આષાઢઃ ૨૪૭૩ઃ ૧૬૭ઃ
શ્રી કુંદકુંદ વાણી
અષ્ટ પાહુડ– મોક્ષપ્રાભૃત ઉપર પૂ. સદ્ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે તા. ૧૯–૧–૪૭
(૧) શ્રી પંચ પરમેષ્ટિને ઓળખીને તેના સ્મરણ–વંદનાદિથી વિઘ્ન ટળે છે, એમ કહ્યું છે, ત્યાં વિઘ્ન એટલે
બહારના સંયોગ ન સમજવા, પણ આત્મામાં તે વખતે તીવ્ર કષાય ટળી જાય છે, તીવ્ર કષાય તે જ વિઘ્ન છે, તે વિઘ્નનો
પંચ પરમેષ્ટિના સ્મરણથી નાશ થાય છે. પંચ પરમેષ્ટિનું ધ્યાન કરવા છતાં તે વખતે બહારમાં સિંહ ખાઈ જતા હોય એવો
સંયોગ પણ હોય. પરંતુ એ સંયોગ તે કાંઈ વિઘ્ન નથી. પણ તે વખતે પંચ પરમેષ્ટિના સ્મરણથી તે સંયોગનું લક્ષ છૂટી
જાય છે, અને પાપભાવ ટળી જાય છે, તે જ વિઘ્ન ટળી ગયા છે, બહારનો સંયોગ રહે કે ટળે તેની સાથે કાંઈ સંબંધ નથી.
(૨) ચૈતન્યની પર્યાયમાં વિકાર થાય તેને જાણે અને તે વિકારરહિત ચૈતન્ય સ્વભાવને જાણે ત્યારે ભેદજ્ઞાન
થાય છે. દેહાદિ જડની ક્રિયાથી જુદો અને મિથ્યાત્વ વગેરે વિકારથી રહિત એવા ચૈતન્ય સ્વભાવની પ્રતીત અને જ્ઞાન
કરવાં તે જ મોક્ષનો પ્રથમ ઉપાય છે.
(૩) એવું સમ્યક્ આત્મભાન થતાં, પરદ્રવ્યો પ્રત્યેની જે શુભાશુભ લાગણીઓ થાય તે બધાને સંસારનું
કારણ જાણીને, વીતરાગભાવના (વૈરાગ્ય) વડે તે વિકારી લાગણીઓ છોડીને જીવ નિર્ગ્રંથ મુનિ થાય છે. અને
પોતાના સ્વભાવના અનુભવમાં સ્થિર થવાનું સાધન કરે છે.
(૪) ચૈતન્ય આત્મધર્મ સહજ અને સુલભ છે. સહજ એટલે સ્વભાવમાંથી પ્રગટેલું; તેમાં વિભાવની અપેક્ષા
નથી. જે સમ્યગ્દર્શન અને ચારિત્રને દુઃખદાયક માને છે તે ચૈતન્ય સ્વભાવને જ દુઃખદાયક માને છે; સમ્યગ્દર્શનાદિ તો
સુખરૂપ છે, સમ્યક્ પુરુષાર્થ વડે તે પ્રગટે છે.
(પ) કષાય મંદ પડયો તે ધર્મનું ફળ નથી; પ્રતિકૂળતા વખતે તીવ્ર આકુળતા ન કરે તે પણ ધર્મનું કાર્ય નથી,
એ તો રાગની મંદતા છે–કષાય છે. સત્સમાગમનું ફળ તો સાચી સમજણ અને સમ્યગ્દર્શન છે, અને ત્યાર પછી જ
સાચો વૈરાગ્ય હોય છે. સમ્યગ્દર્શન થતાં જીવને સમયે સમયે ગુણોની વિશુદ્ધ પર્યાય વધતી જાય છે, તે ધર્મનું ફળ છે.
(૬) ભક્તિ વગેરેનો શુભરાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થઈ જશે એમ માનવું તે મિથ્યાત્વ છે, અને સત્ના
શ્રવણનો શુભરાગ કરતાં કરતાં સમજાશે–એમ માનવું તે પણ મિથ્યાત્વ છે કેમકે તેમાં શુભરાગ વડે સમ્યગ્જ્ઞાન
માન્યું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં અને સ્વભાવની રુચિ તથા મહિમા કરતાં કરતાં જ સમ્યગ્જ્ઞાન અને
સમ્યગ્દર્શન થાય છે.
(૭) સત્ સ્વભાવની જાહેરાતથી તથા તેના શ્રવણ–મનનથી કદી કોઈને નુકશાન થાય જ નહિ. સત્
સ્વભાવનું કથન, સત્નું શ્રવણ, સત્નું જ્ઞાન અને સત્ની રુચિ તે સત્નું જ (–સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પર્યાયનું જ)
કારણ થાય; સત્ સ્વભાવનો અભ્યાસ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય. તે સમ્યગ્દર્શન પછી પણ ચારિત્ર દશા પ્રગટ કરીને
જીવ વીતરાગતા કરે ત્યારે જ મોક્ષ થાય છે.
(૮) દર્શન–જ્ઞાન સ્વભાવની ઓળખાણ થયા પછી વિશેષ અભ્યાસ વડે સ્વભાવની સ્થિરતા કરે છે ત્યારે
સંત–મુનિદશા પ્રગટે છે, તે દશામાં વસ્ત્રાદિ પરિગ્રહનો રાગ હોતો નથી તેથી ત્યાં વસ્ત્રાદિ કાંઈ હોતું નથી, સહજપણે
વસ્ત્રાદિ છૂટી જાય છે; ત્યાં જે વસ્ત્રાદિ છૂટી જાય છે તે તો જડની ક્રિયા છે, તેનો કર્તા આત્મા નથી. આત્મા તો સ્વરૂપ
સ્થિરતારૂપ ક્રિયાનો જ કર્તા છે અને તે જ સાચી મુનિદશા છે. ધન્ય તે મુનિદશા! જેઓ રાત્રિ અને દિવસ નિરંતર
સ્વરૂપના પરમ અમૃતમય નિરાકૂળ સ્વાદને અનુભવી રહ્યા છે, એક સમયનાં પણ પ્રમાદ વગર કેવળજ્ઞાન સ્વરૂપને
સાધી રહ્યા છે, જેમને સ્વરૂપ સાધન કરતાં કદી પણ થાક લાગતો નથી–એવા પરમ પુરુષ શ્રી સંત મુનિશ્વર
ભગવંતોના ચરણ કમળમાં નમસ્કાર હો! એ પરમ દશા વગર મુનિદશા હોય નહિ.
(૯) દયાની શુભ લાગણી થાય તેને વિકાર માને, અને હું પર જીવોને બચાવું છું એવી મિથ્યા લાગણી ન
હોય પણ જ્ઞાતાસ્વભાવ જ છું એવી પ્રતીત હોય તે જીવને પર જીવને મારવાનો ભાવ ન હોવાથી સર્વે જીવોની દયા
પાળનાર ઉપચારથી કહેવાય છે; ખરેખર તો પોતે પોતાના આત્માને કષાયથી બચાવ્યો છે તે જ સાચી આત્મદયા છે.
(૧૦) શાસ્ત્રના શબ્દો ગોખ્યા કરે તેનાથી લાભ થાય નહિ; ઊલ્ટું, તેમાં જે શુભરાગ થાય તેને ધર્મ માને
અથવા ધર્મનું કારણ માને તો તે માન્યતાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય–એ નુકશાન થાય. સત્શાસ્ત્ર વગેરેનો અભ્યાસ
કરવાની ના નથી પણ તેમાં જે શુભરાગ થાય તેને ધર્મ ન માનવો, તે રાગથી ખરેખર લાભ ન માનવો અને પોતાના
જ્ઞાનસ્વભાવ તરફ ઢળીને સત્નો નિર્ણય કરવો–તે જ અભ્યાસનું સાચું ફળ છે. *