કારતકઃ ૨૪૭૩ઃ ૯ઃ
–પ્રભુશ્રી મહાવીર ભગવાનનો તપકલ્યાણિક–
મહોત્સવ
શ્રીવર્દ્ધમાનકુમાર, આત્મજ્ઞાની, ધીર, વીર, સૌમ્ય રાજકુમાર હતા; મહાન રાજ્યવૈભવના સંયોગ વચ્ચે રહેવા
છતાં બાલપણથી જ તેઓ સંસારથી વિરક્ત હતા...સાંસારિક ભોગમાં તેમને કદી સુખ ભાસતું નહિ...
...શ્રીવર્દ્ધમાન કુમાર ધીમે ધીમે યુવાન થયા ત્યારે એક દિવસે સિદ્ધાર્થ મહારાજાએ તેમના પ્રત્યે કહ્યું– પ્રિય
વર્દ્ધમાન! હવે તમે પૂર્ણ યુવાન થઈ ગયા છો, તમારી ગંભીર મુદ્રા, વિશાલ આંખો, ઉન્નત લલાટ, પ્રશાંત વદન–એ
બધું બતાવી રહેલ છે કે તમે મહાપુરુષ છો, તમારામાં ચંચળતા જરાપણ રહી નથી. હવે તમારી આ દશા રાજ્ય કાર્ય
સંભાળવાની છે. હવે તમારા વિવાહ કરીને તમને રાજ્ય સોંપીને હું સંસારની ઝંઝટોથી છૂટીને આત્મસાધન કરવા
ચાહું છું...
પિતાશ્રીનાં વચનો સાંભળતાં શ્રીવર્દ્ધમાનકુમારનું પ્રફુલ્લ મુખમંડળ એકદમ ગંભીર થઈ ગયું, જાણે કે તેઓ
કોઈ ઊંડા ચિંતવનમાં પડી ગયા હોય! થોડીવાર શાંતિ પ્રસરી ગઈ....ત્યાં શ્રી વર્દ્ધમાનકુમારે પિતાજી સામે જોઈને
ધીમેથી શાંત અને ગંભીર સ્વરે કહ્યું–પિતાજી! એ મારાથી નહિ થઈ શકે...જે સંસાર ઝંઝટોથી આપ બચવા ચાહો છો
તે જ સંસાર ઝંઝટોમાં આપ મને ફસાવવા શા માટે ચાહો છો? ઓહ! મારું આયુષ્ય ૭૨ વર્ષનું જ છે, તેમાં આજ
ત્રીસ વર્ષો તો વ્યતીત થઈ ગયાં. હજી આ અલ્પ જીવનમાં મારે ઘણું આત્મસાધન કરવાનું બાકી છે. પિતાજી! હું હવે
આત્મસાધન પૂર્ણ કરીશ! લોકો ધર્મના નામ પર આપસ–આપસમાં કેવા ઝગડી રહ્યા છે? બધા એક બીજાને પોતા
તરફ ખેંચવા માગે છે–પણ સાચી ખોજ કરતા નથી અને દંભી થઈ રહ્યા છે. ધર્માચાર્યો પ્રપંચ ફેલાવીને ખોટા ધર્મની
દુકાનો ચલાવી રહ્યા છે અને ભોળા અજ્ઞાની જીવો ઠગાઈ જાય છે... હું તે પથભ્રાંત જીવોને સાચો મોક્ષમાર્ગ
બતાવીશ...માટે...
વચમાં જ સિદ્ધાર્થ રાજાએ કહ્યું–પણ, એ તો ઘરમાં રહીને પણ થઈ શકે છે...
...નહિ પિતાજી! એ માત્ર આપનો રાગ છે. અમે તો હવે જિનદીક્ષા અંગીકાર કરીને બાહ્યઅભ્યંતર નિર્ગ્રંથ
થઈ અમારા કેવળજ્ઞાનને સાધીશું. હે તાત! એક વખત આપ એ ભૂલી જાઓ કે ‘વર્દ્ધમાન મારો પુત્ર છે અને હું તેનો
પિતા છું.’ એ રીતે જોતાં આપની વિચારધારા પરિવર્તિત થઈ જશે. બસ, પિતાજી મને આજ્ઞા આપો, જેથી હું મારા
પવિત્ર આત્મસાધનને શીઘ્ર પૂર્ણ કરું, અને પવિત્ર સિદ્ધ દશાને પ્રાપ્ત કરું!
શ્રીવર્દ્ધમાનકુમારના પુરુષાર્થની મક્કમતા અને તેમના અપાર વૈરાગ્ય પાસે સિદ્ધાર્થરાજા વિશેષ ન બોલી
શક્યા...‘શરૂઆતમાં ધાર્યું હતું કંઈક, અને થયું કંઈક બીજું જ’–એમ મનમાં સોચતાં મહારાજા મૌન રહી ગયા.
* * * *
... ઉપર્યુક્ત પિતા–પુત્રનો સંવાદ સાંભળતાં મહારાણી ત્રિશલા દેવી પુત્રપ્રેમથી વ્યાકૂળ થઈ ગયાં...પરંતુ તે
વખતે ચતુર વર્દ્ધમાનકુમારે ધૈર્યપૂર્વક બુદ્ધિ ભરેલા શબ્દોમાં તેમની પાસે પોતાનું સમસ્ત કર્તવ્ય સમજાવી દીધું.
પોતાના આદર્શ અને પવિત્ર વિચાર માતા સામે રજુ કર્યા. અને વૈરાગ્યભરેલાં તત્ત્વવચનોથી સંસારની દુષિત
પરિસ્થિતિનું વર્ણન કરીને કહ્યું–હે માત! હવે મને સ્વતંત્રપણે આત્મસાધન કરવાની રજા આપો!
એક ક્ષણભર તો માતા કાંઈ ન બોલી શક્યાં; ટગમગતી આંખે તેમણે ભગવાન મહાવીર સામે જોયું.
મહાવીરના ચહેરા ઉપર તે વખતે જ્ઞાનથી ભરેલા વૈરાગ્યની દિવ્ય ઝલક દેખાઈ રહી હતી. તેમની લાલસાશૂન્ય,
સરલ, વીતરાગી મુખમુદ્રા જોતાં માતાની વ્યાકૂળતા દૂર થઈ, પુત્ર–પ્રેમને ભૂલી ગઈ...કેટલીક વાર સુધી તો એ જ
પ્રમાણે અનિમેષદ્રષ્ટિએ તેમના પ્રત્યે જોઈ રહી...મહાવીરને જોઈને તે પોતે પોતાને બહુ જ ધન્યવાદ આપવા
લાગી...તેનું હૃદય અતિ પ્રસન્ન થયું...
થોડીવારમાં અત્યંત ગંભીરસ્વરોમાં માતાજી બોલ્યાં–ઓ દેવ! વર્દ્ધમાન! જાઓ, ખુશીથી જાઓ!
આત્મસાધનને શીઘ્ર પૂર્ણ કરીને જગતનું કલ્યાણ કરો! હવે હું આપને ઓળખી શકી, આપ મનુષ્ય નથી પણ દેવ છો,
આપના જન્મથી હું ધન્ય થઈ છું. આપ મારા પુત્ર નથી, હું આપની માતા નથી; પણ આપ તો એક આરાધ્ય–દેવ છો
અને હું