Atmadharma magazine - Ank 038
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૨પઃ
સત્યપુરુષાર્થ
– ભગવતી પ્રજ્ઞા
રાજકોટ તા. ૨૧–૧૨–૪૩. સમયસાર–મોક્ષ અધિકારના વ્યાખ્યાનના આધારે.
‘કર્મના ઉદયથી જીવ રાગાદિ કરે છે’ એમ કહીને રાગ વખતે નિમિત્ત હોય છે એમ જ્ઞાન કરાવ્યું છે.
શાસ્ત્રોએ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેનું વર્ણન કર્યું છે પરંતુ તે નિમિત્તોનું આત્મા ઉપર જોર છે એમ બતાવવા
માટે કહ્યું નથી.
નિમિત્તાધીન થતો વિકાર આત્માનું ખરું સ્વરૂપ નથી એમ ઓળખાણ કરાવીને સ્વભાવ તરફનો પુરુષાર્થ
ઉપાડવા માટે, ‘જે વિકાર છે તે કર્મના નિમિત્તથી થાય છે’ એમ તને કહ્યું હતું; ત્યાં સ્વભાવને ન જોતાં નિમિત્તને જ
વળગી બેઠો તેથી જ અજ્ઞાન રહ્યું છે, માટે સ્વભાવ તરફ દ્રષ્ટિ કર અને નિમિત્તાધીન દ્રષ્ટિને છોડ.
ભગવાનના દિવ્યધ્વનિનો ઉપદેશ ચડતા ધર્મની વૃદ્ધિ માટે જ છે. ભગવાનના આગમના એક પણ શબ્દમાંથી
પાછા પડવાનો આશય કાઢે તો તે જીવ ભગવાનના ઉપદેશના એક શબ્દને પણ સમજ્યો નથી, તેને પુરુષાર્થ–હીનપણું
ગોઠયું છે તેથી ભગવાનની વાણીમાંથી પણ તે પોતાના, પુરુષાર્થહીનપણાને જ પોષે છે. આત્મભાન સહિત ‘હું મારા
સંપૂર્ણ પુરુષાર્થવડે મારા સ્વભાવધર્મની પૂર્ણતા કરું અને સવી જીવ કરું શાસનરસી’ એવી ઉત્કૃષ્ટ શુભભાવના વડે
બંધાયેલ તીર્થંકરનામકર્મનો ઉદય થતાં સર્વજ્ઞદેવને રાગરહિત જે દિવ્યધ્વનિ પ્રગટે છે તે ધ્વનિમાં પણ સ્વભાવની
પૂર્ણતાનું જ નિમિત્તપણું છે, ભવ્યજીવોને તે પુરુષાર્થ પ્રેરે છે અને ઉપદેશે છે કે હે ભવ્ય જીવો! તમારો સ્વભાવ
પુરુષાર્થથી ભરેલો છે, સ્વભાવ ભાનવડે પુરુષાર્થની સંભાળ કરો, અલ્પ કાળમાં તમારી મુક્તિ જ છે. આ સત્ય
પુરુષાર્થવંત વીરોનો માર્ગ છે. આ પ્રમાણે જિનવાણી તો સત્ય પુરુષાર્થની જ હાકલ કરે છે; જેમ નિમિત્તરૂપ જે વાણી
છે તે પૂર્ણ પુરુષાર્થની ભાવનાના યોગે પ્રગટી છે તેમ સાંભળનારાઓના ઉપાદાનને પણ તે વાણી પૂર્ણ પુરુષાર્થની
ભાવનાનું જ નિમિત્ત છે આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિ પૂર્વક ધોખ જિનમાર્ગ પ્રવર્તે છે.
કોઈ જીવ સ્વભાવ સમજવાનો સત્ય પુરુષાર્થ કરે નહિ અને એમ કહે કે, “શું કરીએ! ભગવાને નીકાચિત્ત
કર્મ કહ્યું છે, તે કર્મ પાસે જીવનો પુરુષાર્થ ચાલતો નથી.”–અરે નમાલા! શું ભગવાને તને પુરુષાર્થ કરવાની ના પાડી
છે? નીકાચિત કર્મને પણ ક્ષણમાં ઉડાડી દ્યે એવો પુરુષાર્થ તારા સ્વભાવમાં છે એમ જણાવવા નીકાચિત કર્મનું જ્ઞાન
કરાવ્યું. તું પુરુષાર્થ કર તો શું કર્મો તને કાંડુ ઝાલીને ના પાડે છે? પોતાને સત્ય પુરુષાર્થ કરવો નથી તેથી જ કર્મના
નામે પુરુષાર્થહીનપણાને પોષણ આપે છે. પરંતુ કર્મો અને તેના નિમિત્તે થતા વિકારભાવ એ બધું મારા શુદ્ધસ્વરૂપમાં
નથી એમ શુદ્ધસ્વભાવના ભાનવડે સ્વભાવ ધર્મની વૃદ્ધિ માટે જ ભગવાનની વાણી છે. આત્માના સત્ય
પુરુષાર્થભાવને કોઈપણ પ્રકારે અંશમાત્ર પણ પરાધીન માને તે જીવોએ આત્મસ્વભાવને સ્વીકાર્યો નથી, ભગવાનની
વાણીને સ્વીકારી નથી અને અપ્રતિહત પુરુષાર્થવંત તીર્થંકરોને સ્વીકાર્યા નથી.
શુદ્ધાત્મસ્વભાવ, વિકાર, વિકારમાં નિમિત્તરૂપ કર્મ વગેરે બધું જેમ છે તેમ ભગવાનની વાણીમાં ઉપદેશ્યું છે.
તે સાંભળીને શુદ્ધસ્વભાવનો પક્ષ ગ્રહણ કરવાને બદલે જે જીવ કર્મની મુખ્યતા કરી સ્વભાવને હીન માને છે તે જીવ
સ્વભાવની અરુચિવાળો અને કર્મોની રુચિવાળો છે, તેને પુરુષાર્થના સત્ નિમિત્તોની–દેવ, ગુરુ, શાસ્ત્રની યથાર્થ
શ્રદ્ધા નથી; જ્ઞાનીઓએ તે કર્મદ્રષ્ટિવાળાને સાચી સમજણમાંથી પણ ઉથાપી નાખ્યા છે, તો પછી તેને વ્રત કે ત્યાગ તો
હોય જ ક્યાંથી?
સમ્યગ્જ્ઞાનમાં તીખો પુરુષાર્થ ભરેલો છે તેથી સમયસારજીમાં વારંવાર સમ્યગ્જ્ઞાનને ‘પ્રજ્ઞાછીણી’ કહેલ છે.
આત્માના સ્વભાવને અને બંધનના સ્વરૂપને જાણીને જે જીવ બંધ પ્રત્યે વિરક્ત થાય છે એટલે કે આત્મસ્વભાવ
પ્રત્યે પુરુષાર્થવંત થાય છે તે જીવ મુક્ત થાય છે.
જીવ અને બંધ બન્નેને ભિન્ન કરવાનું સાધન એક ભગવતી પ્રજ્ઞા જ છે. તે પ્રજ્ઞારૂપી છીણી વડે છેદતાં
આત્મા અને બંધ બન્ને જુદા પડી જાય છે.
તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને નિષ્પ્રમાદ થઈને પટકતાં આત્મા અને બંધ જુદા દેખાવા લાગે છે. જ્ઞાનીઓ
પ્રજ્ઞાબુદ્ધિથી જાણે છે કે કર્મો મારા સ્વભાવમાં છે જ નહિ તો પછી તે મને શું કરે? મારો પુરુષાર્થ સ્વતંત્ર જ છે; –
આવા ભાનમાં જ્ઞાનીને પર્યાયે પર્યાયે પુરુષાર્થની વૃદ્ધિ જ છે; આ બધો મહિમા ભગવતી પ્રજ્ઞાનો જ છે. ભગવતી
પ્રજ્ઞા સ્વતંત્ર આત્મસ્વભાવને બતાવનારી છે; કર્મ હેરાન કરે એમ જે માને છે તેઓ ભગવતી પ્રજ્ઞાથી રહિત છે,
શાસ્ત્રો તેને મિથ્યાદ્રષ્ટિ કહે છે.