ઃ ૧પ૪ઃ આત્મધર્મઃ ૪૪
અહિંસા અને હિંસા
પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા ૪૨ થી ૯૦ના આધારે
ज्यांंसुधी हिंसा–अहिंसाना वास्तविक स्वरूपने जीव न जाणे त्यांसुधी ते कदी पण खरी अहिंसानो
उपासक थई शके ज नहि अने हिंसा टाळी शके नहि. ઘણા લોકો બહારથી અહિંસા કે હિંસા માને છે, પરંતુ
અહિંસા કે હિંસા બહારમાં નથી પણ આત્માના ભાવમાં જ છે. વળી દેશ અને કાળના ફેરફાર અનુસાર અહિંસાના
સ્વરૂપમાં પણ ફેરફાર થાય છે–એમ ઘણા લોકો માને છે, પરંતુ તે સત્ય નથી કેમ કે અહિંસા કોઈ દેશ કે કાળને
આધારે નથી પણ આત્માના ભાવને જ આધારે હોવાથી તેનું સ્વરૂપ સદાય એકસરખું જ છે. મહાસમર્થ ગણધરતૂલ્ય
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે અહિંસા તથા હિંસાનું સ્વરૂપ ઘણી જ અલૌકિક રીતે સ્પષ્ટપણે પુરુષાર્થસિદ્ધિ ઉપાય શાસ્ત્રમાં
વર્ણવ્યું છે, તેમાંથી નીચેના વિષયો અહીં આપવામાં આવે છે–
(૧) પોતાના શુદ્ધોપયોગરૂપ પરિણામનો ઘાત તે જ ખરી હિંસા છે. પોતામાં રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી
તે હિંસા છે અને રાગાદિની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈ પણ જીવ સાચો
અહિંસક થઈ શકે જ નહિ. પોતાના ભાવ પ્રાણોનો ઘાત તે હિંસા છે. (ગાથા–૪૨ થી ૪૪)
(૨) પર જીવોને પીડા થવા છતાં જો જીવને કષાય ભાવ ન હોય તો તે અહિંસા છે, પર જીવોને પીડા ન
થવા છતાં જો જીવને કષાય ભાવ હોય તો તે હિંસા જ છે. પોતાના કષાય ભાવથી જ પોતાના ચૈતન્ય પ્રાણનો ઘાત
થાય છે અને તે જ હિંસા છે, પર જીવોના કારણે આ જીવને જરા પણ હિંસા નથી. (ગા. ૪પ થી ૪૯)
(૩) શૂષ્ક જીવનું લક્ષણ (ગા. પ૦)
(૪) બાહ્ય હિંસા ન હોવા છતાં હિંસક, બાહ્ય હિંસા હોવા છતાં અહિંસક, બાહ્ય હિંસા થોડી દેખાય છતાં
અંતરમાં ઘણી હિંસા, બાહ્ય હિંસા ઘણી દેખાય છતાં અંતરમાં થોડી હિંસા, બે પુરુષોને બાહ્ય હિંસા સમાન હોવા છતાં
અંતર હિંસામાં ફેર–ઇત્યાદિ પ્રકારો દ્વારા હિંસા–અહિંસાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ. (ગા. પ૧ થી પ૩)
(પ) તીવ્ર હિંસાના સ્થાનોનું વર્ણન અને તે છોડવાનો ઉપદેશ.
૧. મદિરા સેવનમાં હિંસા (ગા. ૬૧ થી ૬૩)
૨. માંસ ભક્ષણમાં હિંસા (ગા. ૬પ થી ૬૮)
૩. મધ ભક્ષણમાં હિંસા (ગા. ૬૯ થી ૭૦)
(૬) મધ, માંસ, મદિરા વગેરેનો ખોરાક જે જીવને હોય તે જીવ જિનધર્મની દેશના સાંભળવાને પણ લાયક
નથી. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માગતા જિજ્ઞાસુ જીવને પણ માંસ, મધ વગેરેનો ખોરાક હોય જ નહિ, તો પછી
સમ્યગ્દ્રષ્ટિઓને તે ન જ હોય–એ દેખીતું છે. (ગા. ૭૪ થી ૭પ)
(૭) હિંસા–અહિંસાનું માપ બાહ્ય સામગ્રી ઉપરથી થઈ શકે નહિ; ધર્મના હેતુથી કોઈ પણ જીવને મારી
નાખવો, અથવા દુઃખ મુક્ત કરવાના હેતુથી દુઃખી જીવને મારી નાખવો, અથવા ક્ષુધાતૂર પ્રાણીને માંસનું દાન કરવું–
એવા પ્રકારના બધા ભાવો તીવ્ર હિંસા જ છે. (ગા. ૭૮ થી ૮૯)
(૮) પરમ અહિંસામય જિનમતમાં પ્રરૂપેલ હિંસા–અહિંસાનું સ્વરૂપ જે જીવ જાણી ગયો છે તે જીવ કદાપિ
હિંસામય મતોમાં શ્રદ્ધા કરતો નથી. (ગા. ૯૦)
હવે આ ગાથાઓના અર્થ ભાવાર્થ સહિત આપવામાં આવે છે.
હિંસાનું સ્વરૂપ ગાથા–૪૨
અર્થઃ– આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થતો હોવાથી આ (હિંસા, જુઠું, ચોરી, મૈથુન, પરિગ્રહ)
બધા હિંસા જ છે; અસત્ય વચન વગેરે ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે.
ભાવાર્થઃ– જુઠું, ચોરી વગેરે સર્વે પાપ ભાવો હિંસામાં જ ગર્ભિત છે કેમ કે તે બધામાં આત્માના
શુદ્ધપરિણામનો ઘાત થાય છે. આચાર્યદેવે આ ગાથામાં ‘आत्माना शुद्धोपयोगनो जे घात करे ते हिंसा छे’ એમ
હિંસાનું સ્વરૂપ ટૂંકામાં જણાવી દીધું છે.
એક જીવ બીજા જીવને મારી શકતો નથી તેમજ તેનું રક્ષણ કરી શકતો નથી; અને પર જીવોનું ભલું–બૂરું કરી
શકતો નથી. પણ તેવા ભાવથી જીવ પોતાની જ હિંસા કરે છે. પોતાના શુદ્ધસ્વરૂપનું અભાન તે સૌથી મહાન હિંસા છે.