Atmadharma magazine - Ank 040
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
ઃ ૬૬ઃ આત્મધર્મઃ ૪૦
(૬૬) હે પ્રભો! અવધિજ્ઞાનનાં બળવડે આપ સાક્ષાત્ જણાતા નથી. અવધિજ્ઞાન થયા પછી પણ અનંત
પુરુષાર્થ કરવાનો બાકી રહે છે. આત્મભાન હોવા છતાં હજી કેવળજ્ઞાનને જાણવા માટે રાગરહિત થઈને કેવળજ્ઞાન જ
પ્રગટ કરવું જોઈએ. આપના સમાન પરિપૂર્ણ સ્વરૂપને શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકાર્યું છે પરંતુ પુરુષાર્થની કચાશથી અંતરની
રમણતા અધૂરી રહી જાય છે તેથી કેવળજ્ઞાનને પહોંચી શકતો નથી. જો રાગ ન હોય તો હે નાથ! હું ભક્તિ કેમ કરું?
જ્યારે સંપૂર્ણ સ્વરૂપ રમણતા વડે રાગ તોડીશ ત્યારે ભક્તિ પૂરી થશે અને મારી પર્યાય પણ પૂરી થશે. આ રીતે,
ભક્તિ કરતાં કરતાં આચાર્યદેવ પૂર્ણ સ્વભાવને પહોંચી વળવાનો ઊગ્ર પુરુષાર્થ ઉપાડે છે.
(૬૭) આત્મજ્ઞાન હોવા છતાં, અને અવધિજ્ઞાન હોવા છતાં સાધક જીવો હજી પૂર્ણતા માનતા નથી પણ
પામરતા માને છે. અહા! આવા સાધક જ્ઞાની પુરુષ કયા રાગમાં પોતાપણું માનશે? કયા જડ પદાર્થનો અહંકાર
કરશે? રાગની અને જડની વાત તો દૂર રહો પરંતુ પોતાના ક્ષયોપશમજ્ઞાનનો અહંકાર કરીને રોકાવું તેમને
પાલવતું નથી. અપૂર્ણજ્ઞાનમાં તેઓ સંતોષ માનતા નથી. જડનો સંયોગ, શુભરાગ કે અધુરું જ્ઞાન એ કોઈથી
કેવળજ્ઞાન થતું નથી, પરંતુ એ બધાનું લક્ષ છોડીને એકલા જ્ઞાનસ્વરૂપમાં સ્થિરતા કરવી તે જ કેવળજ્ઞાનનું કારણ
છે. હે નાથ! અમે અમારા શુદ્ધ સ્વભાવના ભાનપૂર્વક પૂર્ણ પુરુષાર્થને જોયો છે, પૂર્ણને પ્રતીતમાં લીધો છે, અને તે
પૂર્ણનો અંશ પ્રગટયો છે પણ હજી ઘણો પુરુષાર્થ કરવાનો બાકી છે. પ૪મી ગાથામાં કૃતકૃત્યપણું કહ્યું હતું, ત્યાં પૂર્ણ
સ્વભાવની દ્રષ્ટિએ વાત હતી; અહીં પર્યાયની વાત છે તેથી પામરતા વર્ણવે છે. હે જિનેશ! હું આપના જેવો
કૃતકૃત્ય છું એવી ઓળખાણ થઈ છે પણ હજી સ્થિરતાની ક્રિયા બાકી છે. શ્રદ્ધા અપેક્ષાએ કૃતકૃત્ય છું અને ચારિત્ર
અપેક્ષાએ પામરતા છે.
(૬૮) જગતમાં પરમાણુ સૂક્ષ્મ કહેવાય છે પણ હે વીતરાગ! આપ તો તેનાથી પણ સૂક્ષ્મ છો. કેમ કે
અવધિજ્ઞાન વડે પરમાણુને પ્રત્યક્ષ જાણનાર પણ આપને પ્રત્યક્ષ જાણી શકતા નથી.
(૬૯) આ રીતે પ્રથમ, છદ્મસ્થના જ્ઞાનમાં પ્રત્યક્ષ નથી જણાતા તે અપેક્ષાએ કેવળજ્ઞાની પરમાત્માને સૂક્ષ્મ
કહ્યા; હવે કહે છે કે કેવળજ્ઞાનમાં લોકાલોક સમાઈ જાય છે એટલું તે મોટું છે. આમ, કેવળજ્ઞાનને સૂક્ષ્મ અને મોટું
બંને વિશેષણથી ઓળખીને તેનો મહિમા અને સ્તુતિ કરી છે.
(૭૦) હે નાથ! આપનું કેવળજ્ઞાન અતિ સૂક્ષ્મ હોવા છતાં તે એટલું મહાન છે કે તેમાં સમસ્ત લોકાલોક
એક સાથે સમાઈ જાય છે. આ ચૌદ રાજલોકથી અનંતગણું આકાશ છે પણ આપનું જ્ઞાન તો આકાશથી અનંતગણું
છે. પરમાણુને પ્રત્યક્ષ જાણનાર પણ આપને ન જાણે એવા સૂક્ષ્મ હોવા છતાં આપનું જ્ઞાન એટલું બધું વિશાળ છે કે
ત્રણ કાળ અને ત્રણ લોક આપના જ્ઞાનમાં એક સમયમાં સમાઈ જાય છે. પ્રભો! મારા જ્ઞાનની પૂર્ણ પર્યાયનું સામર્થ્ય
પણ એટલું જ છે. જે જીવ આવા મોટા જ્ઞાનસ્વભાવને પોતાપણે સ્વીકારે તે રાગાદિને કદાપિ પોતાના માને નહિ,
અપૂર્ણતાને પોતાનું સ્વરૂપ સ્વીકારે નહિ, અને જ્ઞાનસ્વભાવ સિવાય અન્ય કોઈનું કર્તાપણું સ્વીકારે નહિ. પૂર્ણ–
સ્વભાવના લક્ષે પુરુષાર્થ ઉપાડયો તે અપૂર્ણતાને તોડીને અલ્પકાળમાં પૂર્ણતા લાવે જ.
(૭૧) અહો! મારો પુરો જ્ઞાનસ્વભાવ, જેમાં બધું એક સાથે જણાય છતાં વિકલ્પ પણ ન ઊઠે, અનંત
પદાર્થોને એક સાથે જાણે છતાં જ્ઞાનની એકતામાં ભંગ ન પડે, અનંત આકાશને જાણે છતાં જ્ઞાનને લંબાવું ન પડે,
ત્રણકાળનું જાણે છતાં જાણતાં વાર ન લાગે, આવા પૂર્ણ જ્ઞાનસ્વભાવની પ્રતીતપૂર્વક જે ભગવાનની સ્તુતિ કરે તે જ
સાચી સ્તુતિ છે અને એવી સ્તુતિ કરનારા જીવો સ્તુતિના રાગને પોતાના સ્વભાવમાં સ્વીકારતા નથી તેથી
અલ્પકાળે પૂર્ણ સ્વભાવના અવલંબનવડે તે રાગને તોડીને પૂર્ણ થાય છે. હે નાથ! જ્યાંસુધી આવી દશા ન પ્રગટે
ત્યાંસુધી મારી ભક્તિમાં અધૂરાશ છે. મારી પૂર્ણતા થશે ત્યારે ભક્તિ પણ પૂરી થશે, પછી ભક્તિનો વિકલ્પ નહિ
ઊઠે.
(૭૨) ગૃહસ્થોએ હંમેશાં કરવાના છ કર્તવ્યો આ જ શાસ્ત્રમાં કહ્યાં છે, તે આ પ્રમાણે–
देवपूजा गुरुपास्ति स्वाध्याय संयमस्तपः।
दानश्चेति गृहस्थानां षट्कर्माणि दिनेदिने।। ७।।
(પદ્મનંદિપંચવિંશતિકા–શ્રાવકાચાર)
અર્થઃ– જિનેન્દ્રદેવની પૂજા, સદ્ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ છ કર્તવ્યો શ્રાવકોએ
પ્રતિદિન કરવા યોગ્ય છે.
(ચાલું...)