Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
ઃ ૮૮ઃ આત્મધર્મઃ ૪૧
પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે માટે અહીં તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. તેને જાણી મિથ્યાત્વભાવ છોડી પોતાનું
કલ્યાણ કરો!” (મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૧૯૯)
(૯૦) જેને વ્યવહાર સત્ માન્યતાનું પણ ઠેકાણું નથી તેને પરમાર્થ સત્ય આત્મસ્વભાવ સમજાશે નહિ.
શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે–“આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને
અસત્સંગ એ કારણો છે;–જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસત્વ એવી લોક સંબંધી જપ–તપાદિ ક્રિયામાં સાક્ષાત્
મોક્ષ નથી,–પરંપરા મોક્ષ નથી,–એમ માન્યા વિના, નિઃસત્વ એવા અસત્ શાસ્ત્ર અને અસદ્ગુરુ–જે આત્મસ્વરૂપને
આવરણનાં મુખ્ય કારણો છે તેને, સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ
છે–અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષનાં પ્રગટ આત્મસ્વભાવને કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને
સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે, જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે–પ્રગટ
છે તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો
કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા
ત્યાગ કરવી ઘટે છે.”
(આવૃત્તિ બીજી પત્ર નં.–૨૭૭ પાનું ૨પ૨)
(૯૧) અનંતકાળથી ઊંધુંં માની રાખ્યું હતું, અને હવે સત્ સાંભળતાં કોઈને એમ થાય કે હવે શું કરવું?
અત્યાર સુધી માનેલું મૂકી દેશું તો લોક શું કહેશે? પણ અરે ભાઈ! તું લોકસંજ્ઞા છોડીને તારા સ્વતત્ત્વનો આદર કર!
લોક ગમે તેમ બોલે, તું લોકસંજ્ઞાથી ઉદાસ થઈ જા; લોક મૂકે પોક. મરણ સમયે જેમ કોઈ સહાયકારી નથી તેમ તારા
સ્વતત્ત્વના આદર સિવાય આ જગતમાં અન્ય કોઈ શરણભૂત નથી. માટે દુનિયાની દરકાર છોડીને આત્માના
કલ્યાણનો માર્ગ લે. તું સદા તારા આત્મસ્વભાવમાં પ્રીતિવંત થા, તારા આત્મસ્વભાવમાં જ સંતુષ્ટ રહે અને તારા
આત્મસ્વભાવથી જ તૃપ્ત રહે; એમ કરવાથી તારા આત્મ– સ્વભાવનું સુખ તને અનુભવાશે. આત્મસ્વભાવની
શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા સિવાય જપ–તપ વગેરે બાહ્યક્રિયામાં ધર્મ નથી, તેનાથી સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષ નથી. કુદેવ–
કુગુરુને સાક્ષાત્ આત્મઘાતી જાણવા; તેના સેવનથી સદંતર આત્માને અધર્મની પુષ્ટિ થાય છે. કુદેવ–કુગુરુ કાંઈ આ
આત્માને નુકશાન કરતા નથી પરંતુ તે અસત્ નિમિત્તો તરફનો પોતાનો ભાવ તે મિથ્યાભાવ છે અને તે મિથ્યાભાવ
વડે આત્માનો ઘાત થાય છે. માટે કુદેવાદિનું સેવન આત્માને આવરણનું જ કારણ છે, તે છોડયા વગર જીવને પોતાના
સ્વરૂપનો નિર્ણય થવો અશક્ય છે. સત્સ્વરૂપને પ્રગટ કહેનારાં જ્ઞાનીપુરુષોના વચનો સાંભળવા છતાં પણ,
કુદેવાદિના સેવનને લીધે, જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરતો નથી. જો એકવાર સ્વચ્છંદને છોડીને–પોતાના
આગ્રહને દૂર કરીને જ્ઞાની પુરુષે કહેલા સત્સ્વરૂપનો યથાર્થ વિશ્વાસ લાવીને પોતાના આત્મસ્વરૂપની રુચિ–શ્રદ્ધા કરે
તો અનંતકાળના જન્મ–મરણનો અંત આવે.
(૯૨) જિજ્ઞાસુઓને આ વાત અત્યારે બરાબર જરૂરની છે. જેને આત્માની રુચિ પ્રગટે તેને આ વાતનો
નિર્ણય તો સહજ થઈ જાય છે. આત્માના સ્વભાવની જેને ખબર ન હોય અને વિપરીતપણે માનીને જે વિરાધના કરી
રહ્યો હોય તેવાનો ધર્મબુદ્ધિએ આદર ન થાય. આ, વ્યક્તિનો વિરોધ નથી પરંતુ પોતાના સમ્યગ્જ્ઞાન ખાતર સત્
અસત્ સમજવું જોઈએ. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માને તે પણ પુણ્ય છે, નવ તત્ત્વોને સમજે તે પણ પુણ્ય છે, આટલું
કરે તો પણ હજી મિથ્યાત્વ ટળે નહિ. જ્યારે દેવ–ગુરુ–શાસ્ત્રથી ભિન્ન અને નવતત્ત્વના ભેદથી પણ પરમાર્થે ભિન્ન
એવા એક અખંડ ચૈતન્યસ્વભાવને અનુભવમાં લઈને તેની પ્રતીતિ કરે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે છે. એ વાત
સમયસારની તેરમી ગાથામાં સમજાવી છે. (તેરમી ગાથાના પ્રવચનો માટે જુઓ ‘સમયસાર પ્રવચનો’ ભાગ ૧.)
(૯૩) આત્મસ્વરૂપની જેને જિજ્ઞાસા થઈ હોય તે જીવ ખોટા દેવ–ગુરુ–શાસ્ત્રને તો પહેલે ઘડાકે જ છોડે છે.
પરંતુ જ્યાં સુધી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે અટકે ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય–ધર્મ ન થાય. દેવ–ગુરુ–શાસ્ત્રના
લક્ષે રાગ થાય છે તથા નવ તત્ત્વોનો વિચાર કરતાં પણ રાગ થાય છે, અને રાગ તે અભૂતાર્થ છે, તેથી દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધા કે નવતત્ત્વની શ્રદ્ધા તે સાચું સમ્યગ્દર્શન નથી. ભૂતાર્થ સ્વરૂપના લક્ષે રાગ ટાળીને પરમાત્મસ્વરૂપ
પ્રગટ થાય છે. તે પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવા શું કરવું? પ્રથમ દેવ–ગુરુ–શાસ્ત્ર અને નવતત્ત્વના વિચારનો રાગ
આવે ખરો, પણ તેના વડે એકત્વ આત્મસ્વભાવની પ્રાપ્તિ થતી નથી એમ નિર્ણય કરીને, શુદ્ધનય વડે અર્થાત્