Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
ઃ ૮૪ઃ આત્મધર્મઃ ૪૧
આશ્રય છોડવો–તેને હેય સમજવો–તેનો અર્થ એ છે કે, વ્યવહારનયના વિષયરૂપ વિકલ્પ, પરદ્રવ્યો કે સ્વદ્રવ્યની
અધૂરી અવસ્થા તરફનો આશ્રય છોડવો.
અધ્યાત્મનું રહસ્ય
અધ્યાત્મનું મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર–એ ધોરણ હોવાથી તેમાં સદાય મુખ્યતા નિશ્ચયની જ છે,
ને વ્યવહાર સદાય ગૌણપણે જ છે. અર્થાત્ સાધક જીવનું આ ધોરણ છે. સાધક જીવની દ્રષ્ટિનું સળંગ ધોરણ એ જ
રીતે છે.
સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયથી જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી
સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જાય છે. એ
રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય–ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી.
વસ્તુસ્વભાવ અને તેમાં કઈ તરફ ઢળવું
વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય, નિત્યપણું અને અનિત્યપણું ઇત્યાદિ જે વિરુદ્ધ ધર્મસ્વભાવ છે તે કદી ટળતો નથી.
પણ જે બે વિરુદ્ધ ધર્મો છે તેમાં એકના લક્ષે વિકલ્પ તૂટે છે અને બીજાના લક્ષે રાગ થાય છે, અર્થાત્ દ્રવ્યના લક્ષે
વિકલ્પ તૂટે છે અને પર્યાયના લક્ષે રાગ થાય છે, એથી બે નયોનો વિરોધ છે. હવે, દ્રવ્યસ્વભાવની મુખ્યતા અને
અવસ્થાની ગૌણતા કરીને સાધક જીવ જ્યારે સ્વભાવ તરફ ઢળી ગયો ત્યારે વિકલ્પ તૂટીને સ્વભાવમાં અભેદ થતાં
જ્ઞાન પ્રમાણ થઈ ગયું. હવે તે જ્ઞાન જો પર્યાયને જાણે તોપણ ત્યાં મુખ્યતા તો સદાય દ્રવ્યસ્વભાવની જ રહે છે. એ
રીતે, જે દ્રવ્યસ્વભાવની મુખ્યતા કરીને ઢળતાં જ્ઞાન પ્રમાણ થયું તે જ દ્રવ્યસ્વભાવની મુખ્યતા સાધકદશાની પૂર્ણતા
સુધી નિરંતર રહ્યા કરે છે. અને જ્યાં દ્રવ્યસ્વભાવની જ મુખ્યતા છે ત્યાં સમ્યગ્દર્શનથી પાછા પડવાનું કદી હોતું જ
નથી; તેથી સાધકજીવને સળંગપણે દ્રવ્યસ્વભાવની મુખ્યતાના જોરે શુદ્ધતા વધતાં વધતાં જ્યારે કેવળજ્ઞાન થાય છે
ત્યારે વસ્તુના પરસ્પર વિરુદ્ધ બંને ધર્મોને (દ્રવ્ય અને પર્યાયને) એક સાથે જાણે છે, પણ ત્યાં હવે એકની મુખ્યતા ને
બીજાની ગૌણતા કરીને ઢળવાનું રહ્યું નથી. ત્યાં સંપૂર્ણ પ્રમાણ થઈ જતાં બે નયોનો વિરોધ ટળી ગયો (અર્થાત્ નયો
જ ટળી ગયા) તોપણ વસ્તુમાં જે વિરુદ્ધ–ધર્મસ્વભાવ છે તે તો ટળતા નથી.
* * * * * * * * * *
નિવૃત્તિ પરાયણ શ્રી વનેચંદભાઈ શેઠ
“શ્રી લીલાધરભાઈ પારેખ જેવી મારી સ્થિતિ થાય તેવું લાગે છે”–એમ, જાણે પોતાના દેહવિલયનું આગાહી સૂચક
આ કથન ન હોય, તેમ શ્રી વનેચંદભાઈ શેઠ પોષ સુદ ૨ બુધવારે સવારે ઉપરોક્ત વાક્ય બોલેલા, ને તે જ દિવસે સાંજે (૬૮
વર્ષની વયે) સ્વર્ગવાસ પામ્યા. તે કેટલાકને અકસ્માત જેવું લાગે પણ તે તો ક્રમબદ્ધપર્યાયના નિયમ અનુસાર જ બનવા
પામ્યું હતું. આવા પ્રસંગો તો આપણને સંસારની અનિત્યતા–અશરણતાના બોધપાઠ શીખવે છે.
તેઓએ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામી પાસે સં. ૧૯૮૧માં બ્રહ્મચર્ય અંગીકાર કરેલું, અને ત્યાર પહેલાં (સં.
૧૯૭૯) થી તેઓ નિવૃત્તિપરાયણ જીવન ગાળતા હતા. પૂજ્ય શ્રીસદ્ગુરુદેવશ્રીનું ચાતુર્માસ જ્યાં જ્યાં થતું ત્યાં ત્યાં બની
શકતું ત્યારે તેઓશ્રીના સદુપદેશામૃતનો લાભ લેવા માટે તેઓ આવતા. તત્ત્વ સમજવાની તેમની જિજ્ઞાસુવૃત્તિ આથી જણાઈ
આવતી હતી. તત્ત્વજ્ઞાનના ઊંડા ન્યાયો સમજીને તેઓ પ્રમોદ દર્શાવતા હતા. શ્રીમાન્ સમીપ સમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્
રાજચંદ્રજી પ્રત્યે તેમને ઉચ્ચ ભક્તિભાવ તો હતો જ, તેમ છતાં તેઓ વ્યક્તિપૂજામાં માનતા ન હોતા પણ ગુણ પૂજામાં
માનતા હતા. તેથી પૂજ્ય સદ્ગુરુદેવશ્રી પ્રત્યે તેમને આંતરિક ભક્તિ અત્યંત હતી જ અને કોઈ પ્રસંગે તો તે ભક્તિભાવ
એટલો ઉછળી જતો કે તેઓ નાચી ઊઠતા.
તેઓ છેલ્લા સંવત ૨૦૦૨ના અષાઢ માસમાં ૧૧ દિવસ સોનગઢ રહ્યા હતા ત્યારે પણ એક વખત જિનમંદિરમાં
ભક્તિ વખતે પૂજ્ય ગુરુદેવશ્રીની સમીપમાં હાથમાં ચામર લઈને ઘણા ઉત્સાહથી નાચી ઊઠયા હતા, તે વખતનું દ્રશ્ય અત્યંત
ભક્તિ પ્રેરક હતું અને જોનારના હૃદયમાં પણ ભક્તિ ઉછળી જતી હતી.
ધર્મ જિજ્ઞાસુઓ પ્રત્યે તેમનો અત્યંત વાત્સલ્યભાવ હતો તેથી તેમને માટે તેમના દ્વાર સદા ખુલ્લાં જ હતાં. શાસ્ત્રમાં
શ્રાવકના અભંગ દ્વારની વાત આવે છે તેનું આથી સ્મરણ થતું હતું. તેઓનો શાસ્ત્રાભ્યાસ પણ સારો હતો, ચર્ચા તથા
વાર્તાલાપ પણ તેને લગતો કરતા હતા.
તેમની ધર્મરુચિ, સજ્જનતા, નમ્રતા, નિરભિમાનતા, ઉદારતા, સરળતા, ગંભીરતા અનુકરણીય હતી. તેમની બુદ્ધિ
અને સ્મરણ શક્તિ તેજસ્વી હતી તેથી અધ્યાત્મ શાસ્ત્રોના ઊંડા ન્યાયો પણ તેઓ ગ્રાહ્ય કરી લેતા. તેમનું જીવન શુદ્ધ અને
સાદું હતું.
તેઓ વાંકાનેરના રહીશ હતા; તેમની નગર શેઠાઈ, વ્યાપારી નીતિ, સમાધાન શક્તિ, કુટુંબ પ્રેમ, રાજ્યમાન્યપણું
અને બીજી અનેક ઉચ્ચ સજ્જનને છાજે તેવી યોગ્યતા દર્શાવવાનું આ આધ્યાત્મિક પત્રમાં અસ્થાને હોવાથી તે છોડી દેવામાં
આવેલ છે.
તેમના કુટુંબીઓએ મોકલાવેલ પત્રિકામાં લખેલું કે “અમારે ભાઈ વનેચંદભાઈ પોષ સુદ ૨ ના રોજ સ્વર્ગવાસ
થતાં તેમનો મહોત્સવ માહ વદ ૮ ના રોજ કરવાનું રાખેલ છે.” અને એ સાચું જ છે કેઃ–