્રભાવનાધર્મ, દાનધર્મ વગેરે બધા ધર્મનું મૂળ એક
સમ્યગ્દર્શન જ છે. જો સમ્યગ્દર્શન ન હોય તો તે કોઈ ધર્મ હોતા નથી.
૧૦. પ્રશ્ન:– ત્યાગથી મુક્તિ થાય કે વ્યવહારથી?
ઉત્તર:– સમ્યગ્દર્શનથી જ મુક્તિ થાય. તે સિવાય ત્યાગથી કે વ્યવહારથી કોઈ રીતે મુક્તિ થાય નહિ.
સમ્યગ્દર્શન વગર સાચો ત્યાગ કે વ્યવહાર હોઈ જ ન શકે. મૂળ વગર ઝાડ નહિ, પાયા વગર મકાન નહિ, તેમ
સમ્યગ્દર્શન વગર ધર્મ નહિ.
આત્મા સત્તાસ્વરૂપ વસ્તુ છે, તેનો યથાર્થ ભાસ થવો જોઈએ. આત્મસ્વરૂપની પરથી ભિન્નતાનું ભાન ન
હોય તેને આત્માનો કોઈ જાતનો ધર્મ હોતો નથી.
૧૧. સમ્યગ્દર્શન એ જ ધર્મ છે અને પૂજા વગેરે રાગની ક્રિયા છે તે ધર્મ નથી. શુભભાવ છોડીને અશુભ
કરવાં એમ કહેતાં નથી પરંતુ જો શુભરાગમાં ધર્મ માને તો તે સમ્યક્ત્વરહિત મિથ્યાદ્રષ્ટિ છે, તેને વંદન કરવાથી
મિથ્યાત્વનું પાપ લાગે છે, ધર્મ સમજ્યા વગર પુણ્ય કરે તો તે સીધો નરક–નિગોદ ન જતાં પ્રથમ સ્વર્ગાદિમાં
જઈને પછી હલકી ગતિમાં રખડે.
દર્શન વગરનો ધર્મ ભગવાને કહ્યો નથી. વ્રત કે પડિમાને ભગવાને ધર્મનું મૂળ કહ્યું નથી. સમ્યગ્દર્શનનું
સ્વરૂપ જાણ્યા વગર, પુણ્યથી ધર્મ થાય એ વગેરે માનનારા મિથ્યાદ્રષ્ટિ મૂઢ જીવો છે, તેઓ જૈનદર્શનના મતના નથી.
૧૨. સત્યની સાચી પરીક્ષા કર્યા વગર જ્યાં ત્યાં વંદનાદિ કરવાની શાસ્ત્ર ના પાડે છે. આમાં પરને માટે
નથી. પર જીવનું મિથ્યાત્વ તો તેની પાસે રહ્યું પરંતુ જિજ્ઞાસુ જીવે પોતે ધર્મ–અધર્મની પરીક્ષા કરી નિર્ણય કરવો
જોઈએ, સત્યનો નિર્ણય કરાવવા માટે આ સમજાવ્યું છે, કહેવત છે કે ‘બગડેલું દૂધ છાશમાંથી પણ જાય’ એટલે
કે જે દૂધ બગડી ગયું હોય તે ખાવામાં કામ ન આવે, પણ સારી છાશ હોય તોપણ તેની સાથે રોટલા ખાઈ
શકાય; તેમ આત્મસ્વરૂપના ભાન વગર ત્યાગી અને સાધુ નામ ધરાવે પરંતુ તેઓ શ્રદ્ધાભ્રષ્ટ હોવાથી બગડેલા
દૂધ સમાન છે, તેમની પાસેથી ધર્મની આશા રાખવી નહિ કેમકે તેઓ પોતે જ ધર્મરહિત છે. શરીરની ક્રિયાથી
આત્માના પરિણામ સુધરે એમ માનનાર અજ્ઞાનીને વંદન કરવાથી પાપ છે. પરંતુ કોઈ જીવ સમ્યગ્દર્શન સહિત
હોય પણ વ્રત, ત્યાગ વગેરે ન હોય તે ‘સારી છાશ’ ની જેમ ધર્માત્મા છે, વંદનીક છે.