Atmadharma magazine - Ank 038
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
ઃ ૨૪ઃ આત્મધર્મઃ ૩૮
અંતરંગમાં જો શુભ પરિણામ હોય તો પુણ્ય છે, પણ જો તે વખતે ઘર વગેરે સંબંધી અશુભ વિચાર કરતો હોય તો
પાપ છે. પુણ્ય–પાપ બન્ને વિકાર છે તેનાથી ધર્મ નથી–એવું જો તે વખતે આત્મભાન વર્તતું હોય તો તેટલે અંશે
અવિકારી ધર્મક્રિયા છે, તે મોક્ષની ઉત્પત્તિ કરનારી ક્રિયા છે. પુણ્ય–પાપ બન્ને બંધનની ક્રિયા છે તે સંસારની ઉત્પત્તિ
કરનારી ક્રિયા છે કોઈ જીવે અશુભ પરિણામ તો છોડયા અને જિનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને સત્શાસ્ત્રના લક્ષે
શુભરાગ કર્યો અને તેમાં ધર્મ માન્યો તો તે જીવ એકાંત બંધનની ક્રિયા જ કરી રહ્યો છે, તેને અધર્મક્રિયા જ વર્તે છે,–
પછી ભલે તે ચાલતો હોય કે સ્થિર હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, ખાતો હોય કે ઉપવાસી હોય.
અવિકારી ક્રિયા
અવિકારી ક્રિયા એટલે ધર્મની ક્રિયા અથવા મુક્તિની ક્રિયા. લોકો બોલે છે કે ક્રિયાથી ધર્મ થાય. પણ કોની
ક્રિયા અને કઈ ક્રિયા? જડની ક્રિયા કે ચેતનની ક્રિયા? અને વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા? જડની ક્રિયા, વિકારી
ક્રિયા અને અવિકારી ક્રિયા તેના સ્વરૂપનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાંથી કરશે?
મુક્તિની ક્રિયામાં પર સાથે તો સંબંધ નથી અને પર તરફના વલણથી જે ભાવ થાય તેની સાથે પણ સંબંધ
નથી. મુક્તિની ક્રિયામાં પર ઉપર કે વિકાર ઉપર દ્રષ્ટિ ન હોય પરંતુ પરથી અને વિકારથી ભિન્ન પોતાના અસંયોગી
અવિકારી ત્રિકાળ સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોય છે. વિકારી ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. અને અવિકારી
ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. આત્માની જે વર્તમાન દશા સ્વભાવ સાથેનું એકત્વ ચૂકીને પર લક્ષમાં અને
પુણ્ય–પાપમાં અટકે છે તે જ વિકારી ક્રિયા છે, તે સંસાર છે, મોક્ષની ઘાતક છે, સુખની ટાળનાર છે અને દુઃખની
દાતાર છે. અને આત્માની જે વર્તમાનદશા પર લક્ષથી ખસીને સ્વલક્ષે પોતાના ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
સ્થિરતામાં ટકી છે તે જ અવિકારી ક્રિયા છે, તે ધર્મ છે, તે મોક્ષની ઉત્પાદક છે અને સંસારની ઘાતક છે, સુખની
દાતાર છે અને દુઃખની ટાળનાર છે.
વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા એ બન્ને એક સમય પૂરતી જીવની અવસ્થા છે, પરંતુ તે બન્નેના લક્ષ્યમાં
ફેર છે. અવિકારી ક્રિયાનું લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ સ્વ સ્વભાવ છે અને વિકારી ક્રિયાનું લક્ષ્ય પરદ્રવ્ય અને પુણ્ય–પાપ છે.
જડનું કરવાની વાત તો બેમાંથી એકે ક્રિયામાં નથી. જડની ક્રિયા તો આ બન્નેથી જુદી સ્વતંત્ર છે, તેનાથી નથી
બંધન કે નથી મુક્તિ.
મોક્ષ કોના લક્ષે થાય? અથવા ત્રણ પ્રકારની ક્રિયામાંથી કઈ ક્રિયાથી મોક્ષ થાય? શું જડના લક્ષે મોક્ષ થાય?
કે પુણ્ય–પાપના લક્ષે મોક્ષ થાય? પર દ્રવ્યનું છોડવા–મૂકવાનું તો આત્મામાં નથી તેથી તેના લક્ષે મોક્ષ થાય નહિ; જે
પુણ્ય–પાપ થાય તે પણ પર લક્ષે થતા હોવાથી વિકાર છે, તેના લક્ષે પણ મોક્ષ થાય નહિ. એટલે કે જડની ક્રિયાથી
અને વિકારી ક્રિયાથી મોક્ષ થાય નહિ. જડની ક્રિયાનો બાહ્ય સંયોગ હોવા છતાં અને પર્યાયમાં ક્ષણિક રાગ–દ્વેષ હોવા
છતાં, ‘હું આ જડથી ભિન્ન છું અને મારા શુદ્ધજ્ઞાનભાવમાં આ રાગ–દ્વેષ નથી એવું ભેદજ્ઞાન વર્તે તે શરૂઆતની
ધર્મની ક્રિયા છે, અને પછી શુદ્ધ જ્ઞાતા ભાવમાં સ્થિરતા કરતાં રાગદ્વેષ ટળતાં જાય છે. એ રીતે ધર્મની ક્રિયાના જોરે
વિકારની ક્રિયાનો નાશ થાય છે.
(૧) પેટમાં આહાર પડયો કે ન પડયો તે જડની ક્રિયા છે, તેમાં નથી પાપ, નથી પુણ્ય, કે નથી ધર્મ. (૨)
પેટમાં આહાર ન પડયો તે વખતે જીવને જો અણગમો લાગે કે ‘ઉપવાસ તો કર્યો પણ કાલ જેવી આજે મજા ન પડી’
તો તેને અશુભ પરિણામ છે અને તે પરિણામથી પાપ બંધન છે. (૩) તે વખતે જો મંદ કષાય રાખે તો શુભપરિણામ
છે અને તે પરિણામથી પુણ્યબંધન છે. (૪) તે વખતે આહારનું, શરીરનું અને પુણ્ય–પાપનું લક્ષ છોડીને પોતાના
ત્રિકાળી આત્મસ્વભાવની ઓળખાણ પૂર્વક તેમાં સ્થિર થયો–અનુભવમાં એકાગ્ર થયો તે ધર્મ છે. આ ચાર પ્રકારમાં
નં. (૧) જડની ક્રિયા છે, નં. (૨) તથા (૩) તે વિકારની ક્રિયા છે અને નં. (૪) ધર્મની ક્રિયા અથવા અવિકારી
ક્રિયા છે.
શરીર સ્થિર રહે તે જડની ક્રિયા છે, તે જડની ક્રિયા ઉપરથી આત્માનું માપ કાઢે તે અજ્ઞાની છે. જડશરીરની
ક્રિયા સ્થિર રહેવારૂપ થઈ પરંતુ તે વખતે આત્માની ક્રિયા કેવા પ્રકારની થઈ રહી છે તેના ભાન વિના ધર્મનું માપ
ક્યાંથી કાઢશે? ધર્મની ક્રિયા શરીરમાં થાય કે આત્મામાં? જેની ભૂમિકામાં ધર્મની ક્રિયા થાય છે એવા
આત્મસ્વભાવનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાં કરશે? માટે સૌથી પહેલાં આત્માના સ્વરૂપની સમજણ કરવી
તે જ શરૂઆતની ધર્મની ક્રિયા છે. એ સિવાય બીજી કોઈ ક્રિયા ધર્મની નથી. * * *