Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૮૩ઃ
અધ્યાત્મ શાસ્ત્રોની કથન પદ્ધતિ અથવા સાધક જીવની દ્રષ્ટિનું સળંગ ધોરણ
(પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન)
અધ્યાત્મશાસ્ત્રોમાં ‘અભેદ તે નિશ્ચયનય’ એમ કહ્યું નથી. જો અભેદ તે નિશ્ચયનય એવો અર્થ કરીએ તો
કોઈ વખતે નિશ્ચયનય મુખ્ય થાય અને કોઈ વખતે વ્યવહારનય મુખ્ય થાય, કેમ કે આગમ શાસ્ત્રોમાં કોઈ વખતે
વ્યવહારનયને મુખ્ય અને નિશ્ચયનયને ગૌણ કરીને કથન કરવામાં આવે છે. અધ્યાત્મશાસ્ત્રોમાં હંમેશા ‘મુખ્ય તે
નિશ્ચયનય’ છે, અને તેના જ આશ્રયે ધર્મ થાય–એમ સમજાવવામાં આવે છે; અને તેમાં નિશ્ચયનય સદા મુખ્ય જ
રહે છે. જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને
વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે–એમ સમજવું. કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્
વિકારી પર્યાય ટાળવા માટે હંમેશા નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ
પ્રગટાવવા માટે બંને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના
આશ્રયે તો રાગ–દ્વેષના વિકલ્પો જ ઊઠે છે. છએ દ્રવ્યો તેના ગુણો અને તેની પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે
કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે
વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ
વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે. અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવની
વિકારી–પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનાં અનન્ય પરિણામ છે–એમ વ્યવહારનયે કહેવામાં–
સમજાવવામાં આવે, પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. કોઈ
વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે–એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે
એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.
પ્રશ્નઃ– શું સાધક જીવને નય હોતા જ નથી?
ઉત્તરઃ– સાધક દશામાં જ નય હોય છે. કેમકે કેવળીને તો પ્રમાણ હોવાથી તેમને નય હોતા નથી, અજ્ઞાનીઓ
વ્યવહારનયના આશ્રયે ધર્મ થાય એમ માને છે તેથી તેમનો વ્યવહારનય તો નિશ્ચયનય જ થઈ ગયો, એટલે
અજ્ઞાનીને સાચા નય હોતા નથી. એ રીતે સાધક જીવોને જ તેમના શ્રુતજ્ઞાનમાં નય પડે છે. નિર્વિકલ્પદશા સિવાયના
કાળમાં જ્યારે તેમને શ્રુતજ્ઞાનના ભેદરૂપ ઉપયોગ નયપણે હોય છે ત્યારે અને સંસારના કામમાં હોય કે સ્વાધ્યાય,
વ્રત, નિયમાદિ કાર્યોમાં હોય, ત્યારે જે વિકલ્પો ઊઠે છે તે બધા વ્યવહારનયના વિષય છે; પરંતુ તે વખતે પણ તેમના
જ્ઞાનમાં નિશ્ચયનય એક જ આદરણીય હોવાથી (–અને વ્યવહારનય તે વખતે હોવા છતાં પણ તે આદરણીય નહિ
હોવાથી–) તેમની શુદ્ધતા વધે છે. એ રીતે સવિકલ્પ દશામાં નિશ્ચયનય આદરણીય છે અને વ્યવહારનય ઉપયોગ રૂપ
હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે હેયપણે છે, એ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય–એ બંને સાધક જીવોને એક વખતે
હોય છે.
–માટે સાધક જીવોને નય હોતા જ નથી એ માન્યતા સાચી નથી, પણ સાધક જીવોને જ નિશ્ચય અને
વ્યવહાર–બંને નયો એકી સાથે હોય છે. નિશ્ચયનયના આશ્રય વિના સાચો વ્યવહારનય હોય જ નહિ. જેને
અભિપ્રાયમાં વ્યવહારનયનો આશ્રય હોય તેને તો નિશ્ચયનય રહ્યો જ નહિ, કેમકે તેને તો, જે વ્યવહારનય છે તે જ
નિશ્ચયનય થઈ ગયો.
ચારે અનુયોગમાં કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે, અને કોઈ વખતે
નિશ્ચયનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે, પણ તે દરેક અનુયોગમાં કથનનો સાર એક જ છે અને તે એ છે
કે–નિશ્ચય અને વ્યવહાર નય બંને જાણવાયોગ્ય છે, પણ શુદ્ધતા માટે આશ્રય કરવા યોગ્ય નિશ્ચયનય એક જ છે અને
વ્યવહારનય કદી પણ આશ્રય કરવા યોગ્ય નથી–તે હંમેશા હેય જ છે. એમ સમજવું.
વ્યવહારનયના જ્ઞાનનું ફળ તેનો આશ્રય છોડીને નિશ્ચયનયનો આશ્રય કરવો તે છે. જો વ્યવહારનયને
ઉપાદેય માનવામાં આવે તો તે વ્યવહારનયના સાચા જ્ઞાનનું ફળ નથી પણ વ્યવહારનયના અજ્ઞાનનું એટલે કે
મિથ્યાજ્ઞાનનું ફળ છે.
નિશ્ચયનયનો આશ્રય કરવો–તેનો અર્થ એ છે કે, નિશ્ચયનયના વિષયભૂત આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વરૂપનો
આશ્રય કરવો; અને વ્યવહારનયનો