Atmadharma magazine - Ank 045
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
ઃ ૧૬૮ઃ આત્મધર્મઃ ૪પ
હે જીવ! જ્ઞાનીઓનો ઉપદેશ તારા હિત માટે છે
વિકારીભાવમાં શુભ અને અશુભ એવા બે ભેદ વ્યવહારથી છે, પરમાર્થે તો શુભ–અશુભ બંને એક જાતના
છે, અધ્યાત્મશાસ્ત્રમાં તેને ‘અશુભ’ કહેવામાં આવે છે. સર્વે વિકાર તે અશુભ જ છે. પુણ્ય અને પાપ બંનેના ફળમાં
સંસાર જ છે. એક તરફ આખો સંસાર ભાવ અને બીજી તરફ એકલો સંપૂર્ણ સ્વભાવભાવ; બધોય સંસારભાવ
અશુભ જ છે, પછી પુણ્ય હો કે પાપ હો, પણ તે શુભ નથી. અને સ્વભાવભાવ તે જ નિશ્ચયથી શુભ છે, તેને જ શુદ્ધ
કહેવાય છે, અને તે જ ધર્મ છે. અશુભભાવ તે જ અધર્મ છે. અને તેમાં પુણ્ય–પાપ બંનેનો સમાવેશ થઈ જાય છે.
જીવોને પુણ્યભાવ છોડાવીને પાપભાવ કરાવવા માટે જ્ઞાનીઓ પુણ્ય–પાપ સમાન કહેતા નથી, પરંતુ જે જીવો
ધર્મના જીજ્ઞાસુ છે તેમને જ્ઞાનીઓ સમજાવે છે કે હે ભાઈ, આ પુણ્ય અને પાપ એ બંને ભાવોથી તને બંધન થાય છે–
દુઃખ થાય છે, અને તારો સ્વભાવ તો એ પુણ્ય–પાપ બંનેથી રહિત સિદ્ધ જેવો શુદ્ધ છે, એવા તારા શુદ્ધસ્વભાવને તું
સમજ અને તેની પ્રતીત કર તો તને ધર્મ થાય, અને તારૂં અવિનાશી આત્મકલ્યાણ થાય. પરંતુ સ્વભાવને સમજ્યા
વગર પાપ ઘટાડીને પુણ્ય કર તો તેટલાથી તારૂં બંધન ટળી જતું નથી. અને તેનાથી તારૂં હિત થતું નથી. હે ભાઈ, તું
જે પુણ્યને સારા માની રહ્યો છો તે પુણ્ય તો તેં અનંતવાર કર્યા, પરંતુ તેનાથી તારૂં આત્મકલ્યાણ થતું નથી, માટે
આત્મકલ્યાણનો સાચો ઉપાય પુણ્ય નથી પણ પુણ્યથી જુદો કોઈ ઉપાય છે, એમ સમજીને તું તારા આત્મસ્વભાવની
ઓળખાણનો માર્ગ લે, અને પુણ્યને આત્મકલ્યાણનો ઉપાય, કારણ કે હેતુ ન માન.
હે ભવ્ય! પુણ્યથી ધર્મ નથી અને જડની ક્રિયા આત્મા કરી શકતો નથી ઇત્યાદિ પ્રકારે ઉપદેશ આપીને
જ્ઞાનીઓ તને તારા હિતનો ઉપાય દર્શાવે છે. અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સત્ધર્મમાં તને લગાડવા માગે છે,
પણ કાંઈ ધર્મથી છોડાવવા અને તારૂં અહિત કરવા માટે જ્ઞાનીઓ ઉપદેશ કરતા નથી.
ભલે પુણ્ય ભાવ થાય અને પાપ ભાવ પણ થઈ જાય, પરંતુ તું એટલું તો અવશ્ય સમજ કે તે પુણ્ય–પાપ
બંને વિભાવ છે, તેનાથી આત્મા બંધાય છે, માટે તે ભાવોમાં મારૂં હિત નથી. મારા આત્મસ્વભાવમાં પુણ્ય–પાપ
નથી. આમ સ્વભાવ અને વિભાવના ભિન્નપણાની શ્રદ્ધા તથા જ્ઞાનને ટકાવી રાખીશ તોપણ તારા અવતારનો
અલ્પકાળે અંત આવી જશે. પણ જો પુણ્યમાં જ હિત માની લઈશ તો કદી પણ તારા અવતારનો અંત આવશે નહિ.
તું તારા આત્મામાં વિચારી જો કે પુણ્ય તો બંધન છે અને બંધનનું ફળ તો સંસાર જ છે, તો પછી જેનું ફળ સંસાર છે
તેનાથી આત્મહિત કેમ થાય?
તેવી જ રીતે જડ શરીરની ક્રિયાથી ધર્મ ન થાય–એમ સત્ય સમજાવીને કાંઈ જ્ઞાનીઓ તને ધર્મથી છોડાવવા
નથી માગતા, પણ તને સત્યધર્મમાં લગાડે છે. જડ શરીરની ક્રિયા હું કરૂં અને તેનાથી મને ધર્મ થાય એમ માનીને તું
તારા આત્માની સાચી ક્રિયાને ભૂલી રહ્યો છો. તું વિવેકથી જો તો ખરો કે તું ચૈતન્યસ્વરૂપી આત્મા છો, શું તારો ધર્મ
જડની ક્રિયામાં હોય? તું જડની ક્રિયામાં ધર્મ માનીને અને વિકાર ભાવમાં ધર્મ માનીને ક્ષણે ક્ષણે તારૂં અપાર અહિત
કરી રહ્યો છો, તેથી જ્ઞાનીઓને તારી કરુણા આવે છે અને તને તારા પરમ હિતનો સત્ય માર્ગ દર્શાવે છે.
ज्ञानीओनो
उपदेश तारा हित माटे ज छ
–તેથી હે ભવ્ય જીવ! તું તેનો વિરોધ ન કર, પણ પાત્ર થઈને શાંતિથી તારા
આત્મકલ્યાણને ખાતર જ્ઞાનીઓ જે ઉપાય કહે છે તે સમજવાનો પ્રયત્ન કર...એ માટે જ્ઞાનીને ઓળખીને તેમના
શરણે અર્પાઈ જા–એમ કરવાથી અવશ્ય તારી ભવબંધનની બેડી તૂટી જશે.
આવું મનુષ્યપણું મળ્‌યું, જ્ઞાનનો ઉઘાડ થયો, જૈન શાસન મળ્‌યું અને સત્સમાગમની પ્રાપ્તિ થઈ, આવા
પ્રસંગે પોતાના આત્માની ઓળખાણ નહિ કરે તો પછી ક્યારે કરશે? આત્મસ્વભાવના પરમ શાંત આનંદની
ઓળખાણ અને અનુભવ ન થાય તો જીવનના લહાવા શું? જૈન શાસનમાં આવીને પણ જો આત્માની ઓળખાણનો
સાચો માર્ગ ન લ્યે તો માનવજીવન મળ્‌યું શું કામનું? રણ–અટવીના થાકથી થાકીને સરોવરના કિનારે આવ્યો તે
પાણી પીધા વગર કેમ પાછો જાય? તેમ હે ભાઈ! જો તું જન્મ–મરણના ફેરાથી થાકયો હો અને તે દુઃખથી છૂટીને જો
તારે આત્મિક સુખનો અનુભવ કરવો હોય તો જ્ઞાની પુરુષોની શીતળ છાયામાં તું વિશ્રામ લે. સંત પુરુષના સમાગમે
તું આત્માનો અભ્યાસ કર, તેથી અવશ્ય તને ધર્મની પ્રાપ્તિ થશે અને તારૂં અવિનાશી હિત થશે. * * * * *