Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
ચૈત્રઃ ૨૪૭૩ઃ ૧૦૭ઃ
નિધાન છે, તેનામાં રાગનાં નિધાન નથી. રાગનાં નિધાન ખોદતાં કેવળજ્ઞાન પ્રગટશે નહિ, પણ ચૈતન્ય નિધાન
ખોદતાં કેવળજ્ઞાન થાય છે. મારા જે પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવનું અંતરધ્યાન કરતાં કરતાં જ કેવળજ્ઞાન પ્રગટવાનું છે
તે ચૈતન્ય સ્વભાવની મેં પ્રતીત કરી છે. અને કેવળજ્ઞાન તથા સિદ્ધપદ તે ચૈતન્ય દ્રવ્યમાં જ શક્તિપણે ભર્યા છે, તેમાં
જ લીન થઈને હું કેવળજ્ઞાન પ્રગટ કરવાનો છું.
(૧૨૦) હે નાથ! અમારા અજ્ઞાન અને મોહાંધકારનો ધ્વંસ કરવા માટે આપ સૂર્ય સમાન છો. જેમ સૂર્ય
પાસે અંધારું રહી ન શકે તેમ હવે અમારામાં મોહાંધકાર રહી શકશે નહિ. અમારી દ્રષ્ટિમાં સદાય ચૈતન્ય સ્વભાવ જ
પ્રગટ રહો. જ્ઞાન–દર્શનરૂપી આપના ચરણ કમળ સદા પ્રસન્ન રહો. સૂર્ય તો સદા પ્રકાશનો જ કરનાર છે તેમ હે
પ્રભુ! આપ અમને આનંદમાં જ નિમિત્ત છો. તમે વીતરાગ છો, રાગમાં તમારું નિમિત્ત નથી પણ વીતરાગપણામાં જ
તમારું નિમિત્ત છે.–આમ જ્ઞાનીઓ વીતરાગભાવને જ જુએ છે તેથી ભગવાનમાં પણ વીતરાગતાના જ નિમિત્ત
તરીકે આરોપ આપે છે.
(૧૨૧) આચાર્યદેવે છેવટ એ માગણી કરી છે કે હે જિનેન્દ્રદેવ! આપના ચરણકમળ સદા પ્રસન્ન રહે.
અત્યારે પોતાનું કેવળજ્ઞાન અટકે છે અને અહીંથી સ્વર્ગમાં જવાના છે, તેથી આચાર્યદેવ કહે છે કે અમે સ્વર્ગમાં જશું
ત્યાં આ ચારિત્રદશા નહિ રહે, પરંતુ હે જિનેશ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી બે ચરણ કમળ તો સદા પ્રસન્ન
રહેશે, અમારાં સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન તો અપ્રતિહતપણે ટકી રહેશે. એ દર્શન–જ્ઞાનનાં જોરે, મનુષ્યભવમાં ચારિત્રની
પૂર્ણતા કરીને કેવળજ્ઞાન લે’શું. ભગવાનના ચરણો પ્રસન્ન રહો એમ વ્યવહારે ઉપચારથી કહ્યું છે, ખરી ભાવના તો
એ છે કે અત્યારે કેવળજ્ઞાન અટકે છે તોપણ પૂરા સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનરૂપી બે ચરણો કેવળજ્ઞાન થતાં સુધી
અપ્રતિહતપણે સદા ટકી રહો. પંચમકાળમાં ચારિત્રનો ભંગ પડે છે. પરંતુ સંત–મુનિ તે ભંગ ઉપર લક્ષ ન દેતાં દર્શન–
જ્ઞાનની અપ્રતિહત ભાવનાના જોરે કેવળજ્ઞાન સાથે વર્તમાનમાં સંધિ કરે છે...અને...એ રીતે શ્રીઋષભદેવ
ભગવાનની સ્તુતિ પૂરી થાય છે...
– ઋષભ જિનસ્તોત્ર સંપૂર્ણ –
* * * *
– श्रीमत् जिनवर स्तोत्र –
(૧૨૨) હવે આ પદ્મનંદી શાસ્ત્રમાં ‘શ્રીમત્ જિનવર સ્તોત્ર’ છે, તેની એક ગાથા વંચાય છે–‘હે જિનેશ, હે
પ્રભો! આપના દર્શનથી મારા નેત્ર સફળ થાય છે તથા મારું મન અને શરીર, જાણે કે અમૃતથી શીઘ્ર સીંચાઈ ગયાં
હોય એમ ભાસે છે.’
આમાં એકલી જિનપ્રતિમાની વાત જ ન સમજવી, પણ પોતાના આત્માનું દર્શન તે જ પરમાર્થ જિનવર
દર્શન છે. હે નાથ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રોવડે આપને દેખવાથી મારી શ્રદ્ધા–જ્ઞાન પર્યાય સફળ થઈ
ગઈ. બહારમાં જિનવરદેવની પ્રતિમાના દર્શનથી બહારની આંખો સફળ થઈ અને અંતરંગમાં જિનવર સ્વભાવી
આત્માને દેખતાં જ અંતરના શ્રદ્ધા–જ્ઞાનરૂપી ચક્ષુ સફળ થયાં. હે જિન! આપને જોતાં હું મને સફળ માનું છું. વિકલ્પ
થાય તેને હું જોતો જ નથી. તારા દર્શનથી મારી આંખો સફળ થઈ, અવતાર સફળ થયો અને અનંતકાળે નહિ થયેલો
એવો અપૂર્વ આત્મભાવ પ્રગટ થયો. તારી ઓળખાણથી મારું જીવન સફળ થયું, ધન્ય થયું. હે નાથ! તારા દર્શનથી
આત્મા આનંદમય થયો–અમૃતથી સીંચાઈ ગયો, પરંતુ શરીર અને મન પણ અમૃતથી સીંચાઈ ગયાં છે. જેમ ઘણાં
લાંબા કાળે પોતાના પુત્રને જોતાં જ સાચી માતાના હૃદયમાં હર્ષ ઉભરાઈ જાય, પુત્ર પ્રેમથી છાતી ફૂલાઈ જાય અને
વસ્ત્રની કસ તૂટી જાય, તથા સ્તનમાંથી દૂધની ધાર છૂટે...તેમ હે ચૈતન્ય ભગવાન! અનંતકાળે તારા દર્શન મળ્‌યાં,
તારા દર્શનવડે સ્વભાવ સમજવાથી મારો આત્મા ઉલ્લસિત થયો, મને અમૃત મળ્‌યું, હું કૃતકૃત્ય થયો. અહા! એમ ન
સમજશો કે આચાર્યદેવે આ વાણીનો વિલાસ કર્યો છે, આ તો યથાર્થ ઓળખાણના ભાવનો જ્ઞાનીનો ઉલ્લાસ છે.
અસંખ્ય આત્મપ્રદેશ આનંદથી પ્રફુલ્લિત થયાં છે. હે નાથ! તારા દર્શન કરતાં મારો આત્મા તો અમૃતરસથી સીંચાઈ
ગયો પરંતુ આત્માની પાડોશમાં રહેનારાં આ શરીર, મન ને વાણીને પણ તેની છાંટ લાગી તેથી તે પણ અમૃતરસથી
ભીંજાઈ ગયાં છે. આમ જેને સ્વભાવ પ્રત્યે અને જિનદેવ પ્રત્યે યથાર્થ ઓળખાણ સહિત ઉલ્લાસ આવે તેણે જ
ભગવાનના દર્શન અને સારી ભક્તિ કરી.
સંપૂર્ણ
* * * *