Atmadharma magazine - Ank 035
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૨૦૧ :
જે સમજેલો જ છે, તેમાં તે નવીન શું કર્યું? તમને આત્મા ન સમજાય એટલે કે તમે બધા મૂઢ અજ્ઞાની રહેવા
લાયક છો. આવા ઉપદેશકોને જે ગુરુ માને અને તેને વંદનાદિ કરે તેઓ મિથ્યાત્વને જ વંદન કરે છે અને
મિથ્યાત્વ પાપનું જ પોષણ કરે છે.
૨૩. કોઈ બચાવ કરે કે પૂર્વે જેને અજ્ઞાનપણે ગુરુ માન્યા હોય તે સામા મળે તો વંદન કરવું જોઈએ ને!
તેનું સમાધાન–ભાઈ રે! પૂર્વે અજ્ઞાનદશામાં પાડો પણ તારો બાપ અનંતવાર થઈ ગયો, તો પાડાને કેમ વંદન
કરતો નથી? કેમકે પર્યાય ફરી ગઈ છે તેથી ત્યાં વિવેક રાખે છે. તો અહીં પણ હવે અજ્ઞાનદશા ફરીને જ્ઞાન દશા
થઈ ગઈ તે હવે કદાપિ અજ્ઞાની કુગુરુ વગેરેને નમસ્કાર કરે નહિ. જો પહેલાંંની જેમ જ ચલાવ્યે રાખે તો
અજ્ઞાનદશામાં અને જ્ઞાનદશામાં ફરક શું પડ્યો? જેને ગુણ અવગુણનો નિર્ણય થાય તેને સાચા ખોટાનો વિવેક
થયા વગર રહે જ નહીં.
૨૪. પ્રભુ! અનંતકાળે આત્મસ્વરૂપ સમજવાનાં ટાણાં આવ્યા અને જો સમ્યગ્દર્શન વડે સાચું નહિ સમજ
તો કોઈ તને શરણભૂત નથી; પુણ્ય પાપરહિત ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ વગરનાં તારા ત્યાગ વગેરે બધું
મફતનું છે, તેનાથી સંસાર દુઃખનો અંત નહિ આવે.
૨૫. જેવો આત્મસ્વભાવ છે તેવી જ તેની પ્રતીત કરી તે સમ્યગ્દર્શન છે, તે જ અહિંસા, સત્ય વગેરે
ધર્મનું મૂળ છે. વસ્તુસ્વભાવના ભાનદ્વારા સમ્યગ્દર્શન કર્યા વગર કોઈ પણ જીવને કદાપિ અહિંસા કે સત્ય હોઈ
શકે જ નહિ, પરંતુ અજ્ઞાનપણે મિથ્યાત્વરૂપ મહા હિંસા અને અસત્યનું જ નિરંતર સેવન હોય.
આત્મસમજણવગરનું લૌકિક સત્ય તે પણ હિંસા જ છે. પરજીવોનું કાંઈ કરી શકું એમ માનવું તે મિથ્યાત્વ છે, તે
સર્વ પાપનું મૂળ છે.
૨૬. જે જીવને સમ્યગ્દર્શન નથી તેની પાસે બીજો કોઈ ધર્મ નથી, અને તેની પાસેથી ધર્મની પ્રાપ્તિ નથી–
અર્થાત્ તે ધર્મનું નિમિત્ત નથી. જેનામાં ધર્મ નથી તેને જે ધર્મનું નિમિત્ત બનાવવા માગે છે તે જીવ તેના કરતાં
પણ હલકો–તીવ્ર મિથ્યાદ્રષ્ટિ બનવા માગે છે. સ્વતંત્ર આત્માની શ્રદ્ધા વગર દ્રવ્યલિંગી મુનિ થાય તોપણ શું?
સ્વભાવની શ્રદ્ધા વગરના જીવ પાસેથી તું શું લેવા માગે છે? જે અધર્મી છે તેની પાસેથી તો અધર્મનો લાભ
થાય; માટે ધર્મરહિત જીવને વંદન કરવાથી કાંઈ લાભ નથી.
૨૭. અહીં એ ધ્યાન રાખવું કે સામો જીવ મિથ્યાદ્રષ્ટિ છે માટે તેને વંદન કરનારને પાપ લાગે છે–એમ
નથી, કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી જ શકતું નથી–પરંતુ ધર્મરહિતને વંદન કરનાર જીવોને પોતાનો
ઉપાદાનભાવ જ ખોટો છે, તેને ઉપાદાનમાં જ અધર્મ ગોઠયો છે તેથી નિમિત્તમાં પણ તે અધર્મીને વંદન કરે છે.
૨૮. ત્રિલોકનાથ તીર્થંકરદેવ ધર્મપિતા છે, તેમણે જે ધર્મ વર્ણવ્યો તેનાથી વિરુદ્ધ કહેનારા બધા
વીતરાગના વેરી છે, એવાને ધર્મગુરુ માનવા તે ‘બાપના દુશ્મનને જમાડવા’ જેવું છે. તીર્થંકર પ્રભુએ કહેલા
તત્ત્વને વિપરીત પણે માને તેનો જે આદર વિનય કરે તે વીતરાગના વેરીનો આદર કરે છે અને તે પોતે જ
વીતરાગનો વેરી છે; ખરી રીતે તેવા આત્માઓને પોતાના વીતરાગભાવનો પ્રેમ નથી પણ વીતરાગતાના વેરી
મિથ્યાત્વનો પ્રેમ છે તેથી મિથ્યાદ્રષ્ટિને વંદનાદિ કરે છે.
૨૯. સાચું સમજવાની તાકાત ઢોરમાં, દેડકામાં અને વાંદરામાં પણ છે તો પછી મનુષ્યો તો જરૂર સમજી
શકે છે, માટે સત્ય વાત ઘડાકા કરતી બહાર આવી છે તેનો મેળવણી કરીને નિર્ણય કરવો.
૩૦. આત્માને અજ્ઞાન તથા પુણ્ય–પાપરૂપી સંસાર દુઃખથી ઉદ્ધારીને જ્ઞાન સ્વભાવનાં સુખસ્થાનમાં સ્થાપે
તે જ ધર્મ છે.
[વૈશાખ સુદ – ૮]
સર્વજ્ઞદેવની પરંપરાથી જે જિનમત પ્રવર્તે છે તેમાં ધર્મના સ્વરૂપનું યથાર્થ નિરુપણ છે; તેમાં નિશ્ચય અને
વ્યવહાર એમ બે પ્રકારે ધર્મનું કથન કર્યું છે. ધર્મની પ્રરુપણા ચાર પ્રકારે છે–૧. વસ્તુ સ્વભાવરૂપ ધર્મ. ૨. ઉત્તમ
ક્ષમાદિક દસ પ્રકાર ધર્મ. ૩. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ. અને ૪. જીવરક્ષારૂપ ધર્મ. ત્યાં જો નિશ્ચયથી
વિચારીએ તો આ ચારેય પ્રકારમાં શુદ્ધચેતનારૂપ ધર્મ એક જ પ્રકારનો છે, તે સમજાવવામાં આવે છે–
૩૧. ૧. વસ્તુ સ્વભાવ તે ધર્મ–દર્શન–જ્ઞાન–પરિણામમયી ચેતના તે જીવવસ્તુનો પરમાર્થ સ્વભાવ છે,
જ્યારે તે ચેતનાના પરિણામ સર્વ વિકાર રહિત શુદ્ધચેતનારૂપ પરિણમે ત્યારે તે ધર્મ છે. આ રીતે વસ્તુનો
સ્વભાવ તે ધર્મ એમ કહેતાં શુદ્ધચેતનારૂપ ધર્મ સિદ્ધ થાય છે.