Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૯૭ઃ
જડના કાર્યોનો અહંકાર કરે અર્થાત્ જડના કાર્યોથી પોતાને લાભ–નુકશાન માને તે મિથ્યાદ્રષ્ટિ છે, આત્માના ચૈતન્ય
સ્વભાવનું ખૂન કરનાર છે.
કર્મો પણ જડ પદાર્થ છે, તે આત્માને કાંઈ કરી શકે નહિ. આત્મા પોતાની પર્યાયમાં જેવો પુરુષાર્થ કરે તેવું
કાર્ય થાય. પણ કર્મો કરે તેમ થાય–એવા પ્રકારની માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. આત્મા કદી પણ પર દ્રવ્યોને આધીન
નથી. પોતે પોતાના જ પુરુષાર્થના દોષથી અટકે છે. પરંતુ અજ્ઞાનીઓ વસ્તુની સ્વાધીનતાને જાણતા નથી તેથી
અનંતકાળથી પોતાના પુરુષાર્થનો દોષ ન જોતાં પર પદાર્થનો વાંક માને છે. જો પોતાની પર્યાયનો દોષ જાણે તો
દ્રવ્ય–સ્વભાવના જોરે તે ટાળવા પ્રયત્ન કરે. પરંતુ કર્મોનું જ જોર માને અને કર્મો મંદ પડે તો આત્મામાં ધર્મ કરવાની
પાત્રતા પ્રગટે એમ માને તો તે કદી પોતાનો સ્વાધીન પુરુષાર્થ ઉપાડી શકે નહિ. આત્મા પોતે ગુણ કે દોષ પોતાના જ
પુરુષાર્થથી કરે છે. આત્માને પુરુષાર્થ કરવામાં કર્મ વગેરે કોઈ પર પદાર્થો રોકતા નથી અને આત્મા પોતામાં ગમે
તેવો (સવળો કે ઊંધો) પુરુષાર્થ કરે પણ તે પર પદાર્થોમાં કાંઈ કરવા સમર્થ નથી. જડ પદાર્થની જે સમયે જે
અવસ્થા થવાની હોય તે સમયે તે અવસ્થા સ્વયં થયા જ કરે છે, તે વખતે અનુકુળપણે હાજર રહેલા પદાર્થને નિમિત્ત
કહેવાય, પણ તેણે તે જડના કાર્યમાં કિંચિતમાત્ર કર્યું નથી. અહીં તો ધર્મની વાત છે. પ્રથમ તો દરેક પદાર્થની
સ્વતંત્રતા છે તે સમજવી જોઈએ. હવે જડની અવસ્થા સાથે તો આત્માના ધર્મનો સંબંધ નથી. આત્માના ધર્મનો
સંબંધ તેની પોતાની પર્યાય સાથે છે. આત્માના સ્વભાવમાં પુણ્ય–પાપના વિકારીભાવો નથી, તે વિકારીભાવો
પુરુષાર્થની ઊંધાઈથી પોતે પર્યાયમાં નવા પ્રગટ કરે છે, તેમાં કર્મના ઉદયનું કાંઈ જ કાર્ય નથી. કર્મનો ઉદય જીવને
રાગ–દ્વેષ કરાવે–એ માન્યતા મિથ્યાત્વ છે. કર્મો વિકાર કરાવે નહિ અને પુરુષાર્થની નબળાઈથી પર્યાયમાં વિકાર થાય
તેનાથી લાભ નથી, પરમાર્થે તો પુણ્ય–પાપનો પણ જ્ઞાતા જ છું–એમ આત્માના સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને ચૈતન્ય
સ્વભાવનો અનુભવ કરવો તે જ ધર્મ છે. અનંતકાળથી સ્વતંત્ર ચૈતન્યસ્વભાવની રુચિ અને પ્રતીત કરી નથી. તે
રુચિ અને પ્રતીત કરીને આત્મામાં સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે અપૂર્વ મંગળિક છે. તે જ પ્રવચનમંડપના મંગળિક છે.
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ ભાવપ્રાભૃતની ૮૩મી ગાથામાં કહે છે કે– “જિનેન્દ્રદેવોએ જિનશાસનમાં એમ
કહ્યું છે કે પૂજાદિકમાં અને વ્રતથી પુણ્ય છે તથા મોહ અને ક્ષોભરહિત એવો આત્માનો પરિણામ તે ધર્મ છે.” દયા–
વ્રત–પૂજાદિના ભાવ તે જૈન ધર્મ નથી પણ રાગ છે–શુભબંધ છે. જૈન ધર્મ તો વીતરાગતારૂપ છે, રાગ તે જૈન ધર્મ
નથી. રાગરહિત સ્વભાવની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં જ રાગરહિત સ્થિરતા તે જ જૈનદર્શન અર્થાત્ આત્મદર્શન
છે, તે જ મોક્ષમાર્ગ છે. અને તે જ ધર્મ છે. એમાં કોઈનો પક્ષ નથી; એ કોઈ વાડો નથી; એ કોઈ વેષ નથી, એ
જડની ક્રિયા નથી, અને રાગાદિકના શુભ–અશુભભાવો પણ નથી, એ તો મોહ અને ક્ષોભરહિત આત્માના જ શુદ્ધ
પરિણામ છે.
પર જીવોને આ આત્મા કદી મારી કે બચાવી શકતો જ નથી. કેમ કે સામા જીવો અને શરીરાદિ એ બધા
પદાર્થો સ્વયં અસ્તિરૂપ છે અને તેઓ સ્વયં ઉત્પાદ–વ્યય–ધ્રુવ સ્વભાવવાળાં છે, તેઓ પોતપોતાનાં ગુણ–પર્યાયોને
ધરનારાં છે. તેમના ઉત્પાદ–વ્યય કોઈ બીજો કરી શકે નહિ. જીવ તો માત્ર પોતાની પર્યાયમાં શુભ કે અશુભ ભાવ
કરે. અને અજ્ઞાની તે ભાવનો કર્તા થાય છે, જ્ઞાની તેના જ્ઞાતા રહે છે, પણ તેને કર્તવ્ય માનતા નથી. સમ્યગ્દ્રષ્ટિઓને
પણ અશુભભાવથી બચવા માટે વ્રતાદિ શુભભાવ હોય છે, પણ તે ભાવને તેઓ રાગ સમજે છે અને તેનાથી કલ્યાણ
માનતા નથી.
પ્રશ્નઃ–આત્મા શુભભાવ કરે પણ પરનું કાંઈ ન કરી શકે–એમ આપ સમજાવો છો. પરંતુ એવું સમજ્યા પછી
પણ વ્યવહારમાં તો પરનાં કામ કરવાં પડે ને?
ઉત્તરઃ–પરનું કરી જ શકતો નથી એવો સ્વભાવ જ છે પછી ‘કરવું પડે’ એ પ્રશ્નને અવકાશ જ ક્યાં છે?
‘સસલાનાં શીંગડાં’ છે જ નહિ પછી તે કાપવાનો પ્રશ્ન જ ક્યાં છે? વસ્તુના નિશ્ચય વ્યવહાર તો વસ્તુમાં પોતામાં જ
હોય છે, કાંઈ વસ્તુથી બહાર હોતા નથી. માટે વ્યવહારમાં આત્મા પરનું કરી શકે એ માન્યતા પણ મિથ્યાદ્રષ્ટિની જ
છે. વ્યવહારે આત્મા શુભભાવે કરે પણ આત્માએ શુભભાવ કર્યો માટે બહારની ક્રિયા થાય છે–એમ નથી. પૂજા
વ્રતાદિનો ભાવ પણ પરમાર્થે હું નથી–એવા ભાનપૂર્વક તે શુભભાવને વ્યવહાર કહેવાય છે. અને એ વ્યવહાર પણ
કરવા જેવો તો છે જ નહિ. બહારની ક્રિયા તો કદી કરી શકતો જ નથી તેથી તે