ઃ ૧૧૮ઃ આત્મધર્મઃ ૪૨
વ્યવહાર વચ્ચે આવે છે તે વ્યવહારને મોક્ષમાર્ગ તરીકે જે અજ્ઞાની માને છે તેની આ દલીલ છે. –૩૮–
હવે ઉપાદાન તેની (–નિમિત્તની) દલીલનું ખંડન કરે છે–
છોર ધ્યાનકી ધારણા મોર યોગકી રિતિ;
તોર કર્મકે જાલકો જોર લઈ શિવપ્રીતિ. ૩૯.
અર્થઃ–ઉપાદાન કહે છે કે ધ્યાનની ધારણાને છોડીને, યોગની રીતને સમેટીને, કર્મની જાળને તોડીને, જીવ
પોતાના પુરુષાર્થ વડે શિવપદની પ્રાપ્તિ કરે છે.
અરે નિમિત્ત! ભેદનો વિકલ્પ ઊઠે તેને તું મોક્ષનું કારણ કહે છે પરંતુ તે તો બંધનું કારણ છે, જ્યારે તે
વિકલ્પને જીવ છોડે છે ત્યારે જ મોક્ષ થાય છે. સમ્યગ્દર્શન પછી ધ્યાનનો વિકલ્પ આવે છે પરંતુ તે છોડીને મુક્તિ
થાય છે, તે વિકલ્પ રાખીને કદી મુક્તિ થઈ શકતી નથી. ધ્યાનની ધારણા છોડીને એટલે કે ‘સ્વભાવમાં ઠરું’ એનો
વિકલ્પ ઊઠે તે વિકલ્પ છોડીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે; માટે એકલા ઉપાદાનના જોરથી
જ કાર્ય થાય છે, પરંતુ નિમિત્તથી કાર્ય થતું નથી. અહીં ઉપાદાન તે નિશ્ચય અને નિમિત્ત તે વ્યવહાર એ રીતે લીધું છે.
સ્વભાવમાં એકાગ્રતારૂપ અભેદ પરિણતિ તે નિશ્ચય છે, તે જ ઉપાદાન છે, તે જ મોક્ષનું કારણ છે અને ભેદરૂપ
વિકલ્પ ઊઠે તે વ્યવહાર છે, તે નિમિત્ત છે, તે મોક્ષનું કારણ નથી. ધ્યાનની ધારણા છોડવાથી કેવળજ્ઞાન થાય છે, તેમ
જ કેવળજ્ઞાન થયા પછી પણ મન, વચન, કાયાના યોગનું કંપન હોય છે તે પણ મોક્ષનું કારણ નથી, તે યોગની
ક્રિયાને મચકોડીને–મરડીને મોક્ષ થાય છે.
મન, વચન, કાયા તરફના વિકલ્પને તોડી–મરડીને અને કર્મ તરફના વલણને તોડીને, સ્વરૂપની અંદર
પુરુષાર્થ કરી રાગથી છૂટીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને છેવટે મુક્તિ થાય છે.
ઉપાદાને સ્વભાવ તરફથી દલીલ કરીને નિમિત્તની પરાધીનપણાની દલીલ તોડી નાખી.
આ રીતે ૩૯ દોહા સુધી ઉપાદાન નિમિત્તે સામ સામી દલીલો કરી, તે બંનેની દલીલોને બરાબર જાણીને
સમ્યગ્જ્ઞાનરૂપી ન્યાયાધીશ ચૂકાદો આપે છે કે–ઉપાદાન આત્મા તરફથી સ્વાશ્રિત વાત કરનાર છે અને નિમિત્ત
આત્માને પરાશ્રિત બતાવે છે. તેમાં આત્માને અને દરેક વસ્તુઓને સ્વાધીન બતાવનાર ઉપાદાનની વાત તદ્ન સાચી
જ છે અને આત્માને તથા દરેક વસ્તુઓને પરાધીન બતાવનાર નિમિત્તની વાત તદ્ન ખોટી છે, માટે નિમિત્તનો
પરાજય થાય છે.
નિમિત્તપક્ષવાળા તરફથી છેવટની અપીલ કરવામાં આવે છે કે–નિમિત્તની વાત ખોટી કેમ! અને નિમિત્તનો
પરાજય કેમ! જુઓ, અમે બધા અહીં સત્સમાગમે આવ્યા તેથી અમને સારા ભાવ થયા અને જો ઘરે હોઈએ તો
આવા સારા ભાવ ન થાય. સારૂં નિમિત્ત મળ્યું તેથી સારા ભાવ થયા, માટે નિમિત્તનું કંઈક બળ રાખો!
ઉપાદાન તે અપીલનું ખંડન કરે છે કે–ભાઈ રે, પોતાના ફેરવવાથી પોતાના ભાવ ફર્યા છે પરંતુ નિમિત્તને
લીધે કોઈના ભાવ ફર્યા નથી. ઉપાદાનના કામમાં નિમિત્તનું કાંઈ જ–અંશમાત્ર પણ બળ નથી. ઉપાદાનના કામમાં
તો નિમિત્તની નાસ્તિ છે. ઉપાદાનની બહાર જ તે લોટે છે, પરંતુ ઉપાદાનમાં તે પ્રવેશતું નથી તેમ જ દૂરથી પણ તે
કાંઈ જ અસર, મદદ કે પ્રેરણા આપતું નથી. કોઈ એમ કહે કે “નિમિત્ત ઉપાદાનને કાંઈ કરતું નથી પરંતુ જેવું નિમિત્ત
આવે તેને અનુસાર ઉપાદાન સ્વયં પરિણમે છે”–તો એ વાત પણ તદ્ન મિથ્યા અને વસ્તુને પરાધીન બતાવનારી
છે. નિમિત્ત હોય તે અનુસાર ઉપાદાન પરિણમતું નથી–પરંતુ ઉપાદાન પોતે પોતાની તાકાતથી સ્વાધીનપણે જ
પરિણમે છે.
સત્સમાગમના નિમિત્તનો સંયોગ થયો માટે તમારા ભાવ સુધાર્યા–એમ નથી. સત્સમાગમનું નિમિત્ત હોવા
છતાં કોઈ જીવને પોતાના ભાવમાં સાચી વાત ન બેસે અને ઊલ્ટો સત્નો વિરોધ કરીને દુર્ગતિ જાય– કેમકે
ઉપાદાનના ભાવ સ્વતંત્ર છે.
સત્ નિમિત્તનો સંગ હોવા છતાં ઉપાદાન પોતે સ્વયં જાગૃતિ ન કરે તો સાચું સમજાય નહિ અને જે સાચું
સમજે છે તે સૌ પોતાના ઉપાદાનની જાગૃતિ કરીને જ સમજે છે. શ્રી ભગવાનના સમવસરણમાં કરોડો જીવો વાણી
સાંભળતા હોય, ત્યાં વાણી તો બધાને માટે સરખી જ છે છતાં જે જીવો પોતાના ઉપાદાનની જાગૃતિ કરી જેટલું
સમજ્યા તે જીવોને તેટલું નિમિત્ત કહેવાણું; કોઈ બાર અંગનું જ્ઞાન કરે તો તેને બાર અંગ માટે ભગવાનની વાણીનું
નિમિત્ત કહેવાય, કોઈ જરાય ન સમજે તો તેના માટે જરાય નિમિત્ત ન કહેવાય, કોઈ ઊંધુંં સમજે તો તેની ઊંધી
સમજણમાં નિમિત્ત કહેવાય.