Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૮૯ઃ
ભૂતાર્થદ્રષ્ટિથી ત્રિકાળી તત્ત્વમાં ઢળીને એકપણું પ્રાપ્ત કરતાં શુદ્ધનયપણે સ્થપાયેલી દ્રષ્ટિથી આત્માની અનુભૂતિ
પ્રગટ થાય છે, આ અનુભૂતિ તે જ આત્મસાક્ષાત્કાર છે, તે જ સમ્યગ્દર્શન છે, તે જ સ્વાનુભવ છે, તે જ પ્રથમ ધર્મ
છે; પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવાનો ઉપાય તે જ છે. આ અનુભૂતિનું લક્ષણ આત્મખ્યાતિ છે, એટલે કે જેવો આત્માનો
ભૂતાર્થ સ્વભાવ છે તેવો જ અનુભૂતિ વડે પ્રગટ થાય છે–ખ્યાતિ પામે છે–પ્રસિદ્ધ થાય છે. આવા આત્મસ્વભાવની
પ્રસિદ્ધિ વગર (–અર્થાત્ સમ્યગ્દર્શન વગર) પોતાનાં માનેલાં ત્યાગ, વ્રત, તપ જે કરે તે બધુંય રણમાં પોક છે,
તેનાથી સંસારની સિદ્ધિ છે, પણ આત્માની સિદ્ધિ નથી.
(૯૪) અહા! જ્યારે ભરતમાં ધોખ ધર્મકાળ વર્તતો હતો ત્યારે આઠ વર્ષની રાજકુમારી બાલિકાઓ પણ
આવા પરમાર્થ આત્મસ્વભાવને સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરતી હતી. ઇન્દ્ર પરીક્ષા કરવા આવે તેને પણ ઘડાકાબંધ
તત્ત્વના જવાબો આપતી હતી. એવી નિઃશંક આત્મશ્રદ્ધા રાજપાટમાં રહેલી આઠ વર્ષની કુમારી પણ કરી શકતી હતી,
તો પછી મોટી ઉંમરના પુરુષોએ તો શરમાવું જોઈએ અને વિશેષ રુચિ વડે વધારે પુરુષાર્થ કરવો જોઈએ. ભાઈ!
કાળા બજારનાં પાપ કામોમાં તો બુદ્ધિ ચલાવો છો તો પછી પોતાના જ આત્માનું જ્ઞાન કરવા માટે બુદ્ધિ કેમ ન
ચાલે? પોતાના આત્માની સમજણ તો આબાલ–ગોપાળ સર્વે કરી શકે છે. જગતનાં ભણતર ન ભણ્યો હોય તોપણ
સત્સમાગમે આત્માની રુચિવડે આત્માની સમજણ કરીને ધર્મ પામી શકે છે.
(૯પ) હે જીવ! તેં જો શુદ્ધઆત્મસ્વરૂપની સમજણ વડે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યું તો માનવજીવન
પામીને તેં શું કર્યું? ધર્મ વગરનું જીવન ધૂળ સમાન છે. આ પરમાર્થ તત્ત્વ સમજ્યા વગર દ્રવ્યલિંગી દિગંબર મુનિ
થયા અને પાંચ મહાવ્રત પાળે તોપણ તેની મોક્ષસન્મુખ દશા નથી, તે અજ્ઞાની છે, સંસારસન્મુખ છે, મિથ્યાત્વના
અનંતપાપમાં પડેલો અધર્મી છે; અને જેણે પરમાર્થ આત્મસ્વભાવ જાણ્યો છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવ રાજપાટના
સંયોગમાં કે લડાઈમાં ઉભા હોવા છતાં તેઓ મોક્ષમાર્ગ સન્મુખ છે, આત્મસ્વભાવના આરાધક છે, ક્ષણે ક્ષણે સંસાર
તોડી રહ્યા છે અને સાધક ધર્માત્મા છે.
(૯૬) જિજ્ઞાસુને કુદેવાદિની ભક્તિ તો હોય જ નહિ; અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ તે પણ રાગ
છે, તેને તે ધર્મ માને નહિ. ખરેખર કોઈ પરની સ્તુતિ કરતું નથી પણ પોતાના ભાવમાં ગુણ ગોઠયાં છે તે ભાવનાં
પોતે ગાણાં ગાય છે. ગુણોની રુચિરૂપ જે ભાવ તે જ સ્તુતિ છે. પૈસાનો લોભી જીવ લક્ષ્મીવંત વગેરેનો આદર કરે છે
એમ કહેવાય છે, પણ ખરેખર તે લક્ષ્મીવંતનો આદર નથી કરતો, પણ પોતાને લક્ષ્મીની પ્રીતિ છે તે પોતાના ભાવનો
જ પોતે આદર કરે છે. જેને આત્માના વીતરાગભાવની રુચિ છે તે વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનાં ગાણાં ગાય છે અને
જેને આત્માના વીતરાગીસ્વભાવનો આદર નથી પણ રાગનો આદર છે તે જ કુદેવાદિને વંદન કરે છે. જે કુદેવાદિને
વંદન કરે છે તે વીતરાગ જિનદેવના પંથનો નથી. જેને પોતાના ભાવમાં જ રાગ ગોઠયો છે તે રાગી દેવને માને છે
વીતરાગદેવને રાગ કે રાગના નિમિત્તો (–આહાર, વસ્ત્ર, ઓષધ વગેરે) નથી, છતાં રાગની રુચિવાળા જીવો
તેમનામાં પણ રાગ અને રાગના નિમિત્તોની કલ્પના કરે છે; તે જીવો ખરી રીતે પોતાના વીતરાગ ભાવનો જ
અનાદર કરી રહ્યા છે અને વ્યવહારથી વીતરાગદેવનો અનાદર કરી રહ્યા છે. ખરી રીતે કોઈ જીવ પોતાની
ચૈતન્યભૂમિકામાં પરનો આદર કે અનાદર કરતો નથી પણ સાચી સમજણ વડે પોતાના જ ગુણનો આદર કરે છે અને
અણસમજણ વડે પોતાના જ ગુણનો અનાદર કરે છે. (ચાલુ...)
श्री पंचास्तिकाय समयसार
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ અને તેમના રચેલા શાસ્ત્રો પ્રત્યે જૈન સમાજને અત્યંત બહુમાન છે, અને
પૂ. સદ્ગુરુદેવશ્રી તેમના એક પછી એક શાસ્ત્રો પર પ્રવચનો કરીને તેના ગૂઢ ભાવોને ઘણી સહેલાઈથી
સમજાવી રહ્યાં છે; એ રીતે, ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રરૂપિત આધ્યાત્મિક તત્ત્વોની તેઓ ભરતમાં મહાન
પ્રભાવના કરી રહ્યા છે. ભરતની બહાર પણ સેંકડો મુમુક્ષુઓ તેમના પ્રવચનો વાંચે છે, અને સાક્ષાત્
સાંભળવા આતુર છે. છેલ્લા બે ત્રણ વર્ષોમાં શ્રી નિયમસાર, પ્રવચનસાર (ગુજરાતી ગા. ૧૧૬ સુધી) અને
અષ્ટપાહુડ વંચાઈ ગયા પછી હાલમાં માહ વદ ૬ થી સવારે ‘શ્રીપંચાસ્તિકાયસમયસાર’ નું વાંચન શરૂ કર્યું છે.
હંમેશા બપોરે શ્રી સમયપ્રાભૃત વંચાય છે, અત્યારે સમયસાર ઉપર આઠમી વખત પ્રવચન ચાલે છે, અને તેમાં
કર્તાકર્મ અધિકાર શરૂ થયો છે.